Trending News
સ્થાનિક સમાચાર

વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦.૪૧ લાખથી વધુ સહેલાણીઓએ સફેદ રણની માણી મજા

10 September





સ્થાનિક કલાકારો અને સખી મંડળોની આવકમાં ૭૩ ટકાનો જંગી વધારો : પર્યાવરણ જતન માટે ધોરડો ટેન્ટ સિટી પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર

ભુજ - કચ્છઉદય : ગુજરાત વિધાનસભા ખાતે પૂછાયેલા એક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં પ્રવાસન રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે વિશ્વપ્રસિદ્ધ કચ્છનું સફેદ રણ આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ના રણોત્સવ દરમિયાન ૧૦.૩૯ લાખથી વધુ દેશી અને ૨,૧૭૮ વિદેશી મળી કુલ ૧૦.૪૧ લાખથી વધુ સહેલાણીઓએ કચ્છની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૦૫માં માત્ર ત્રણ દિવસથી શરૂ થયેલો આ ઉત્સવ આજે ચાર મહિના સુધી ચાલતો વિશ્વનો સૌથી લાંબો સાંસ્કૃતિક ઉત્સવ બની ગયો છે, જેણે સ્થાનિક રોજગારીને નવી ઊંચાઈ આપી છે.
રણોત્સવે સ્થાનિક કલાકારો, કારીગરો અને સખી મંડળોને આર્થિક આત્મનિર્ભરતા બક્ષવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ વર્ષે ક્રાફ્ટ સ્ટોલ્સની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ચાર લાખથી વધુ નોંધાઈ હતી, જે ગત વર્ષની સરખામણીએ અંદાજે ૭૮ ટકાનો વધારો દર્શાવે છે. આ વેચાણ મથકો થકી થતી સ્થાનિક આવક પણ રૂ. ૬.૯૯ કરોડથી વધીને રૂ. ૧૨.૧૧ કરોડે પહોંચી છે, જે કારીગરોના જીવનમાં મોટો આર્થિક બદલાવ લાવ્યો છે. ઉપરાંત, ફૂડ સ્ટોલ ધારકોની આવકમાં પણ નોંધપાત્ર ૩૪ ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, થીમ પેવેલિયન, લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ ચિલ્ડ્રન ફન ઝોન જેવા આકર્ષણોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંસ્થા દ્વારા શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર થયેલા ધોરડો ખાતે પર્યાવરણની જાળવણી માટે વિશેષ પગલાં ભરાયાં છે. ધોરડો ટેન્ટ સિટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન ઘોષિત કરવામાં આવ્યું છે અને કાચની બોટલમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધી હોપ ઓન હોપ ઓફ બસ સુવિધા શરૂ કરાઈ છે, જે પ્રવાસીઓ માટે સુવિધાયુક્ત સાબિત થઈ રહી છે.
------- 

Comments

COMMENT / REPLY FROM