Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં હવે દર મહિને થશે દેશી ગાયના પંચગવ્ય યુક્ત ગોબરનું પવિત્ર સ્નાન

21 September


ભુજ નગરની ગો સેવા ગતિવિધિ દ્વારા થયેલ ગત બે આયોજનને લઈને ગોપ્રેમીઓમાં ભારે ઉત્સાહ 

ભુજ - કચ્છઉદય : શહેરમાં વસવાટ હોય, વરસાદી વાતાવરણ વચ્ચે રવિવારની રજા હોય એટલે નગરજનો માટે જાણે મોડે સુધી ઉંઘ ખેંચ લેવાનો દિવસ ગણાય, પરંતુ જેમને માહિતી મળી કે ગોસેવા ગતિવિધિ દ્વારા ભુજમાં મહિને એકવાર પંચગવ્ય સ્નાનનું આયોજન થાય છે, જેમાં બહુ જ આનંદ આવે છે તેવા ગોપ્રેમીઓ સમયસર પોતાનું નામ લખાવી મીઠી ઉંઘ છોડીને વહેલી સવારે આયોજન સ્થળે પહોંચી જાય છે. સામાન્ય રીતે ગોબરની વાત આવે એટલે યુવાનોના હાવભાવ બદલાઈ જાય, પરંતુ કચ્છમાં એકલદોકલ વ્યક્તિઓ દ્વારા પોતાના શોખ અથવા સ્વાસ્થ્યને લઈને પ્રારંભ થયેલ પંચગવ્ય સ્નાનના આ પ્રયોગો અત્યારે સમગ્ર કચ્છમાં અનેક જગ્યાએ સાર્વજનિક રીતે યોજાઈ રહ્યા છે. જેમાં બાળકો, યુવાનો અને પ્રૌઢો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે.
ગત બે માસમાં ભુજમાં સ્વામિનારાયણ મંદિરની રાવલવાડી સ્થિત વિશાળ ગોશાળામાં પુરૂષો માટે થતાં આ આયોજનને બહુ જ સફળતા મળી છે અને તેમાં આવનાર સામાન્ય મજૂરથી માંડીને ડોક્ટર, વૈધ, વકીલ, વિદ્યાર્થી ઉદ્યોગપતિ, શિક્ષક, બિઝનેસમેન અને પૂ. સંતો સહિત દરેક ક્ષેત્રના નાના મોટા લોકો આમાં જોડાઈ રહ્યા છે. ગતિવિધિના જિલ્લા સંયોજક નવીન ભુડીયા અને નગર સંયોજક જયમિત સોલંકી જણાવે છે કે, ગોશાળામાં શુધ્ધ ખોરાક ખાતી દેશી ગાયનાં તાજાં ગોબર ઉપરાંત નિશ્ચિત માત્રામાં દુધ, દહીં, ઘી, ગોમુત્ર અને ચંદન પાવડર સાથે ભારે જહેમતથી તૈયાર થતાં આ મિશ્રણને શરીરમાં બરોબર રગડીને એકથી દોઢ કલાક વિધિપૂર્વક સ્નાન કર્યા પછી તરુણથી લઈને વૃદ્ધ સુધી પોતાના જે અનુભવો વર્ણવે છે તેમાં ગોબરની દુર્ગંધ કે સુગ નામનો કોઈ શબ્દ જ નથી આવતો તે બહુ જ અદ્દભૂત વાત છે. અને ભુજ નગર તથા આજુબાજુના વિસ્તારનો ઉત્સાહ જોતાં હવે આ આયોજન દર મહિને છેલ્લા રવિવારે કરવાનું નક્કી થયું છે.
અનેકવાર આ સ્નાનનો લાભ લઈ ચુકેલ ગતિવિધિના પ્રચાર સંયોજક રામજી વેલાણી જણાવે છે કે પ્રાંત સંયોજક મેઘજીભાઈ હિરાણીના વર્ષોના અનુભવી માર્ગદર્શનમાં ચાલતાં આ કાર્યથી લોકોને પોતાની અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ સાથે વિશેષતઃ ચામડીના રોગોમાં અદ્દભૂત લાભ થઈ રહ્યો હોવાથી આવાં આયોજનો ન માત્ર કચ્છ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં પણ પ્રારંભ થયાં છે. જેનો  વધુને વધુ લોકો તેનો લાભ લઈ રહ્યા છે. ભુજમાં થતાં આ આયોજનમાં સ્વામિનારાયણ મંદિરની ગોશાળાના સંચાલક પૂ. સંતોનો પણ ખુબ જ સુંદર સહયોગ મળી રહ્યો છે.
-----

Comments

COMMENT / REPLY FROM