Trending News
સ્થાનિક સમાચાર

ચોબારીની શાળાઓના વિવાદિત બાંધકામ આવતીકાલે જિલ્લા પંચાયતની ઉચ્ચસ્તરીય ટીમ સ્થળ તપાસ માટે પહોંચે તેવી સંભાવના

13 September



બાંધકામના લેબ ટેસ્ટિંગ થવાની શક્યતાના પગલે લીપાપોતી શરુ : ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારોના આગમનની ગંધ આવી જતાં જ એજન્સી દ્વારા કચાસ છુપાવવાના પ્રયાસો શરુ

ભચાઉ - કચ્છઉદય : ચોબારી ગામની પ્રાથમિક શાળાના નબળા બાંધકામ અને નબળી ગુણવત્તાવાળા કામ સામે સ્થાનિક પ્રતિનિધિઓ તથા ગ્રામજનોના આકરા વિરોધ બાદ હવે તંત્ર સક્રિય બન્યું છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આવતીકાલે સોમવારના બપોરે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના હોદ્દેદારો તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓની એક ખાસ ટીમ ચોબારીની વિવાદિત શાળાઓની પ્રત્યક્ષ મુલાકાતે પહોંચવાની છે.અગાઉ નબળા બાંધકામના કારણે પ્રથમ માળનો સ્લેબ અને પગથિયાં તોડી પાડવાની ફરજ પડી હતી, આ મામલો હાલે કચ્છભરમાં ગરમ બન્યો છે ત્યારે સોમવારે તંત્રની ટીમ દ્વારા શાળાની રૂબરૂ મુલાકાત લેવાની સાથે સાથે બાંધકામમાં વપરાયેલી સામગ્રીનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.
બીજી તરફ, ઉચ્ચ અધિકારીઓ અને સમિતિના હોદ્દેદારોની સરપ્રાઇઝ કે નક્કી મુલાકાતની ભનક લાગી જતાં જ કોન્ટ્રાક્ટર અને તેના માણસોમાં ફાટફૂટ પડી છે. તપાસમાં પોતાના પાપ છાપરે ચડીને પોકારે નહીં તે માટે હાલે સ્થળ પર કામચલાઉ ‘લીપાપોતી’ કરી ખામીઓ ઢાંકવાનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે.
નોંધનીય છે કે,  જિલ્લા પંચાયતના સભ્ય પુરીબેન ઢીલા અને સરપંચ વેલજીભાઇ દ્વારા અગાઉ જ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી સંબંધિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરાઈ હતી. હવે જોવાનું એ રહેશે કે સોમવારે આવનારી ટીમ તટસ્થ લેબ ટેસ્ટિંગ કરીને કડક કાર્યવાહી કરે છે કે પછી કોન્ટ્રાક્ટરની આ ‘લીપાપોતી’ સામે આંખ આડા કાન કરે છે.


......

Comments

COMMENT / REPLY FROM