કચ્છમાં હાઇ ફીવરના કેસોમાં ૧૨૦ ટકાનો રેકોર્ડબ્રેક ઉછાળો
આઠ મહિનામાં ૨,૩૬૮ ઇમરજન્સી કોલ નોંધાયા : ગયા વર્ષની સરખામણીએ કેસો બમણા કરતાં વધી જતાં ૧૦૮ ઇમરજન્સી સેવા દોડતી થઈ : સમગ્ર રાજ્યમાં કચ્છ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત
ભુજ - કચ્છઉદય : ચાલુ વર્ષ દરમિયાન કચ્છ જિલ્લામાં તાવના કિસ્સાઓમાં ચિંતાજનક અને ચોંકાવનારો વધારો નોંધાયો છે. ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના સત્તાવાર આંકડા અનુસાર, ચાલુ વર્ષના જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના આઠ મહિનાના સમયગાળા દરમિયાન કચ્છ જિલ્લામાંથી હાઇ ફીવર એટલે કે અતિશય તીવ્ર તાવના ૨,૩૬૮ જેટલા કટોકટીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ગત વર્ષે ૨૦૨૫ના આ જ આઠ મહિનાના સમયગાળામાં કચ્છમાંથી ૧,૦૭૪ કેસ નોંધાયા હતા. આ સરખામણી જોતાં જિલ્લામાં તીવ્ર તાવના ઇમરજન્સી કેસોમાં સીધો ૧૨૦ ટકાનો રેકોર્ડબ્રેક અને અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર અને પ્રજા બંને માટે ચિંતાની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગુજરાત રાજ્યની સ્થિતિ પર નજર કરીએ તો આ આઠ મહિના દરમિયાન રાજ્યભરમાંથી હાઇ ફીવરના કુલ ૪૫,૨૭૨ ઇમરજન્સી કેસો નોંધાયા છે, જે ગત વર્ષના ૪૧,૪૬૪ કેસોની સરખામણીએ ૯.૧૮ ટકાનો સરેરાશ વધારો દર્શાવે છે. પરંતુ આંકડાકીય વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે સમગ્ર રાજ્યમાં તીવ્ર તાવનો સૌથી વધુ અને ભયજનક માર કચ્છ જિલ્લા પર પડ્યો છે. જ્યાં એક તરફ અમદાવાદ જેવા મોટા શહેરોમાં કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ કચ્છમાં કેસો ઘટીને બદલે બમણા કરતાં પણ વધી ગયા છે. ૧૦૮ સેવાના જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લાવાર પરિસ્થિતિમાં કચ્છ બાદ મોરબીમાં પ૩ ટકા અને સાબરકાંઠામાં ૪૫ ટકાનો વધારો થયો છે, પણ કચ્છ આ યાદીમાં સૌથી ટોચ પર રહ્યું છે.
કચ્છમાં તાપમાન અને હવામાનમાં આવતા ફેરફારો વચ્ચે તાવના દર્દીઓની સંખ્યામાં થયેલો આ અણધારી વધારો આરોગ્ય ક્ષેત્ર માટે મોટો પડકાર બની રહ્યો છે. સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની ભીડ વધી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તબીબો અને નિષ્ણાતો દ્વારા લોકોને પણ આ મોસમી બીમારીઓથી બચવા, ઘરમાં કે આસપાસ પાણી ભરાવા ન દેવા અને તાવના પ્રાથમિક લક્ષણો દેખાતાં જ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી રહી છે.

Comments