સંકલેશનું શમન અને સૌહાર્દનું સર્જન કરાવતા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ કરાયો
ભુજ-કચ્છઉદય : આરાધના ભવન જૈન સંઘ ભુજના આંગણે અને ઉપક્રમે ચાતુર્માસ નિશ્રાદાતા, પ.પૂ.આ.ભ. આનંદવર્ધનસુરીશ્વરજી મ.સા., પ.પૂ.આ.ભ. આત્મદર્શનસુરીશ્વરજી મ.સા. આદી ઠાણા-૧૮ની પાવન નિશ્રામાં અણું અણુંમાંથી પાપોનું વિસર્જન કરનાર, મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વનો આરંભ કરાયો હતો.
પ્રથમ ચરણમાં રાઈપ પ્રતિક્રમણ, પૌષધ, પરમાત્મા ભક્તિના સ્નાત્ર મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. બાદમાં પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વની યોજાયેલ પ્રથમ દિવસીય પ્રવચનમાળામાં પ્રખર પ્રવચનકાર, પ.પૂ.આ.ભ. આત્મદર્શનસુરીશ્વરજી મ.સા. એ ભાવિકોને પ્રતિબોધ કરતાં ફરમાવ્યું હતું કે, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે પવિત્રતાને રગ-રગમાં વાસ કરાવી આપનાર, સામે ચાલીને આવતું મહાપર્વ છે. પરમ કુપાળુ પરમાત્માએ આપણને જગાડવા - આપણી જીવન આરાધના, પવિત્રતાની ગાડીમાં પેટ્રોલ પુરવા માટે વિવિધ અનુષ્ઠાનો, પર્વ બનાવ્યા છે. પર્વ એ પેટ્રોલપંપ છે. ચારે બાજુથી ભટકતા મનને આરાધનામાં સ્થિર કરનાર પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ એ ભાવ પર્યુષણ છે. જયારે પ્રતિક્રમણ પરચખાણ, પૌષધ પ્રવચન અને પ્રાયશ્વીત એ દ્રવ્ય પપર્યુષણ છે. તેમ જણાવી પર્યુષણા મહાપર્વ દરમ્યાન કરવા યોગ્ય પ કર્તવ્યો પૈકી અમારી પ્રવર્તન અને સાધર્મિક ભક્તિ આ બે કર્તવ્યો પર વિવેચન કર્યું હતું અને અબોલ જીવો પર કરૂણાભાવ રાખવા, સાધર્મિકોને હુંફ પુરી પાડી તેમને પગભર કરવા અને જીવરક્ષા, સંસ્કૃતિ રક્ષા અને રાષ્ટ્ર રક્ષામાં વિદેશ યોગદાન આપવા આહવાન કર્યું હતું.
આગળના ચરણમાં જીનાલયનો રોશની શણગાર પરમાત્માની ભવ્યાતિભવ્ય અંગરચના આરતી, મંગલ દીવો સંધ્યા ભક્તિ આયંબીલ તપ વિગેરેમાં ભાવિકોની લાઈનો લાગી હતી અને વાતાવરણ ધર્મમય બન્યું હતું. આ તકે માસક્ષમણ તપના આરાધક તપસ્વી રત્ના કુમારી આરવી દોશીનું શ્રીસંઘ દ્વારા અભિવાદન કરાયું હતું. મેનેજીંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતા, માનદમંત્રી ચંદુલાલ ગઢેચા, હોદેદારો, ટ્રસ્ટી મંડળ દલીચંદભાઈ મહેતા, યુવાનો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું મીડિયા કન્વીનર વી.જી. મહેતાએ જણાવ્યું હતું.
-------

Comments