કચ્છના મોથાળા સ્ટેશન પર ફરજ બજાવતા રેલકર્મી કોમલ સિંહને મળ્યો મેન ઑફ ધ મન્થ પુરસ્કાર
પોઈન્ટ્સમેનની સમયસૂચકતાથી કચ્છમાં રેલવેનો મોટો અકસ્માત ટળ્યો ; પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર હસ્તે વિશિષ્ટ સન્માન કરાયું
ભુજ - કચ્છઉદય : કચ્છના અબડાસા પંથકમાં આવેલા મોથાળા રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોઈન્ટ્સમેન કોમલ સિંહને તેમની અસાધારણ સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પશ્ચિમ રેલવે દ્વારા પ્રતિષ્ઠિત મેન ઑફ ધ મન્થ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમદાવાદ મંડળ હેઠળ આવતા મોથાળા સ્ટેશને તૈનાત આ કર્મચારીએ પોતાની તીક્ષ્ણ નજરથી ગુડ્સ ટ્રેનમાં સર્જાયેલી મોટી ટેકનિકલ ખામી પકડી પાડીને સંભવિત રેલ અકસ્માત અટકાવ્યો હતો, જે બદલ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી રામાશ્રય પાંડેય દ્વારા તેમને આ વિશિષ્ટ સન્માન એનાયત કરવામાં આવ્યું છે.
બનાવની વિગતો મુજબ, ગત ૨૧ જુલાઈના રોજ મોથાળા ખાતે લેવલ ક્રોસિંગ નંબર ૭૮ પર ડ્યૂટી પર તૈનાત પોઈન્ટ્સમેન કોમલ સિંહે નલિયા તરફથી આવીને મેઈન લાઈન પરથી પસાર થઈ રહેલી માલગાડી પર બારીક નજર રાખી હતી. આ દરમિયાન તેમની નજરે એન્જિનથી ૧૩મા નંબરના વેગનના વ્હીલ જામ થયેલી સ્થિતિમાં દોડતા હોવાનું ધ્યાને આવ્યું હતું. વ્હીલ જામ હોવા છતાં ટ્રેન આગળ વધી રહી હોવાથી ઘર્ષણના કારણે પાટા પરથી ઊતરી જવાનો કે મોટી આગ લાગવાનો ગંભીર ભય હતો. કોમલ સિંહે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ત્વરિત બુદ્ધિશક્તિ વાપરીને આ અંગેની જાણ ડ્યૂટી પરના સ્ટેશન માસ્ટરને કરી હતી.
ઘટનાની ગંભીરતા જોઈને સ્ટેશન માસ્ટરે સેક્શન કન્ટ્રોલર સાથે ચર્ચા કરી મોથાળા-કોઠારા બ્લોક સેક્શનમાં જ ટ્રેન રોકાવીને તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન વ્હીલ જામ હોવા સાથે વ્હીલ પર મેટલ ડિપોઝિટ ચોંટેલું મળી આવ્યું હતું, જેને હટાવતા ફ્લેટ ટાયરની ગંભીર ખામી સપાટી પર આવી હતી. ત્યારબાદ ટ્રેનને અત્યંત નિયંત્રિત ગતિએ કોઠારા સ્ટેશન સુધી લઈ જઈ, ખામીયુક્ત વેગનને અલગ કરીને ટ્રેનને સુરક્ષિત આગળ રવાના કરાઈ હતી. કચ્છના સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા રેલકર્મીની આ સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઉલ્લેખનીય છે કે આ જ સમારંભમાં સાબરમતી ટર્મિનલના ધર્મવીર મહેતાને પણ સંરક્ષા પુરસ્કાર મળ્યો હતો. પરંતુ, મોથાળામાં ફરજ બજાવતા કોમલ સિંહની આ કામગીરીથી કચ્છ જિલ્લાનું અને ખાસ કરીને અબડાસા પંથકનું શિર ગૌરવથી ઊંચું થયું છે.
--------

Comments