૫ દિવસના વિરામ બાદ ભુજ પાલિકાની મેગા દબાણ હટાવ ઝુંબેશ પુનઃ શરૂ
આજે સરપટ નાકા - ભીડ નાકા વિસ્તારમાંથી નોટિસ બાદ પણ બાકી રહેલા કાચા-પાકા દબાણો દૂર કરાયા ; શહેરને દબાણ મુક્ત કરવા કામગીરી ચાલુ રહેશે : શહેરમાં અંદાજિત ૯૦૦ થી વધુ નાના-મોટા દબાણકારોને અપાઈ આખરી નોટિસ : દબાણ મુક્ત કરાયેલા ફૂટપાથો તથા રોડ-રસ્તાઓ પર ફરીથી દબાણો ન થાય તેની યોગ્ય તકેદારી રખાય તેવી ભુજવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે લાગણી
ભુજ - કચ્છઉદય : સુપ્રીમ કોર્ટ દ્વારા ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા બાદ ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભુજ શહેરમાં પાંચ દિવસના વિરામ બાદ આજે ફરી એક વખત નગરપાલિકાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું હતું. આજે સવારથી જ ભુજ શહેરના સરપટ નાકા - ભીડ નાકા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ વિસ્તારમાં જાહેર સ્થળો પર લારી-ગલ્લાં રાખીને ધંધો કરતા ધંધાર્થીઓને અગાઉથી જ સ્થળ ખાલી કરી દેવા માટે નોટિસ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ કેટલાક ધંધાર્થીઓએ પોતાના દબાણો સ્વયંભૂ દૂર કરી દીધા હતા, જ્યારે બાકી રહેતા દબાણો પર આજે નગરપાલિકા દ્વારા કડક કામગીરી કરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમે રસ્તા પરના કાચા-પાકા દબાણોને ખસેડીને જાહેર માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો કરાવ્યો હતો.
આ પૂર્વે ગત ગુરૂવારના રોજ ભુજના હોસ્પિટલ રોડ વિસ્તારમાં નગરપાલિકાની ટીમ દ્વારા વર્ષો જૂના ધંધાર્થીઓના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. તે પછીના દિવસોમાં ઈદે મિલાદુનબી અને રક્ષાબંધન જેવા તહેવારો આવી જતાં તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ ન થતાં દબાણ હટાવવાની કામગીરીને થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. પાંચ દિવસના આ વિરામ બાદ આજે ફરીથી નગરપાલિકાની ટીમે પોતાની ઝુંબેશને આગળ ધપાવીને સરપટ નાકા વિસ્તારમાંથી તમામ દબાણો દૂર કર્યા હતા.
નગરપાલિકાની દબાણ શાખા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભુજ શહેરમાં અત્યાર સુધીમાં અંદાજિત ૯૦૦ થી વધુ નાના-મોટા દબાણકારોને આખરી નોટિસ બજાવવામાં આવી છે. ભુજ શહેરને લારી-ગલ્લાના દબાણોથી સંપૂર્ણપણે મુક્ત કરવા માટે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ આ જ રીતે સતત ચાલુ રાખવામાં આવશે તેમ નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે નગરપાલિકા તરફથી નોટિસ મળ્યા બાદ ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કેટલાક દબાણકારોએ પોતાના દબાણો સ્વયં હટાવી લીધા છે.
બીજી તરફ, ભુજ શહેરના બસ સ્ટેશન અને હોસ્પિટલ રોડ વિસ્તારમાં કામગીરીમાં આવેલા પાંચ દિવસના વિરામનો લાભ લઈને કેટલાક ધંધાર્થીઓ ફરી પોતાના સ્થળે ગોઠવાઈ ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. ભુજ શહેરના જાગૃત નાગરિકોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં પણ અનેક વખત દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ઝુંબેશ પૂર્ણ થયા બાદ થોડા દિવસોમાં જ ફરી દબાણો પોતાના મૂળ સ્થળે ગોઠવાઈ જતા હોય છે. આથી આ વખતે નગરપાલિકા દ્વારા સચોટ કામગીરી કરવામાં આવે અને દબાણ મુક્ત કરાયેલા ફૂટપાથો તથા રોડ-રસ્તાઓ પર ફરીથી દબાણો ન થાય તેની યોગ્ય તકેદારી રાખવામાં આવે તે ઈચ્છનીય છે.
