માંગણીઓ ન સંતોષાય ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાલની ચીમકી સાથે એક દિવસની સફળ બેંક હડતાલ
ભુજ - કચ્છઉદય : યુનાઈટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોયીઝ યુનિયન્સના નેજા હેઠળ ક્લેરિકલ સ્ટાફ અને ઓફિસર એસોસિએશનના છ યુનિયનો દ્વારા દેશવ્યાપી બેંક હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું હતું, જે સંપૂર્ણ સફળ રહ્યું હોવાનું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના આસિસ્ટન્ટ ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી નિલેશ મહેતાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બેંક કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ૫ ડે બેન્કિંગ અને પરફોર્મન્સ લિંક્ડ ઈન્સેન્ટિવમાં રહેલી અસમાનતા દૂર કરવાનો સમાવેશ થાય છે. લગભગ દોઢ વર્ષ અગાઉ ઈન્ડિયન બેંકસ એસોસિએશન સાથે થયેલા ૧૨મા દ્વિપક્ષીય કરારમાં ૫ ડે બેન્કિંગને મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ આ મુદ્દો નાણાં વિભાગની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ દોઢ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તેનો અમલ થયો નથી. આ મુદ્દે અગાઉ પણ હડતાલ સહિતના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા અને માર્ચ ૨૦૨૪માં હડતાલનું આહ્વાન કરાયું ત્યારે ચર્ચા-વિચારણા કરીને ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. બીજી તરફ પીએલઆઈમાં સ્કેલ-૩ સુધીના ઓફિસરો અને એક્ઝિક્યુટિવ્સ માટે અલગ-અલગ જોગવાઈ સામે પણ યુએફબીયુ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
નિલેશ મહેતાના જણાવ્યા મુજબ, જો આજની હડતાલ બાદ પણ સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા માંગણીઓ અંગે યોગ્ય ચર્ચા અને નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસની હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પણ માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ૨૪ ઓક્ટોબરથી બેંકોમાં અનિશ્ચિત મુદતની હડતાલ શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.
------

Comments