યુવક સંઘ ભુજ આયોજિત ‘એસકેએલપીએસ મહિલા ક્રિકેટ સ્પર્ધા ૨૦૨૬’માં કેરાની ટીમ બની ચેમ્પિયન, માનકુવા રહી ઉપવિજેતા
ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ - ભુજ અને કચ્છી લેવા પટેલ યુવકસંઘ - ભુજના સંયુક્ત ઉપક્રમે તથા એસવીસીટી ગ્રુપના મુખ્ય સ્પોન્સરશિપ સાથે આયોજિત ‘એસકેએલપીએસ મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ ૨૦૨૬’ સૂરજ શિક્ષણધામ-કન્યા રતનધામ સંકુલ, હરિપર - ભુજ ખાતે અત્યંત ઉત્સાહસભર અને રોમાંચક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
આ રમતોત્સવમાં ચોવીસીના ગામોની ઉત્સાહી મહિલા ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કેરા, માનકુવા, બળદિયા, રામપર, વેકરા, મદાનપુર અને માંડવીની ટીમો વચ્ચે રમતગમતના ઉત્કૃષ્ટ દેખાવ સાથે રોમાંચક મુકાબલા ખેલાયા હતા. ટૂર્નામેન્ટની તમામ મેચોમાં ખેલાડીઓએ ખેલદિલી દર્શાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આખરી ફાઇનલમાં કેરાની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરીને ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું હતું, જ્યારે માનકુવાની ટીમ વિરતાપૂર્વક રમીને ઉપવિજેતા રહી હતી. સ્પર્ધામાં વ્યક્તિગત સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓમાં કેરાની રોશની પટેલ ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’, માંડવીની ઈશિકા પિંડોરીયા ‘બેસ્ટ બેટ્સમેન’ અને માનકુવાની નેન્સી જોધાણી ’બેસ્ટ બોલર’ તરીકે પસંદગી પામ્યા હતા.
સ્પર્ધાના સમાપન સમારોહમાં વિજેતા અને ઉપવિજેતા ટીમો ઉપરાંત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી, મેડલ અને રોકડ ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેલાડીઓની રમતગમત ક્ષેત્રે વધતી ખેલદિલી અને ઉત્સાહને બિરદાવવા માટે વેલજીભાઈ રામજી પિંડોરિયા, ગોપાલભાઈ માવજી ગોરસિયા, એસવીસીટી ગ્રુપના રીટાબેન ગોપાલ ગોરસિયા તથા કસ્તુરબેન હરીશ ગોરસિયા તેમજ ટ્રસ્ટીઓ લક્ષ્મણભાઈ રાઘવાણી, મનજીભાઈ પિંડોરિયા, રામજીભાઈ સેંઘાણી, ગોપાલભાઈ વેકરીયા,હરીશભાઈ પાધરા, જયંતીભાઈ વેકરીયા, રસિકભાઈ વેલાણી, નિમેશભાઈ વરસાણી, દિનેશભાઈ પાંચાણી, કિશોરભાઈ ગામી, કાન્તાબેન વેકરીયા, મનીષાબેન પટેલ, સંગીતાબેન હિરાણી, નીતાબેન વેકરીયા અને અર્પિતાબેન વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આ સફળ આયોજન બદલ મુખ્ય સ્પોન્સર એસવીસીટી ગ્રુપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ, યુવકસંઘ ભુજના ટ્રસ્ટીશ્રીઓ, કુમાર વિદ્યાધામના દીકરાઓ અને કન્યા રતનધામની દીકરીઓએ સાથે મળીને આ આયોજનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
-------

Comments