Trending News
સ્થાનિક સમાચાર

ભુજ પીજીવીસીએલનું મીટર કૌભાંડ : વીજ ટીમો મેદાને, બોગસ મીટરો શોધવા સઘન કવાયત 

01 September



ત્રણ કર્મીઓ પર ફરિયાદ બાદ તંત્ર આક્રમક મોડમાં : શહેરમાં ઠેર-ઠેર સઘન ચેકિંગ શરૂ થતાં ભ્રષ્ટ કર્મચારીઓ અને વીજચોરોમાં ફફડાટ : તપાસ બાદ વધુ કેટલાક ભ્રષ્ટાચારીઓના પગના નીચે આવશે રેલો : કામગીરીમાં ગેરરીતિ સાંખી ન લેવાનો વીજ અધિકારીઓનો હુંકાર

ભુજ - કચ્છઉદય : ભુજ પીજીવીસીએલ વિભાગમાં અગાઉ બનેલી એક અત્યંત સનસનાટીભરી ઘટનામાં આશરે ૩૦૦ જેટલા સરકારી વીજ મીટરો કચેરીમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હોવાનો ખુલાસો થયો હતો. સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા આ કૌભાંડમાં કચેરીના જ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની સીધી સંડોવણી હોવાની વિગતો બહાર આવી હતી. ખાસ કરીને ’સરકી’ નામના કર્મચારીની આ સમગ્ર કાળો કારોબાર ચલાવવામાં મુખ્ય ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, ગાયબ કરવામાં આવેલા આ સરકારી મીટરોને પહેલા ઓટો ગેરેજ જેવા સ્થળોએ ગેરકાયદેસર રીતે રાખી મૂકવામાં આવતા હતા અને ત્યારબાદ પોતાના અંગત આર્થિક ફાયદા માટે અનધિકૃત રીતે ગ્રાહકોને કાળાબજારમાં લગાડી દેવામાં આવતા હતા.આ આખા કૌભાંડને આચર્યા બાદ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાયમ માટે પડદો પાડી દેવા માટે કૌભાંડીઓએ એક નવો જ ખેલ રચ્યો હતો. કચેરીના અત્યંત મહત્વપૂર્ણ એવા સરકારી પરમેનન્ટ ડિસ્કનેક્શન એટલે કે પીડી રજિસ્ટરને જ દફતર માંથી સદંતર ગાયબ કરી દેવામાં આવ્યું હતું, જેથી કરીને ભવિષ્યમાં કોઈ તપાસ થાય તો પણ વીજ ચોરીનો કે ગેરરીતિનો કોઈ સત્તાવાર પુરાવો કે રેકોર્ડ જ ચોપડે ન મળે. આટલું મોટું અને સુસંગઠિત કૌભાંડ સામે આવ્યું હોવા છતાં, શરૂઆતમાં વીજ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માત્ર કૌભાંડી કર્મચારીઓની નલિયા ખાતે બદલી કરીને આખા મામલાને દબાવી દેવાનો નફ્ફટ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુનો આચરનારા કર્મચારીઓને સસ્પેન્ડ કરવાને બદલે માત્ર બદલીનું ઈનામ અપાતાં પીજીવીસીએલની નીતિમત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા.પરંતુ તાજેતરમાં ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી એક દુકાનમાં અચાનક કરવામાં આવેલી તપાસ દરમિયાન આ આખી પોલ ખુલ્લી પડી ગઈ હતી. અગાઉ ગુમ થયેલા મીટરો પૈકીનું જ એક ગેરકાયદેસર અને બોગસ મીટર આ દુકાનમાં ધગધગતું ચાલુ હાલતમાં મળી આવ્યું હતું. આ નક્કર પુરાવો હાથ લાગતાં જ કચેરીના જ ભ્રષ્ટ કર્મચારીઓનો પાપનો ઘડો આખરે ફૂટી ગયો હતો. કચ્છ ઉદયમાં પ્રસિદ્ધ થયેલા ધારદાર, તથ્યસભર અને આકરા અહેવાલોના પરિણામે તંત્ર ઉપર ભારે દબાણ ઊભું થયું હતું. આખરે ભુજ પીજીવીસીએલ દ્વારા આ કૌભાંડમાં સીધી રીતે સંડોવાયેલા પોતાના જ ત્રણ શખ્સો સામે વિધિવત રીતે ફરિયાદ નોંધાવવાની આકરી ફરજ પડી હતી.ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ હવે પીજીવીસીએલ તંત્ર પૂરેપૂરા આક્રમક મોડમાં આવી ગયું છે. ગાંધીનગર અને કોર્પોરેટ કચેરીના ઉચ્ચ અધિકારીઓ સુધી આ અહેવાલો પહોંચતાં જ સમગ્ર પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઉચ્ચકક્ષાએથી મળેલી કડક સૂચનાઓના આધારે અગાઉ ગુમ થયેલા તમામ ૩૦૦ મીટરોને ગમે તે ભોગે શોધી કાઢવા માટે વ્યાપક અને આક્રમક ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે.
પીજીવીસીએલના અત્યંત આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, કચેરીમાંથી ગાયબ થયેલા વીજ મીટરો ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કે આસપાસના અન્ય સબ ડિવિઝનો હેઠળ આવતા ગામડાઓમાં ગેરકાયદેસર રીતે લગાડી દેવાયા છે કે કેમ તેની પળેપળની વિગતો મેળવવા માટે ખાસ વિજિલન્સ અને સ્પેક્ટ્રમ ચેકિંગ ટીમોને સીધી મેદાનમાં ઉતારી દેવાઈ છે. હાલમાં ભુજના મુખ્ય વેપારી મથકો, હોસ્પિટલ રોડ, તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વીજ ટીમો દ્વારા સરપ્રાઈઝ દરોડા પાડીને ગ્રાહકોના મીટરના સિરિયલ નંબરોનું સરકારી ઓનલાઈન રેકોર્ડ સાથે સ્થળ પર જ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.
વીજ તંત્રના આ અણધાર્યા અને અભૂતપૂર્વ ચેકિંગના કારણે પીજીવીસીએલ કચેરીની આરામદાયક ખુરશીઓમાં બેસીને કચેરીની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા કેટલાક ભ્રષ્ટાચારી કર્મચારીઓના પેટમાં ભારે તેલ રેડાયું છે. જે ભ્રષ્ટ તત્વો અત્યાર સુધી સરકારી કાગળો, ફાઈલો અને પીડી રજિસ્ટરો ગાયબ કરી દેવાથી પોતાનો બચાવ થઈ જશે તેવી ઘમંડમાં રાચતા હતા, તેઓ હવે ટીમોના ગ્રાઉન્ડ ચેકિંગથી પોતાની કાળી કમાણી સપાટી પર આવી જવાના ડરથી ફફડી રહ્યા છે.
બીજી તરફ, કૌભાંડી કર્મચારીઓ કે એજન્ટો સાથે સેટિંગ કરીને કે બોગસ મીટરો મેળવીને મહિનાઓથી મફતમાં કે સસ્તામાં વીજ ચોરી કરતા અસામાજિક તત્વો અને વેપારીઓમાં પણ ભારે ફફડાટ અને સન્નાટો છવાઈ ગયો છે. પીજીવીસીએલના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ આકરી બનાવાશે. 
જો ચેકિંગ દરમિયાન અન્ય કોઈ સ્થળેથી પણ ગુમ થયેલું મીટર પકડાશે તો મીટર વાપરનાર અને લગાડી આપનાર બંને સામે રક્ષણ આપ્યા વગર સીધી ફોજદારી કાર્યવાહી કરીને જેલભેગા કરવામાં આવશે. આ મામલામાં હવે વીજતંત્ર કોઈપણ કચાસ બાકી રાખવા માંગતું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જે પણ દોષિત ગણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું વીજ વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. વીજ તંત્રના આંકડા તેવરને જોતા આવનાર દિવસોમાં આ મામાલે નવા કડાકા ભડાકા થવા સાથે વધુ કેટલાક ભ્રષ્ટ લોકોના પગના નીચે રહેલો આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.
..........

Comments

COMMENT / REPLY FROM