એચટાટ મુખ્ય શિક્ષક સંવર્ગ અને પ્રાથમિક શિક્ષણના પ્રશ્નો અંગે શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, પ્રાથમિક નિયામક તથા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક સંપન્ન
મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા ફળદાયી રજુઆતને આવકાર
ગાંધીનગર - કચ્છઉદય : સમગ્ર ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા એચટાટ મુખ્ય શિક્ષક સંવર્ગના સેવાકીય, નાણાંકીય, વિદ્યાર્થી લક્ષી પ્રશ્નો તથા શાળાઓના વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - ગુજરાત એચ ટાટ સંવર્ગ દ્વારા ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના ઉચ્ચ પદાધિકારીઓ સાથે એક નિર્ણાયક બેઠક યોજાઈ હતી, જેમાં અખિલ ભારતીય અધિકારી સહિત સમગ્ર રાજ્યના પ્રદેશ પદાધિકારીઓ તથા તમામ જિલ્લાઓમાંથી ૨૫૦ થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિત રહી હતી.
શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે તથા પ્રાથમિક શિક્ષણ નિયામક પી. કે. ત્રિવેદી અને વિભાગના અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંગઠનના અખિલ ભારતીય સહ સચિવ પ્રાથમિક સંવર્ગ પલ્લવીબેન પટેલ, પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર, એચટાટ સંવર્ગ અધ્યક્ષ પ્રવિણસિંહ વાઘેલા તથા પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી, અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ (ગાંધીનગર), મંત્રી રમેશભાઈ ગાગલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી સંવર્ગના પડતર પ્રશ્નોની ગંભીરતા મંત્રીસમક્ષ મૂકી હતી.
બેેઠકના પ્રારંભમાં પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ દ્વારા ભૂમિકા રજૂ કરાયા બાદ એચટાટ સંવર્ગ અધ્યક્ષ પ્રવિણસિંહ વાઘેલા દ્વારા શાળાઓની વાસ્તવિક પરિસ્થિતિ અને વહીવટી અડચણોને સાંકળીને તમામ પડતર પ્રશ્નો તથા વિદ્યાર્થી હિતના પ્રશ્નો વિગતવાર રજૂ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક શિક્ષણ નિયામક પી . કે. ત્રિવેદીએ તમામ પ્રશ્નો અન્વયે વિગતવાર જવાબ આપી હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. ત્યાર બાદ અગ્રસચિવ મિલિંદ તોરવણે દ્વારા પણ પ્રશ્નો અને શિક્ષણમાં ગુણવત્તા બાબતે માર્ગદર્શન આપી શૈક્ષિક મહાસંઘ દ્વારા દરેક પ્રશ્નોની આધાર-પુરાવા સાથે પદ્ધતિસરની રજૂઆતના વખાણ કરી શૈક્ષિક મહાસંઘની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ, સચિવ તથા નિયામક દ્વારા રજૂ થયેલા તમામ પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી સહાનુભૂતિપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લા શિક્ષકો વતિ મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ રાજય મંત્રી અમરાભાઈ રબારી, જિલ્લા અધ્યક્ષ પ્રભુભાઈ ઢીલા, મહામંત્રી રોહિતભાઈ રાજગોર અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ રાજય પ્રતિનિધિ રામસંગજી જાડેજા, જિલ્લા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, મહામંત્રી મયુરભાઈ પટેલ દ્વારા શિક્ષક,વિદ્યાર્થી અને શિક્ષણ હિત લક્ષી બેઠક અને રજુઆતને આવકારી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરૂણભાઇ શાહની યાદીમાં જણાવાયું હતું.
----------

Comments