.......................
ભુજમાં નોંધાયેલા વેરિફાઇડ વેન્ડર્સ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે
ભુજ : સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ભારતીય બંધારણની કલમ ૧૯(૧)(જી) તથા કલમ ૨૧ હેઠળ નાગરિકોને ફૂટપાથ પર સલામત અને અડચણમુક્ત અવરજવર કરવાનો અધિકાર મળેલો છે. આ અધિકારને ધ્યાનમાં રાખીને ભુજ નગરપાલિકા દ્વારા શહેરના ફૂટપાથ, રોડની સાઇડ અને જાહેર માર્ગો પરથી ગેરકાયદેસર દબાણો તથા અવરોધો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ટ્રાફિકની સમસ્યા નિવારવા અને રાહદારીઓની સુવિધા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.બીજી તરફ, વેન્ડિંગ કાર્ડ ધરાવતા નોંધણીકૃત (રજિસ્ટર્ડ) વેન્ડર્સ માટે હંગામી ધોરણે કોમર્સ કોલેજ રોડ ખાતે વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ નોંધણીકૃત વેન્ડર્સે તા. ૭/૯ સુધીમાં ભુજ નગરપાલિકા કચેરી ખાતે પોતાની નોંધણી કરાવી લેવાની રહેશે, વૈકલ્પિક જગ્યાની ફાળવણી ઉપલબ્ધ જગ્યા મુજબ વહેલા તે પહેલાના ધોરણે અને પારદર્શક લોટરી સિસ્ટમથી કરવામાં આવશે. જે વેન્ડર્સ નોંધણીકૃત નથી તેમના અંગે તંત્ર દ્વારા આગામી સમયમાં નિર્ણય લેવાશે. ભુજ નગરપાલિકા દ્વારા આ કામગીરીમાં સહયોગ આપવા તમામ વેન્ડર્સ અને શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
......................
નગરપાલિકની ઝુંબેશ : આ વખતે પેટર્ન બદલાશે?’
ભુજ : ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા સમયાંતરે દબાણ હટાવની ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. તંત્ર દ્વારા અવારનવાર શહેરમાંથી કાચા પાકા દબાણોને દૂર કરવા માટે મોટાપાયે અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વખતે પણ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નગરપાલિકા તંત્ર એ ભુજ શહેરને દબાણ મુક્ત કરવા માટે કમર કસી છે ત્યારે ભુજ શહેરના જાગૃત નાગરિકો ભૂતકાળના અનુભવોને યાદ કરતા જણાવે છે કે, અગાઉ જ્યારે પણ શહેર વ્યાપી દબાણ હટાવ ઝુંબેશ આદરવામાં આવી હતી ત્યારે ભુજ શહેરના ભીડગેટ કે સરપટનાકા વિસ્તારમાં નગરપાલિકાની ટીમ કામગીરી કરે બાદ મોટાભાગે દબાણ હટાવની ઝુંબેશ પૂર્ણ થઈ જતી હોય છે. શું આ વખતે નગરપાલિકા તંત્ર પોતાની પેટર્ન બદલશે અને ઝુંબેશને અવિરત રાખશે કે કેમ તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. ગત સપ્તાહેથી ચાલુ થયેલી દબાણ હટાવની કામગીરીમાં ભુજના હાર્દ સમાન હોસ્પિટલ રોડ, બસ સ્ટેશન વિસ્તારમાં દબાણો દૂર કર્યા બાદ ચાર પાંચ દિવસનો વિરામ આવી ગયો હતો આજે ફરી એક વખત નગરપાલિકાના બુલડોઝરે ધોસ બોલાવી છે ત્યારે ભુજના સરપટનાકા અને ભીડ ગેટ વિસ્તારમાંથી દબાણો દૂર કર્યા બાદ દબાણ હટાવો ઝુંબેશરૂપી તલવાર મ્યાન થઈ જશે કે દબાણકારો પર તંત્રનો કોરડો વિઝાતો રહેશે તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

Comments