Trending News
સ્થાનિક સમાચાર

માંડવી નજીક શીરવા ગામે તંત્રનું બુલડોઝર ફર્યું : ૧૮ વર્ષ જૂનું દબાણ જમીનદોસ્ત

09 September



અસામાજિક તત્વ જમીલશા સૈયદ દ્વારા સરકારી જમીન પર કરાયેલું ૧૩૦૦ ચોરસ મીટરનું ગેરકાયદે બાંધકામ ૯ મહિનાની કાયદાકીય લડત બાદ તોડી પાડવામાં આવ્યું

માંડવી - કચ્છઉદય : તાલુકામાં શીરવા ગામ ખાતે સરકારી જમીન પર લાંબા સમયથી ખડકી દેવાયેલા ગેરકાયદે દબાણ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. શીરવા ગામે આવેલી કિંમતી સરકારી જમીન પર છેલ્લા ૧૮ વર્ષથી પગપેસારો કરીને ઉભા કરાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટે તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેગા ડીમોલેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર વિસ્તારના અસામાજિક તત્વ જમીલશા કદરસા સૈયદ દ્વારા શીરવા ગામની સરકારી ટ્રાવર્સ નંબર ૪૦૮ વાળી આશરે ૧૩૦૦ ચોરસ મીટર જેટલી કિંમતી જમીન પર ગેરકાયદે કબજો જમાવવામાં આવ્યો હતો. આ જમીન પર મંજૂરી વિના પાકું મકાન, બે મોટા વરંડા અને દુકાનો સહિતનું ગેરકાયદે બાંધકામ ઉભું કરી દેવાયું હતું. સરકારી જમીન પચાવી પાડવાના આ કિસ્સામાં તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ મામલે આશરે ૯ મહિના સુધી ચાલેલી આકરી કાયદાકીય લડત અને તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આખરે આ ગેરકાયદે દબાણ દૂર કરવાનો માર્ગ મોકળો થયો હતો. કાયદાકીય મંજૂરી મળતાની સાથે જ માંડવી પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની સંયુક્ત ટીમે ઘટનાસ્થળે પહોંચીને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તંત્રના બુલડોઝરે જોતજોતામાં ૧૮ વર્ષ જૂના ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરી દઈને કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. તંત્રની આ કડક અને દાખલારૂપ કાર્યવાહીથી જમીન પચાવી પાડનારા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી 
ગયો છે.

Comments

COMMENT / REPLY FROM