વિકસીત ભારત ક્વિઝમાં કચ્છના યુવાનોને મોટી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા યુવા અધિકારીની અપીલ
રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલા યુવાનોને વડાપ્રધાન સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાની મળશે વિશેષ તક
ભુજ - કચ્છઉદય : યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના માર્ગદર્શન હેઠળ મેરા યુવા ભારત દ્વારા ‘વિકસિત ભારત ક્વિઝ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત કચ્છ જિલ્લાના યુવાનોને આ રાષ્ટ્રીય કક્ષાની પહેલમાં સક્રિયપણે જોડાવા અને મોટી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા યુવા અધિકારી અમિત શર્મા દ્વારા અપીલ કરવામાં આવી છે.
‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં દેશની યુવા શક્તિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી, જ્ઞાન, નવીન વિચારસરણી, સર્જનાત્મકતા અને નેતૃત્વ ક્ષમતાને પ્રોત્સાહન આપવાના હેતુથી આ સમગ્ર પહેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્વિઝની વિશેષ બાબત એ છે કે રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલા યુવાનોને માનનીય વડાપ્રધાન સમક્ષ પોતાના વિચારો, નવીન સંકલ્પનાઓ તથા વિકસિત ભારત ૨૦૪૭ અંગેનો પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવાની વિશેષ તક પ્રાપ્ત થશે. આ યુવાનો માટે રાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભા અને વિચારશક્તિ રજૂ કરવાની એક મહત્વપૂર્ણ તક બની રહેશે.
‘વિકસિત ભારત યુવા સંવાદ ૨૦૨૭’ અંતર્ગત સમગ્ર સ્પર્ધા પાંચ તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કો - વિકસિત ભારત ક્વિઝ, બીજો તબક્કો - નિબંધ લેખન, ત્રીજો તબક્કો - જિલ્લા ચેમ્પિયનશિપ અને પ્રસ્તુતીકરણ, ચોથો તબક્કો - રાજ્ય સ્તરીય વિકસિત ભારત યુવા સંવાદ અને પ્રસ્તુતીકરણ અને પાંચમો અને અંતિમ તબક્કો - રાષ્ટ્રીય સંવાદનો રહેશે. આ સ્પર્ધામાં ભાગીદારી સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથના પાત્ર યુવાનો આ પહેલમાં ભાગ લઈ શકશે. સ્પર્ધા દ્વારા યુવાનોને પોતાના જ્ઞાન, પ્રતિભા અને સર્જનાત્મક વિચારોનું પ્રદર્શન કરવાની તેમજ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સક્રિય યોગદાન આપવાની તક મળશે.
જિલ્લા યુવા અધિકારી અમિત શર્માએ કચ્છ જિલ્લાના યુવાનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, વિકસિત ભારત ૨૦૪૭નું લક્ષ્ય સાકાર કરવામાં યુવા શક્તિની ભાગીદારી સૌથી મહત્વપૂર્ણ છે. કચ્છના યુવાનો પ્રતિભા અને સર્જનાત્મકતામાં આગળ છે. તેથી તમામ પાત્ર યુવાનો આ તકનો લાભ લઈ વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાય અને મોટી સંખ્યામાં વિકસિત ભારત ક્વિઝમાં ભાગ લે. તેમણે કચ્છ જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષકો, યુવા સંગઠનો અને વાલીઓને પણ યુવાનોને આ રાષ્ટ્રીય પહેલમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો છે. વધુ માહિતી, સ્પર્ધાના નિયમો તથા નોંધણી માટે માય ભારત પોર્ટલની મુલાકાત લેવા જણાવાયું છે.
-----

Comments