કચ્છમાં ક્રિકેટ ફીવર વચ્ચે સટ્ટોડિયા બજાર સક્રિય થવાની આશંકા
આજે ભારત-અફઘાનિસ્તાન મુકાબલો અને એશિયા કપ ફાઇનલ
જિલ્લાના ક્રિકેટરસિકોમાં ડબલ ધમાકાના પગલે ભારે રોમાંચ : ઓનલાઇન સટ્ટાબાજીના નેટવર્ક પર પોલીસની બાઝનજર, સટ્ટાની લાલચથી દૂર રહેવા યુવાવર્ગને અપીલ
ભુજ - કચ્છઉદય : આજે રવિવારનો આખો દિવસ સરહદી જિલ્લા કચ્છના ક્રિકેટરસિકો માટે ભારે રોમાંચ અને ઉત્તેજનાથી ભરપૂર બની રહેશે. એક તરફ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ટી-૨૦ મુકાબલો જામવાનો છે, તો બીજી તરફ ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ ૨૦૨૬ની મહાસંગ્રામ સમાન ફાઇનલ મેચ રમાવાની છે. ક્રિકેટના આ ડબલ ધમાકાને પગલે ભુજ, ગાંધીધામ, અંજાર અને મુંદરા સહિત સમગ્ર કચ્છના ખૂણે-ખૂણે ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો છે. તમામ શહેરો અને તાલુકા મથકોમાં રવિવારની આ મેચોને લઈને ભારે ચર્ચા જાગી છે. જોકે, એક જ દિવસે બે મોટી મેચો હોવાથી કચ્છમાં ગેરકાયદે ક્રિકેટ સટ્ટાબાજી સાથે સંકળાયેલા તત્વો પણ ભારે સક્રિય થાય તેવી ચર્ચાએ કચ્છ પોલીસ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે.
આવી મોટી મેચોના દિવસે કચ્છમાં સટ્ટાના નેટવર્ક મારફતે લાખો રૂપિયાની બિનઅધિકૃત હેરફેર થતી હોવાની બાબતો ભૂતકાળમાં સામે આવતી રહી છે. હવે પરંપરાગત સટ્ટાની જગ્યાએ બુકીઓ દ્વારા મોબાઈલ અને ઓનલાઈન આઈડી માધ્યમનો ઉપયોગ વધ્યો હોવાથી પોલીસ માટે આવા ગુપ્ત નેટવર્ક સુધી પહોંચવું પડકારજનક બન્યું છે. ભૂતકાળમાં કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના રેકેટ ઝડપાઈ ચૂક્યા હોવાના કડવા અનુભવોને ધ્યાને રાખીને, આજની આ બંને હાઈ-વોલ્ટેજ મેચો દરમિયાન જિલ્લાની સ્થાનિક પોલીસ તેમજ સાયબર સેલ દ્વારા શંકાસ્પદ ઓનલાઈન આઈડી અને સટ્ટોડિયાઓ પર કડક ગીધનજર રાખવામાં આવી રહી છે.મેચના પરિણામ, રન રેટ તેમજ ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શન પર નાણાં લગાવવાની લાલચમાં કચ્છનો યુવાવર્ગ હોમાઈ રહ્યો હોવાની ગંભીર ચિંતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. સટ્ટાબાજીમાં આંધળા પૈસા ગુમાવવાની સાથે યુવાનોએ કાયદાકીય શિકંજામાં ફસાવાનો વારો આવે છે. આ સંજોગોમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો અને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે ક્રિકેટરસિકો આ મહાન મેચોનો આનંદ માત્ર એક નિર્દોષ રમત તરીકે જ માણે અને સટ્ટાબાજી જેવા ગેરકાયદે દલદલથી દૂર રહે. બે મહત્વની મેચોના કારણે સમગ્ર કચ્છ ક્રિકેટના રંગમાં રંગાયું છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કચ્છ પોલીસ દ્વારા ઓનલાઈન પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખીને કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પૂર્ણ અપેક્ષા સેવાઈ રહી છે.
.........

Comments