Trending News
સ્થાનિક સમાચાર

સામખિયાળીમાં નમકના આડેધડ ડમ્પિંગથી પર્યાવરણ અને ખેતી સામે મોટું જોખમ 

03 September


રાજકીય આકાઓની રહેમરાહે કોન્ટ્રાક્ટરો બેફામ  વીજ થાંભલા-ટ્રાન્સફોર્મરમાં કાટથી મોટી દુર્ઘટનાનો ભય  જવાબદારો સામે કડક કાર્યવાહીની ઉગ્ર માંગ

ભચાઉ - કચ્છઉદય  કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખિયાળી રેલવે સ્ટેશન પંથકમાં છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાક્ટરોની બેફામ અને ગેરકાયદે પ્રવૃત્તિઓએ ભારે ચકચાર જગાવી છે. સામખીયાળી રેલવે સ્ટેશનથી અંદાજિત માત્ર સો મીટર જેવા અત્યંત ટૂંકા અને સંવેદનશીલ અંતરે જ વિરાટ પ્રમાણમાં મીઠાના પહાડ જેવા ઢગલાઓ ખડકી દેવામાં આવ્યા છે. નમકના આ આડેધડ અને ગેરકાયદેસર ડમ્પિંગના કારણે સમગ્ર આસપાસના વિસ્તારોમાં પર્યાવરણ, ખેતીવાડી તેમજ જાહેર મિલકતોને ભારે વિનાશક નુકસાન પહોંચી રહ્યું છે, જેનાથી સ્થાનિક રહીશો અને ખેડૂતોના જીવ તાળવે ચોંટી 
ગયા છે.ખુલ્લામાં ખડકાયેલા મીઠાના વિશાળ જથ્થાના કારણે આસપાસના સીમ વિસ્તારની ફળદ્રુપ અને ખેતીલાયક જમીનો સંપૂર્ણપણે નાશ પામી રહી છે. કળકળતા તાપ અને વાતાવરણના ભેજના કારણે નમક ઓગળીને જમીનમાં ઉતરી રહ્યું છે, જેના લીધે આસપાસની તમામ જમીનમાં ભારે ચિકાસ ફેલાઈ ગઈ છે. જમીનમાં ક્ષારનું પ્રમાણ મર્યાદા કરતા અનેક ગણું વધી જવાથી જમીનની ફળદ્રુપતા કાયમ માટે નષ્ટ થઈ રહી છે અને ભવિષ્યમાં પણ ત્યાં કોઈ પાક ઉગી શકે તેમ નથી. આ ઉપરાંત, ખુલ્લામાં રહેલા ક્ષારવાળા વાતાવરણના કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં આવેલા વીજ પોલ, ભારે ક્ષમતા ધરાવતા વીજ ટ્રાન્સફોર્મર તથા લોખંડના અન્ય સરકારી અને ખાનગી થાંભલાઓમાં અત્યંત તીવ્ર ઝડપે કાટ લાગી રહ્યો છે. વીજળીના માળખાને પહોંચી રહેલા આ નુકસાનના કારણે ગમે ત્યારે મોટી હોનારત, શોર્ટ સર્કિટ કે વીજ અકસ્માત સર્જાવાનો ભય સતત તોળાઈ રહ્યો છે.
સ્થાનિકોના આક્રોશ મુજબ, રાજકીય આકાઓની સીધી રહેમ દ્રષ્ટિ અને છૂપા આશીર્વાદ હેઠળ જ આ કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. પોતાના અંગત આર્થિક સ્વાર્થ અને મોટો નફો રળી લેવાની લાલચમાં કોન્ટ્રાક્ટરોએ મોટા કોન્ટ્રાક્ટ તો હસ્તગત કરી લીધા છે, પરંતુ પર્યાવરણના જતન, સરકારી નિયમો કે સામાન્ય લોકોના સ્વાસ્થ્યની તેમને જરાય પડી નથી. માત્ર ને માત્ર અંધાધૂંધ કમાણી કરવાની લાલચમાં તમામ પર્યાવરણીય નિયમોને નેવે મૂકીને આડેધડ ડમ્પિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.આ સમગ્ર ગંભીર પરિસ્થિતિને પગલે પંથકના ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે આક્રોશ અને રોષની લાગણી પ્રવર્તી રહી છે. જવાબદાર તંત્રવાહકો, રેલવે પ્રશાસન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તાત્કાલિક ધોરણે આ સ્થળ પર આવીને કડક અને તટસ્થ તપાસ હાથ ધરે તે સમયની માંગ છે. જન આરોગ્ય, પ્રકૃતિ અને ખેડૂતોની રોજીરોટી સમાન જમીનને નુકસાન પહોંચાડતા આવા બેદરકાર અને લાલચુ કોન્ટ્રાક્ટરો સામે સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી આ ડમ્પિંગ બંધ કરાવવામાં આવે તેવી લોક માંગ બુલંદ બની છે.

Comments

COMMENT / REPLY FROM