Trending News
સ્થાનિક સમાચાર

અબડાસામાં ખેતરમાં ધમધમતી એમડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ

03 September



મહારાષ્ટ્ર-ગુજરાત-યુપીમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : ૨૧ આરોપીની ધરપકડ : ૬૯.૭૫૯ કિલો એમડી, ૨૬૦ લિટર કેમિકલ સહિત રૂ.૧૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત

ભુજ -કચ્છઉદય : મહારાષ્ટ્રના મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૪એ આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કરતાં મહારાષ્ટ્ર ઉપરાંત કચ્છ અને ઉત્તર પ્રદેશમાં દરોડા પાડી ૨૧ આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર કાર્યવાહીમાં ૬૯ કિલો ૭૫૯ ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ, ૨૬૦ લિટર કેમિકલ, ડ્રગ્સ બનાવવાની લેબોરેટરીના સાધનો અને રોકડ સહિત આશરે રૂ.૧૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં અબડાસા તાલુકાના સાંધાણ ગામમાં ખેતરમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચાલતી હોવાનું સામે આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચને નાલાસોપારા પૂર્વના પ્રગતિનગર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. ૨૪ જૂને અવિનાશ ઉર્ફે સોનુ લોકનાથ ઐયર (૨૨) અને રવિકાંત ઓમપ્રકાશ રામ (૨૩)ને ઝડપી તેમની પાસેથી રૂ.૩.૩૬ લાખની કિંમતનું ૧૧૨ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. બંને આરોપીઓની પૂછપરછમાં ડ્રગ્સનું નેટવર્ક મુંબઈ પૂરતું મર્યાદિત નહીં પરંતુ કચ્છ અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૪ના પ્રભારી પોલીસ ઇન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે તપાસનો વ્યાપ વધાર્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે અબડાસા તાલુકાના સાંધાણ ગામમાં જુમ્મા તાલાબ ઠાકરા (૩૪)ની ખેતીની જમીનમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરવા માટે ફેક્ટરી ઊભી કરવામાં આવી હતી. અહીં માંડવીના ધવલપુરી શંકરપુરી ગોસ્વામી (૩૩) દ્વારા કેમિકલનો પુરવઠો કરવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ ટીમ કચ્છ પહોંચી ત્યારે કાર્યવાહી અંગેની જાણ થઈ જતાં આરોપીઓ ફેક્ટરીમાંથી સામાન ખસેડી ફરાર થઈ ગયા હતા. જોકે સ્થળની ઝીણવટભરી તપાસમાં ત્યાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાના પુરાવા મળ્યા હતા. 
પરિણામે પોલીસે જમીન માલિક જુમ્મા તાલાબ ઠાકરા અને કેમિકલ સપ્લાય સાથે સંકળાયેલા ધવલપુરી શંકરપુરી ગોસ્વામીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન મુંબઈના કુર્લા પશ્ચિમમાંથી મોહમ્મદ હસીબ સિદ્દીકી ઉર્ફે એજાઝ મર્ચન્ટ (૩૬)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ૧૧ કિલો ૮૦૪ ગ્રામ એમડી ડ્રગ્સ અને રૂ.૧૮.૭૦ લાખ રોકડા મળી આવ્યા હતા. હસીબની પૂછપરછ બાદ જલગાંવમાંથી રહીમ તાહિર પિંજરી (૨૮) અને સૈયદ મુશૈદ અલી મુમતાઝ અલી (૩૯)ની ધરપકડ કરવામાં આવી હતી. 
બંને પાસેથી ૪ કિલો ૯૧૧ ગ્રામ એમડી જપ્ત કરવામાં આવ્યું હતું. વધુ તપાસમાં આ ડ્રગ્સ ઉત્તર પ્રદેશના આરોપીઓ પાસેથી મેળવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ધરપકડ કરાયેલા મુખ્ય આરોપીઓમાં અવિનાશ ઉર્ફે સોનુ લોકનાથ ઐયર, રવિકાંત ઓમપ્રકાશ રામ, શાન ઈરફાન ગઝાલી, મોઈનુદ્દીન શબ્બીર પટેલ, અદનાન રઝાક જુનેજા, ધવલપુરી શંકરપુરી ગોસ્વામી, મોહમ્મદ બિલાલ મોહમ્મદ યુસુફ મલકાની, ફૈઝાન મોહમ્મદ યુસુફ મલકાની, સોહેલ સલીમ શેખ, ફૈઝાન નસરુદ્દીન કર્ણેકર, ઝાહીદ હનીફ શેખ ઉર્ફે જાવેદ ભાઈ, જુમ્મા તાલાબ ઠાકરા, આર્યન હારૂન સૈયદ ઉર્ફે ઝાલીમ, મોહમ્મદ હસીબ સિદ્દીકી ઉર્ફે એજાઝ મર્ચન્ટ, રહીમ તાહિર પિંજરી, સૈયદ મુશૈદ અલી મુમતાઝ અલી, મોઈનુદ્દીન ઉસ્માન બાદશાહ શેખ ઉર્ફે મોઈન, મોહમ્મદ અસીમ કાસમ કુરેશી, રજનીશ રામચંદ્ર મિશ્રા અને શિવધન શંભુનાથ મિશ્રાનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કાર્યવાહીથી અબડાસાના એક ખેતરમાં માત્ર ખેતી નહીં પરંતુ ઘાતક એમડી ડ્રગ્સના ઉત્પાદન માટે ફેક્ટરી ઊભી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રથી શરૂ થયેલી તપાસ કચ્છ અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચતાં દેશવ્યાપી ડ્રગ્સ નેટવર્કની કડીઓ સામે આવી છે.

