ચોબારીના મોમાયમોરા વિસ્તારની શાળાના નિર્માણમાં પણ ગુણવત્તા પર ઉઠ્યા સવાલો
ચોબારી શાળા કૌભાંડ બાદ વાગડના ભચાઉ-રાપર વિસ્તારમાં સરકારી શાળાઓના નિર્માણમાં થર્ડ પાર્ટી ક્યુબ ટેસ્ટિંગ અને વિજિલન્સ તપાસની ઊઠતી પ્રબળ માંગ
કોન્ટ્રાક્ટરો, સ્થાનિક ઇજનેરો અને ભ્રષ્ટ બાબુઓની મિલીભગતથી ખીસા ભરાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ : આવતીકાલે ૧૦મી સપ્ટેમ્બરે મળનારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાજપના જ સદસ્યા પુરીબેન ઢીલા ગેરરીતિનો મુદ્દો ગંજવશે?
ભચાઉ - કચ્છઉદય : ભચાઉ તાલુકાના ચોબારી ગામે આવેલી પ્રાથમિક શાળાના નવા ઓરડાના કન્સ્ટ્રક્શન કામમાં સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી મસમોટો ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો ગંભીર અને સળગતો મામલો સપાટી પર આવ્યા બાદ હવે સમગ્ર વાગડ પંથકમાં સરકારી શાળાઓના નિર્માણ કાર્ય સામે ભારે રોષ અને શંકાની સોય ચીંધાઈ રહી છે. ચોબારીમાં સ્લેબ અને ફ્લોરિંગ નિર્માણ દરમિયાન નિયમ મુજબ એમ-૨૦૦ કે એમ-૨૫ ગુણવત્તાના ધોરણો મુજબ ૪.૩ ઘનમીટરમાં ઓછામાં ઓછી ૩૫ બેગ સિમેન્ટ વાપરવાના બદલે માત્ર ૧૫ બેગ સિમેન્ટ વાપરીને બાળકોના ભવિષ્ય અને જનતાના ટેક્સના નાણાં સાથે ખુલ્લેઆમ ખીલવાડ કરવામાં આવી રહ્યો હતો. આ કૌભાંડ સામે આવ્યા બાદ સ્થાનિક તંત્રે તાત્કાલિક ધોરણે કામ અટકાવી ક્યુબ ટેસ્ટિંગની કાર્યવાહી હાથ ધરવી પડી હતી, જ્યારે કણખોઈ ગામે પણ શંકાસ્પદ બાંધકામ અટકાવી દેવાયું હતું.
જોકે, આ મામલો માત્ર એક ચોબારી કે કણખોઈ પૂરતો સીમિત નથી. સ્થાનિકોથી મળતી વિગતો મુજબ, ભચાઉ તાલુકાના ચોબારી ગામના જ મોમાયમોરા વિસ્તારમાં બની રહેલી નવી સ્કૂલના નિર્માણ કાર્યમાં પણ બાંધકામની ગુણવત્તા અત્યંત નબળી હોવાની રાવ ઊઠી છે અને ત્યાં પણ તાત્કાલિક લેબોરેટરી તપાસ કરાવવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિક જાગૃત નાગરિકો અને ગ્રામજનોનો આક્ષેપ છે કે માત્ર ભચાઉ જ નહીં, પરંતુ સમગ્ર વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગામોમાં પણ તાજેતરમાં બનેલી તથા હાલ નિર્માણાધીન અનેક શાળાઓના બાંધકામની જો સરકારી તંત્ર દ્વારા નિષ્પક્ષ ખાનગી લેબોરેટરી તપાસ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન કરવામાં આવે, તો કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. શાળા નિર્માણની પ્રક્રિયામાં માત્ર કોન્ટ્રાક્ટરો જ નહીં, પરંતુ સાઇટ પર ગેરહાજર રહેતા સ્થાનિક ઇજનેરો અને ભ્રષ્ટ સરકારી અધિકારીઓની ભાગબટાઈ સેટ થયેલી હોવાથી જ્ઞાનના મંદિરો સમાન શાળાઓના બાંધકામમાં આવી ગંભીર કચાશ છોડવામાં આવી રહી છે. દરમિયાન, કચ્છ જિલ્લામાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન છે ત્યારે ભાજપના જ જાગૃત લોકપ્રતિનિધિ અને ચોબારી બેઠકના જિલ્લા પંચાયત સદસ્યા પુરીબેન ઢીલા દ્વારા આ કૌભાંડ ખુલ્લું પાડવામાં આવતાં રાજકીય આલમમાં ભારે હડકંપ મચી ગયો છે. આવતીકાલે ૧૦મી સપ્ટેમ્બરના રોજ મળનારી કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ મુદ્દો ભારે ગરમાવો લાવશે તે નક્કી છે. સદસ્યા પુરીબેન ઢીલા દ્વારા ચોબારી શાળાના બાંધકામમાં થયેલી ગંભીર ગેરરીતિઓ, નિયમબાહ્ય થયેલા કામો અને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી અંગે ગૃહમાં અવાજ ઉઠાવવામાં
આવશે.હવે જોવાનું એ રહે છે કે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતનું શાસન આ સમગ્ર ગેરરીતિઓ સામે કડક વલણ અપનાવી સમગ્ર કચ્છમાં કોન્ટ્રાક્ટ ધોરણે ચાલી રહેલા તમામ શાળા બાંધકામોની છગન તપાસ કરાવશે કે પછી ભ્રષ્ટ બાબુઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે બાળકોના સુરક્ષિત ભવિષ્ય સામે જોખમ ઊભું થવા દેશે?
..............
કણખોઈ બાદ મોમાયમોરા શાળાનું બાંધકામ પણ તપાસના દાયરામાં
ભચાઉ : તાલુકાના કણખોઈ ગામે સ્લેબ ભરવાના તબક્કે પહોંચેલા શાળાના નવા ઓરડાનું શંકાસ્પદ કામ તકેદારીના ભાગરૂપે પહેલાથી જ અટકાવી દેવાયું છે. ત્યારે હવે ચોબારીના મોમાયમોરા વિસ્તારમાં ચાલી રહેલા સ્કૂલના નિર્માણ કાર્ય સામે પણ સ્થાનિકોએ સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મોમાયમોરા શાળાના કામમાં પણ ધારાધોરણો જાળવવામાં આવ્યા નથી. જો તંત્ર દ્વારા અહીં પણ સરપ્રાઈઝ ચેકિંગ અને સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા કામ અટકાવવાની ચીમકી આપવામાં આવી છે.
...........
આવતીકાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ’કૌભાંડ’ ગાજશે?
ભચાઉઃ ચોબારી શાળા નિર્માણમાં ભાજપના જ જનપ્રતિનિધિએ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતાં સમગ્ર જિલ્લામાં ચકચાર જાગી છે. આવતીકાલે ૧૦મી સપ્ટેમ્બરે મળનારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ મામલે ભારે ધમાસાણ સર્જાવાના એંધાણ છે. વાગડ પંથકના ભચાઉ અને રાપર તાલુકામાં નિર્માણ પામેલી તમામ સરકારી શાળાઓમાં થર્ડ પાર્ટી લેબોરેટરી તપાસ અને વિજિલન્સ તપાસ સોંપવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.

Comments