રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્યકાર્યક્રમ બન્યો આશીર્વાદ : ભચાઉના દુર્ગમ ખડીર પંથકની ૪વર્ષની ક્રિશા સાંભળતી થઈ
આરબીએસકે ટીમની સમયસરની તપાસથી જન્મજાત બહેરાશની ઓળખ : અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક કોક્લિયર ઇમ્પ્લાન્ટ
ભુજ - કચ્છઉદય : કુદરતે બક્ષેલી સાંભળવાની ક્ષમતાથી વંચિત રહેલી ભચાઉ તાલુકાના દુર્ગમ ખડીર પંથકની એક નાનકડી બાળકી માટે સરકારનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ નવજીવન લઈને આવ્યો છે. બાંભણકા ગામની ચાર વર્ષની ક્રિશા, જે જન્મથી જ કાંઈ સાંભળી શકતી ન હતી, તે હવે સાંભળતી થઈ છે. આરબીએસકે ટીમની સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તેનું સફળતાપૂર્વક કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા ૦થી ૧૮વર્ષના બાળકો માટે અમલમાં મુકાયેલા આરબીએસકે કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં જન્મજાત ખોડખાંપણ, હૃદયરોગ, દૃષ્ટિ અને શ્રવણની ખામી સહિત ૪ડ્ઢ મુજબની ગંભીર બીમારીઓની વહેલી ઓળખ કરીને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. તાજેતરમાં ભચાઉ તાલુકામાં શાળા અને આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસ દરમિયાન બાંભડકા ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતી ૪ વર્ષની ક્રિશા નાગજીભાઈ મારાજજન્મથી જ કાને સાંભળી શકતી ન હોવાનું આરબીએસકે ટીમના ધ્યાને આવ્યું હતું.બાળકીની સમસ્યા ધ્યાને આવતા જ આરબીએસકે ભચાઉ ટીમના ડૉ. નિરાલીબા ઝાલા, ડૉ. તેજસ વ્યાસ અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક પરિવારને સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નારાયણસિંઘના માર્ગદર્શન હેઠળ બાળકીને વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી અને સતત ફોલોઅપ રાખવામાં આવ્યું હતું.જેના પરિણામે તા. ૨૦ ઓગસ્ટના રોજ સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે બાળકીનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આ અત્યંત ખર્ચાળ સર્જરી સરકારશ્રીની યોજના હેઠળ સંપૂર્ણ વિનામૂલ્યે કરવામાં આવી છે.
આ ઓપરેશન બાદ ક્રિશાના શ્રવણ અને બોલવાના વિકાસ માટે નવી આશા ઉભી થઈ છે. પોતાની દીકરી સાંભળતી થતા પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.આ ઘટના એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે, સરકારી આરોગ્ય સેવાઓ દ્વારા થતી વહેલી ઓળખ, યોગ્ય માર્ગદર્શન અને સમયસર રિફરલ એક બાળકના સમગ્ર જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે.
---------

Comments