Trending News
સ્થાનિક સમાચાર

નમકના ગેરકાયદે પાળાઓથી ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાકને નુકશાન 

21 September



અમુક નમક માફીયા દ્વારા બંધાયેલા ગેરકાયદેસરના પાળા છે, જે કુદરતી રણ તરફ જતું પાણી અટકાવતા સ્થિતિ વણસી : ખેતરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાતા મગફળી અને એરંડાના પાકને નુકસાન થવાની ભીતિ : ૧૨ ગામોની ૫૦૦થી ૭૦૦ એકર જેટલી ખેતીની જમીનમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી  રસ્તાઓ અને નેળિયાઓમાં પાણી ભરાતા માલધારીઓની રોજીરોટીને અસર : પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવા નિયમ વિરુદ્ધ પાળા બનાવવાનાર સામે કાર્યવાહીની માંગ 

ભુજ - કચ્છઉદય : કચ્છના ભચાઉ તાલુકા વિસ્તારના આસપાસના પટામાં અમૂક મીઠું પકવવા માટે બનાવવામાં આવેલા મોટા પાળાઓના કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલનો માર્ગ અવરોધાતાં ખેડૂતોની હાલત કફોડી બની હોવાની ફરિયાદો સામે આવી છે. કુદરતે સારો વરસાદ આપ્યો હોવા છતાં મીઠાના અગરો માટે ઉભા કરવામાં આવેલા પાળાઓને કારણે વરસાદનું પાણી કુદરતી રીતે રણ તરફ વહેવાને બદલે આસપાસના ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બાનીયારી વિસ્તારમાં આકાશ ખુલ્લું હોવા છતાં વરસાદી પાણીના નિકાલનો માર્ગ પાળાઓના કારણે અટવાઈ જતા ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે. અનેક ખેતરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં મગફળીનો તૈયાર પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. જ્યારે એરંડાના પાકને પણ ભારે નુકસાન થવાની ભીતિ છે. અંદાજે ૧૦૦થી ૧૫૦ એકર વિસ્તારમાં તેમજ આસપાસના આશરે ૧૨ ગામોની ૫૦૦થી ૭૦૦ એકર જેટલી ખેતીની જમીનમાં આવી જ રીતે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે. ખેતરોમાં ભરાયેલું પાણી સમયસર બહાર નહીં કાઢવામાં આવે તો હાલના પાકની સાથે આગામી શિયાળુ પાકને પણ ભારે નુકસાન થવાની દહેશત છે. પરિસ્થિતિ એવી બની છે કે, ખેડૂતો પોતાના ખર્ચે ડીઝલ પંપ લગાવી ખેતરોમાંથી પાણી ઉલેચવા મજબૂર બન્યા છે. એકતરફ ખેડૂતોએ ખેતી પાછળ કરેલો ખર્ચ પાણીમાં ગરકાવ થયો છે તો બીજીતરફ કુદરતી વરસાદથી મળેલી આશા પણ ગેરકાયદે પાળાઓના કારણે નિરાશામાં ફેરવાઈ રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. માત્ર ખેડૂતો જ નહીં, આ પાણી ભરાવાની સમસ્યાની સીધી અસર માલધારીઓ પર પણ પડી રહી છે. રસ્તાઓ અને નેળિયાઓમાં પાણી ભરાઈ જતાં પશુઓ સાથે રણ અને બન્ની વિસ્તારમાં અવર જવર મુશ્કેલ બની છે. માલધારીઓ પોતાના પશુઓનું દૂધ પણ નિયમિત રીતે બજાર સુધી પહોંચાડી શકતા ન હોવાથી તેમની રોજીરોટી પર પણ અસર પડી રહી છે. સ્થાનિક સ્તરે મીઠાના અગરો માટે બનાવવામાં આવેલા પાળાઓ અંગે અગાઉ પણ પ્રશ્નો ઉઠ્યા હોવાનું અને પાળા દૂર કરવા અંગે વહીવટી સ્તરે આદેશો થયા હોવા છતાં જમીન પર અસરકારક કાર્યવાહી ન હોવાનું જણાવ્યું હતું. દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા પુનરાવર્તિત થતી હોવાની ફરિયાદો છે. ગરીબ ખેડૂતો અને માલધારીઓની રોજીરોટી સાથે જોડાયેલા આ ગંભીર પ્રશ્ને હવે તંત્રની જવાબદારી અંગે પણ સવાલો ઉભા 
કર્યા છે. ખેડૂતોની માંગ છે કે સંબંધિત અધિકારીઓ માત્ર કચેરીમાંથી સ્થિતિનું મૂલ્યાંકન કરવાને બદલે અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લે, કુદરતી પાણીના વહેણમાં ક્યાં અને કેવી રીતે અવરોધ ઊભા થયા છે તેની સ્થળ તપાસ કરે અને જરૂરી હોય ત્યાં ગેરકાયદે પાળાઓ તાત્કાલિક દૂર કરી પાણીના કુદરતી નિકાલનો માર્ગ ખુલ્લો કરવામાં આવે. કલેક્ટર દ્વારા સમગ્ર મામલે સ્થળ પર જઈ ખેડૂતો અને માલધારીઓની વાસ્તવિક સ્થિતિ નિહાળી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદ કુદરતની ભેટ છે, પરંતુ પાણીના કુદરતી વહેણને કૃત્રિમ રીતે રોકવામાં આવે તો એ જ પાણી તેમના માટે વિનાશનું કારણ બને છે. તેથી કડોલ, બાનીયારી અને આસપાસના અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક સર્વે કરાવી પાક નુકસાનીનું મૂલ્યાંકન કરવામાં આવે, પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને નિયમ વિરુદ્ધ પાળા બનાવવામાં આવ્યા હોય તો જવાબદાર તત્વો સામે નિયમ મુજબ કાર્યવાહી થાય તે હવે સમયની માંગ બની છે.

Comments

COMMENT / REPLY FROM