માંડવી પંથકમાં કિંમતી બોક્સાઇટનું બેફામ ગેરકાયદેસર ખનન
પુનડી અને ફરાદી આસપાસના વિસ્તારમાં ખનીજ માફિયાઓનું સામ્રાજ્ય : રાજકીય પીઠબળ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી કિંમતી સંપત્તિની ખુલ્લેઆમ ચોરી થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ : જવાબદાર તંત્ર વાહકોની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ : પોલીસ અને ખાણ ખનીજ તંત્ર એકલ દોકલ ગાડી પકડીને રાહત મેળવે છે....
ભુજ - કચ્છઉદય : કુદરતી સંપત્તિથી સમૃદ્ધ એવા સરહદી કચ્છ જિલ્લામાં કિંમતી ખનીજ પદાર્થોનો વિશાળ ભંડાર આવેલો છે. જિલ્લામાં નિયમાનુસાર ચાલતી કાયદેસરની ખનીજ લીઝના માધ્યમથી દર વર્ષે ગુજરાત સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાની માતબર આવક જમા થાય છે. જોકે, એક તરફ કાયદેસરના ખનન થકી રાજ્ય સરકારની તિજોરી સમૃદ્ધ થઈ રહી છે, તો બીજી તરફ સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પણ ખૂબ જ મોટા પાયે ફાટી નીકળી છે. ખાસ કરીને માંડવી તાલુકાના પુનડી અને ફરાદી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કિંમતી બોક્સાઇટના ગેરકાયદેસર ઉત્ખનન અને ચોરીનું મોટું રેકેટ ચાલી રહ્યું હોવાની ગંભીર બાબત સામે આવી છે. હાલ પોલીસ તંત્ર બોકસાઈડ મુદ્દે કડક છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, આ તો દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના અલગ તેવી વાત છે. હાલમાં પોલીસ તંત્રે એક ગાડી પકડીને સંતોષ માણી લીધો.... પણ સ્થળ ઉપર ગયા હોત તો બધુ બહાર આવી જાય તેમ છે. પોલીસ અને ખાનીજ સાથે સંકળાયેલા વતુળોમાંથી જાણવા મળતી માહીતી મુજબ દેશી, અંગ્રેજી દારૂની જેમ એક કેસ કરીને સંતોષ માની લીધો છે. પણ તેમાં વપાયેલા મશીન અને સ્થળ ઉપર ખોદાયેલા ખાડાઓની તપાસ તંત્ર તરફથી ક્યારે કરાશે.
સ્થાનિક સૂત્રોથી મળતી વિગતો અનુસાર, કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના ખનીજ માફિયાઓ દિવસ-રાત કિંમતી બોક્સાઇટની ચોરી કરીને તેને અન્યત્ર વહાવી રહ્યા છે. હાલમાં બોકસાઈડની કંપનીઓ જે માલ લે છે તેની ક્રોસ વેરીફેકશન કરવામાં આવે તો કેટલાકના પગ નીતે રેલો આવે તેમ છે. આ બેફામ પ્રવૃત્તિના કારણે દર વર્ષે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લાગી રહ્યો છે. સામાન્ય રીતે ગેરકાયદેસર ખનીજ ચોરી અને તેનું બિનઅધિકૃત પરિવહન અટકાવવા માટે માત્ર જિલ્લા ખાણ-ખનીજ વિભાગ જ નહીં, પરંતુ પોલીસ વિભાગ તેમજ મહેસૂલ વિભાગને પણ વિશેષ જવાબદારીઓ અને વ્યાપક સત્તાઓ સોંપવામાં આવેલી છે. આમ છતાં, આ તમામ જવાબદાર તંત્રવાહકો આંખ આડા કાન કરીને બેઠા હોય તેમ આ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં બોક્સાઇટનું ગેરકાયદે ખનન અને વહન થઈ રહ્યું છે. તંત્રની આ પ્રકારની શંકાસ્પદ નિષ્ક્રિયતા સામે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
વિસ્તારના જાગૃત નાગરિકો અને સ્થાનિક સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ, આ ખનીજ માફિયાઓએ તંત્રના કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓ સાથે અંદરખાને મિલિભગત કે સાટગાંઠ કરી લીધી છે. આ ઉપરાંત, કેટલાક પ્રભાવશાળી ખનીજ માફિયાઓને સ્થાનિક તેમજ પ્રદેશ કક્ષાનું રાજકીય પીઠબળ હોવાની ચર્ચાઓ પણ લોકમુખે જોરશોરથી ચાલી રહી છે. કાયદાનું પાલન કરાવવાની જેમના શિરે પ્રાથમિક જવાબદારી છે તેવા અધિકારીઓ અને રાજકીય આકાઓના આશીર્વાદના કારણે જ આ માફિયાઓ કોઈપણ જાતના ભય વગર ખુલ્લેઆમ કિંમતી કુદરતી સંપત્તિ લૂંટી રહ્યા છે અને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે.જિલ્લાની આ અમૂલ્ય ખનીજ સંપત્તિનું ધોળા દિવસે થઈ રહેલું લૂંટફાટ જેવું ગેરકાયદે ખનન તાત્કાલિક ધોરણે અટકે તે અત્યંત જરૂરી બન્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જવાબદાર ઉચ્ચ તંત્ર દ્વારા કોઈ પણ જાતના દબાણ વગર સમગ્ર માંડવી તાલુકા સહિતના વિસ્તારોમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જો ખાણ-ખનીજ વિભાગ, મહેસૂલ તંત્ર અને પોલીસ સયુક્ત રીતે કડક કાર્યવાહી કરે અને ગુનામાં સંડોવાયેલા ખનીજ માફિયાઓ સામે દાખલારૂપ કાનૂની પગલાં ભરે તો જ આ તત્વોમાં કાયદાનો ભય પ્રસ્થાપિત થઈ શકે તેમ છે. સરકારી સંપત્તિનું રક્ષણ કરવા અને ભ્રષ્ટ અધિકારીઓ તેમજ માફિયાઓની સાંકળ તોડી પાડવા માટે તંત્ર દ્વારા વહેલી તકે નક્કર અને નિર્ણાયક પગલાં લેવાય તેવી પ્રબળ લોકલાગણી પ્રવર્તી રહી છે.

Comments