Trending News
સ્થાનિક સમાચાર

અંજારના ભુવડ ગામે નિર્માણધીન કેનાલ પાણી છોડતા પહેલાં જ ધરાશાયી

21 September


હલકી ગુણવત્તાના કામ સામે ભારે રોષ : ભુવડ ગામ નજીક સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ આરસીસી કેનાલનું નિર્માણ કાર્ય ભારે વિવાદમાં સપડાયું

જળસંચય માટે બનેલી આ કેનાલ પાણીનો એક ટીપું પણ સહન કર્યા વિના જ કડાકાભેર તૂટી પડી : અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પોતાની રીતે જ એક જૂથ કે રીંગ બનાવીને મનસ્વી રીતે કામગીરી ચલાવતા હોવાનો ગંભીર આરોપ


અંજાર - કચ્છઉદય : અંજાર તાલુકાના ભુવડ ગામ નજીક સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ આરસીસી કેનાલનું નિર્માણ કાર્ય ભારે વિવાદમાં સપડાયું છે. ચોંકાવનારી બાબત એ છે કે આ કેનાલનું વિધિવત ઉદ્ઘાટન થાય કે તેમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તે પહેલા જ તેનો એક મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. સ્થાનિક સ્તરે બનેલી આ ઘટનાને પગલે સરકારી ચોપડે દર્શાવાતા વિકાસ કામો અને તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કેનાલના નિર્માણ કાર્યમાં અત્યંત નબળું અને હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક પંચાયત હોદ્દેદારના  પ્રતિનિધિ અને ગ્રામજનોના જણાવ્યા મુજબ બાંધકામ દરમિયાન સિમેન્ટ અને લોખંડનું જરૂરી પ્રમાણ જાળવવામાં આવ્યું નથી, જેના કારણે જળસંચય માટે બનેલી આ કેનાલ પાણીનો એક ટીપું પણ સહન કર્યા વિના જ કડાકાભેર તૂટી પડી છે. આ સમગ્ર બાબત સરકારી નાણાંનો ઘોર દુરુપયોગ અને સિંચાઈ વિભાગની છત્રછાયા હેઠળ થતા ભ્રષ્ટાચાર તરફ સ્પષ્ટ અંગુલિનિર્દેશ કરે છે.
આ ઉપરાંત સિંચાઈ વિભાગની કામગીરીની શૈલી સામે પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. સરકારી નિયમો અનુસાર કોઈપણ વિકાસકાર્ય સ્થાનિક પ્રજાતિનિધિઓના સંકલનમાં રહીને કરવાનું હોય છે, પરંતુ આ કિસ્સામાં આસપાસના ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો કે જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓને તંત્ર દ્વારા કોઈ જ જાણ કરવામાં આવી ન હતી. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પોતાની રીતે જ એક જૂથ કે રીંગ બનાવીને મનસ્વી રીતે કામગીરી ચલાવતા હોવાના ગંભીર આરોપો પણ મૂકવામાં આવ્યા છે. અગાઉ પણ વિભાગની આવી મનસ્વી કામગીરી અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈને તંત્ર પાસે તાત્કાલિક અને કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. જે મુજબ સંબંધિત એજન્સી તેમજ કોન્ટ્રાક્ટરનું તમામ પેમેન્ટ તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવે અને તેમને કાળી યાદીમાં એટલે કે બ્લેકલિસ્ટ કરવામાં આવે. આ સાથે જ આ હલકી ગુણવત્તાના બાંધકામ માટે જવાબદાર સિંચાઈ વિભાગના અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને તેમની સામે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.


................


અગાઉ તળાવ સુધારણાના કામમાં પણ ભ્રષ્ટાચારનો થયો હતો આક્ષેપ

અંજાર : તાલુકાના ભુવડ ગામે નાની સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરાતા કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદો નવી નથી. અગાઉ વર્ષ ૨૦૨૪માં પણ ભુવડના કારાપીર તળાવ સુધારણાના રૂ. ૪૯ લાખના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે ભુવડ ગ્રામ પંચાયતના સરપંચ રાયદેબેન રાજેશભાઈ જરૂ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તે સમયે મંજૂર થયેલી રકમમાંથી રૂ. પાંચ લાખનું કામ પણ ન થયું હોવાનો અને વહીવટી મંજૂરી બાદ છેક ચોમાસાની શરૂઆતમાં કામ ચાલુ કરીને બિલ મંજૂર કરાવી લેવાની મેલી મુરાદ હોવાનો દાવો કરાયો હતો. ભુવડ સહિત આસપાસના ગામોના તળાવોના કામો એક જ એજન્સીને ૧૩.૨૪ ટકા ઊંચા ભાવે આપી ટેન્ડરમાં રીંગ થઈ હોવાની શંકા પણ દર્શાવવામાં આવી હતી. સિંચાઈ વિભાગની આવી લોલંલોલ કામગીરી સામે અગાઉ પણ તપાસ અને ચૂકવણી અટકાવવાની માગણીઓ થઈ ચૂકી છે.

 

Comments

COMMENT / REPLY FROM