Trending News
સ્થાનિક સમાચાર

કચ્છને રેલવેની મોટી ભેટઃ શિવલખા-ભીમાસર સહિત ૪ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનું આવતીકાલે લોકાર્પણ

14 September


અંજાર સ્ટેશને ભુજ-શાલીમાર એક્સપ્રેસનું નવું સ્ટોપેજ શરૂ થશે, ગોપાલપુર સ્ટેશનનું પણ ઉદ્ઘાટન : શિવલખા સહિતના ટર્મિનલથી માલ પરિવહનને વેગ મળશે

ભુજ - કચ્છઉદય : કચ્છ સહિત ગુજરાતમાં રેલવે સુવિધાઓને વધુ મજબૂત બનાવતી વિવિધ મહત્વપૂર્ણ યોજનાઓનું આવતીકાલે તા. ૧૫ સપ્ટેમ્બરના લોકાર્પણ, શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવશે. રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બપોરે ૨ઃ૩૦ કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિવિધ રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત ભચાઉના શિવલખા અને અંજારના ભીમાસર સહિત ગુજરાતના ચાર ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનું રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવશે. શિવલખા અને ભીમાસર ઉપરાંત દેવલિયા તથા ચંડીસર ખાતેના ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનું પણ લોકાર્પણ થશે. આ ઉપરાંત લિંચ ખાતેના ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનો શિલાન્યાસ કરવામાં આવશે. કચ્છ માટે અન્ય મહત્વની બાબત એ છે કે અંજાર રેલવે સ્ટેશને ભુજ-શાલીમાર એક્સપ્રેસના નવા સ્ટોપેજનો આવતીકાલથી પ્રારંભ થશે. જ્યારે ગોપાલપુર રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ બંને સુવિધાઓથી કચ્છના મુસાફરોને વધુ સારી રેલવે કનેક્ટિવિટી મળવાની સાથે સ્થાનિક વિસ્તારોમાં મુસાફરીની સુવિધામાં વધારો થશે.
૧૯મી થી કચ્છની ૭ ટ્રેનોને ગોપાલપુર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ શરૂ થવાથી કચ્છમાં માલ પરિવહનને વધુ વેગ મળવાની શક્યતા છે. ઔદ્યોગિક અને વેપારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા માલના રેલવે મારફતે પરિવહન માટે આ ટર્મિનલો મહત્વપૂર્ણ બની રહેશે. રેલવે દ્વારા માલ પરિવહનની ક્ષમતા વધારવા તેમજ વેપાર-વાણિજ્યને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.  આવતીકાલે એક જ કાર્યક્રમમાં કચ્છને કાર્ગો પરિવહન અને મુસાફરી બંને ક્ષેત્રે મહત્વની રેલવે સુવિધાઓ મળશે.
---------

Comments

COMMENT / REPLY FROM