કચ્છના સરનામે બોગસ પાસપોર્ટ બનાવનાર એજન્ટ નસીમ ભોપાલથી ઝબ્બે
એસટીએફની તપાસમાં નવો ખુલાસો : કચ્છ અને નાગપુરના સરનામે ૨૫થી ૩૦ બોગસ પાસપોર્ટ બનાવાયા : બોગસ પાસપોર્ટ રેકેટમાં પાંચમી ધરપકડ
ભુજ - કચ્છઉદય : બાંગ્લાદેશી નાગરિકોના બોગસ ભારતીય દસ્તાવેજો બનાવી પાસપોર્ટ મેળવવાના બહુચર્ચિત કૌભાંડમાં મધ્યપ્રદેશ એસટીએફને વધુ એક મોટી સફળતા મળી છે. અગાઉ મુખ્ય આરોપીઓની ધરપકડ બાદ હાથ ધરાયેલી ઊંડી તપાસમાં આ આંતરરાજ્ય રેકેટમાં સક્રિય એજન્ટ નસીમ અખ્તરની ભોપાલથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ કૌભાંડમાં ધરપકડનો આંકડો પાંચ પર પહોંચ્યો છે, જેમાં એસટીએફની તપાસ દરમિયાન ગુજરાતના કચ્છનું કનેક્શન મુખ્ય કેન્દ્રબિંદુ બનીને સામે આવ્યું છે.
કેસની તપાસ કરી રહેલી એસટીએફની ટીમ પાસેથી મળતી નવી વિગતો મુજબ, બાંગ્લાદેશી નાગરિકોને ભારતીય તરીકે દર્શાવવા માટે કચ્છના સરનામા અને બોગસ દસ્તાવેજોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. એજન્ટ અને મુખ્ય સૂત્રધાર દ્વારા કચ્છ અને નાગપુરના મઠોના સરનામે ભોપાલની પાસપોર્ટ ઓફિસમાંથી આશરે ૨૫થી ૩૦ જેટલા બોગસ પાસપોર્ટ કઢાવવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે. પકડાયેલો એજન્ટ નસીમ અખ્તર પ્રતિ પાસપોર્ટ ૨૦ હજાર રૂપિયા લઈને ઓનલાઈન પ્રોસેસિંગથી લઈને દસ્તાવેજો સબમિટ કરવા સુધીનું તમામ સેટિંગ સંભાળતો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે, ભોપાલ પાસપોર્ટ ઓફિસ બહાર નસીમની મુલાકાત મુખ્ય સૂત્રધાર મિત્યાનંદ ભિક્ષુ સાથે થઈ હતી. મિત્યાનંદ તેને કચ્છ કે અન્ય સ્થળોના નામે બનાવેલા બોગસ દસ્તાવેજો આપતો હતો અને તેના આધારે નસીમ અરજીઓ કરતો હતો. પકડાયેલા એજન્ટ નસીમે અત્યાર સુધીમાં ૨૦થી વધુ આવા શંકાસ્પદ પાસપોર્ટ કઢાવ્યા છે. હાલ એસટીએફ દ્વારા કચ્છના સરનામે કઢાવવામાં આવેલા તમામ પાસપોર્ટ, તેના આધારે થયેલી વિદેશ યાત્રાઓ અને તેના દસ્તાવેજી પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

Comments