........

કચ્છની ફેક્ટરીમાં મુંબઈના આરોપીઓની પણ સંડોવણી

પોલીસના જણાવ્યા મુજબ, સાંધાણની ખેતીની જમીનમાં કચ્છના આરોપીઓ ઉપરાંત મુંબઈના કેટલાક આરોપીઓની મદદથી એમડી ડ્રગ્સ બનાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આથી સાંધાણ વિસ્તાર પણ આ મોટા આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની ઉત્પાદન કડી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

..........

કચ્છ બાદ ઉત્તર પ્રદેશમાં પણ 
બીજી ફેક્ટરીનો પર્દાફાશ


કચ્છની કડી બાદ તપાસ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી હતી. ઉત્તર પ્રદેશના ભદોઈના રજનીશ રામચંદ્ર મિશ્રા (૩૦) અને શિવધન શંભુનાથ મિશ્રા (૨૮)ની ધરપકડ બાદ પોલીસને પ્રયાગરાજ જિલ્લાના કોસાડા કાલા ગામમાં ખેતરની વચ્ચે આવેલા પતરાના શેડમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી હોવાની માહિતી મળી હતી. પોલીસે ત્યાં દરોડો પાડી ૫૨ કિલો ૯૩૨ ગ્રામ એમડી ડ્રગ્સ, ૨૬૦ લિટર ડ્રગ્સ બનાવવા માટે વપરાતું કેમિકલ તથા લેબોરેટરીના સાધનો જપ્ત કર્યા હતા.

.........


નેરળમાં લેબ શરૂ કરવાની તૈયારી પણ હતી

આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા અને રાયગડની કુખ્યાત જાલિમ ગેંગના સભ્ય તરીકે ઓળખાતા આર્યન હારૂન સૈયદ ઉર્ફે ઝાલીમ (૨૫)એ નવી મુંબઈના નેરળ વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવવા માટે લેબ શરૂ કરવાની તૈયારી કરી હતી. લેબ માટે જરૂરી સાધનો અને કેમિકલ એકત્ર કરવામાં આવ્યા હતા. જોકે પોલીસ કાર્યવાહી થવાની ગંધ આવતાં આ સામાન વિરાર-જેએનપીટી એક્સપ્રેસ હાઈવે નજીકના વિસ્તારમાં ફેંકી દેવાનો પ્રયાસ થયો હતો. પોલીસે આ સામગ્રી પણ કબજે કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

..........

મોટાભાગના આરોપીઓ ઉચ્ચ શિક્ષિત

પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોટાભાગના ઉચ્ચ શિક્ષિત છે. કેટલાક આરોપીઓ એન્જિનિયરિંગ સહિતની ડિગ્રી ધરાવે છે, જ્યારે કેટલાકે નાણાકીય ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. કેમિકલ અને ડ્રગ્સના ઉત્પાદન અંગેની જાણકારીનો ઉપયોગ કરીને સમગ્ર નેટવર્કમાં અલગ-અલગ ભૂમિકા ભજવવામાં આવતી હોવાનું પોલીસનું કહેવું છે.
.........


કચ્છમાંથી પકડાયેલા બે આરોપી

* જુમ્મા તાલાબ ઠાકરા (૩૪), અબડાસા-સાંધાણ, 
ખેતીની જમીનમાં એમડી ડ્રગ્સની ફેક્ટરી માટે જગ્યા ઉપલબ્ધ કરાવવાનો આરોપ.
* ધવલપુરી શંકરપુરી ગોસ્વામી (૩૩), માંડવી
ફેક્ટરી માટે કેમિકલનો પુરવઠો કર્યાનો આરોપ. 
.........

Comments

COMMENT / REPLY FROM