ધ્રબુડી બીચ પર પૂજા કર્યા બાદ દરિયામાં તણાઈ જતા ગાંધીધામના વૃદ્ધનું મોત
મોઢવા બીચ પરથી દેહ મળી આવ્યો
ભુજ - કચ્છઉદય : માંડવી તાલુકાના ધ્રબુડી - રાવળપીર સહિતના દરિયા કિનારામાં અંદર જવાની મનાઈ છે. કારણ કે આ દરિયો ઘણો તોફાની છે, તેવામાં ધ્રબુડીના બીચ પર પુજા કર્યા બાદ દરિયામાં તણાઈ જવાના કારણે ગાંધીધામના વૃદ્ધનું મોત થયું હતું.
આ બાબતે માંડવી મરીન પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ શ્રાવણી અમાસના શુક્રવારે બપોરે સાડા અગિયારથી બાર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ગાંધીધામમાં રહેતા ૬પ વર્ષિય નરેન્દ્રભાઈ ગોપાલજી પરમાર ધ્રબુડી બીચ પર પુજા કરવા માટે ગયા હતા ત્યારે દરિયામાં તણાઈ ગયા હતા. તેમનો દેહ મોઢવા બીચ પરથી મળી આવ્યો હતો. બનાવ અંગે માંડવી મરીન પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી છે. આ બનાવથી અરેરાટી ફેલાઈ જવા પામી હતી. દરમ્યાન ભુજના શક્તિનગરમાં રહેતા પ૧ વર્ષિય અનિલભાઈ બાબુભાઈ પુરોહિતે પોતાના ઘરે રૂમની અંદર પંખા પર શર્ટ અને રૂમાલ વડે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. જયારે મુંદરા તાલુકામાં શીરાચાથી નવીનાળ જતા રસ્તા પર ઝારખંડના દીપેન્દ્ર ધનેશ્વર તિવારીનું મોત થતા પોલીસે એડી દાખલ કરી હતી.

Comments