ભુજ અને મુંદરા તાલુકામાં સાદી માટીનું ગેરકાયદે ખનન અને વહન કરતા ૪ વાહનો સીઝ
ફ્લાઈંગ સ્કવોડની ટીમે દરોડા પાડી રૂ. ૮૦ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને વહન પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે તંત્ર દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કલેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્કવોડની તપાસ ટીમ દ્વારા ભુજ અને મુંદરા તાલુકાના સીમ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ ટીમ દ્વારા તા. ૨ સપ્ટેમ્બરના રોજ ભુજ તાલુકાના રતીયા ગામે સીમ વિસ્તારમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન સાદી માટી ખનિજનું ગેરકાયદેસર રીતે ખનન કરતા એક લોડર મશીન જીજે ૩૮ એસ ૦૮૬૦ અને એક ડમ્પર જીજે ૩૬ વી ૧૯૧૦ મળી કુલ ૨ વાહનો ઝડપાઈ ગયા હતા. ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલા આ બંને વાહનોને સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભુજ સ્થિત સરકારી ગોદામ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.
આ અગાઉ, તા. ૧ સપ્ટેમ્બરના રોજ ફ્લાઈંગ સ્કવોડની ટીમે મુંદરા તાલુકાના પ્રાગપર ગામે આકસ્મિક તપાસ યોજી હતી. આ કામગીરી દરમિયાન સાદી માટી ખનિજનું કોઈપણ જાતના માન્ય રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર વહન કરી રહેલા ૨ ડમ્પરોને પકડી પાડવામાં આવ્યા હતા. આ બંને વાહનોને સીઝ કરીને આગળની તપાસ અર્થે અનુક્રમે પ્રાગપર પોલીસ સ્ટેશન અને મુંદરા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.
આમ, ફ્લાઈંગ સ્કવોડ-કચ્છની સઘન તપાસ ઝુંબેશ દરમિયાન સાદી માટીના ગેરકાયદેસર ખનન અને વહનમાં ઉપયોગમાં લેવાયેલા કુલ રૂ. ૮૦ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ મામલે નિયમોનુસાર આગળની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેનાથી ખનિજ ચોરી કરતા તત્વોમાં ભારે ફાળ પડી છે.
-------

Comments