Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના કિડાણામાં ૧૩ર હેકટરથી વધુમાં ગૌચર  જમીન પર ગેરકાયદેસર અડીંગો : મહેસુલસ્તરે ઘા

01 September

જાગૃત નાગરિકે રાજ્યના મહેસૂલ વિભાગના દ્વાર ખટખટાવ્યા



લેખિત અરજી મળેલી છે, તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરાવીશું : શ્રી ચૌધરી(પ્રાંત અધિકારી, અંજાર), અરજી અમારા ધ્યાને આવી નથી, ઉપરાંત પણ ચોકકસથી તપાસ કરાવીશુ, અને ધોરણસરની કામગીરી કરીશું : શ્રી જાવેદ સીંધી(માલતદારશ્રી ગાંધીધામ )

સર્વે નં. ૧૫૬ થી ૧૬૧ માં ૧૩.૨૯ લાખ ચો.મી. ગૌચરમાં દબાણની આધારા પુરાવા સાથે અગ્રસચિવશ્રી મહેસુલને લેખિતમાં કરી ફરીયાદ


ગાંધીધામ : કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના કીડાણા ગામમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી સરકારી ગૌચર જમીન પર થયેલા વ્યાપક ગેરકાયદે દબાણો દૂર કરાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતાં આખરે આ મામલો રાજ્યના મહેસૂલ વિભાગ સુધી પહોંચ્યો છે. સ્થાનિક સ્તરે રજૂઆતો કરવા છતાં દાદ ન મળતાં જાગૃત નાગરિક દ્વારા આધાર-પુરાવા સાથે ગાંધીનગરમાં લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માગ કરાઈ છે.જાગૃત નાગરિક ખીમજી પરમાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત અનુસાર, કીડાણા ગામના સરકારી ગૌચરના સર્વે નંબર ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૬૦ અને ૧૬૧ અંગે સરકારી દફતરે ચોંકાવનારી વિગતો નોંધાયેલી છે.  જિલ્લા નિરીક્ષક જમીન દફતર, કચ્છ દ્વારા કરવામાં આવેલી DGPS સત્તાવાર માપણી (MR NO. ૧/૫૭/૨૦૧૮-૧૯) મુજબ આ સર્વે નંબરોમાં કુલ આશરે ૧૩૨-૯૨-૪૦ હેક્ટર (૧૩,૨૯,૨૪૦ ચોરસ મીટર) જેટલી વિશાળ ગૌચર જમીન પર દબાણ દર્શાવવામાં આવ્યું છે. સરકારી રેકર્ડ મુજબ સર્વે નં. ૧૫૬, ૧૫૭, ૧૬૦ અને ૧૬૧ માં સંપૂર્ણ ગૌચર જમીન દબાણ હેઠળ છે, જ્યારે સર્વે નં. ૧૫૮ અને ૧૫૯ માં અંશાતઃ દબાણ થયેલું છે.અરજદારે અગાઉ અંજાર પ્રાંત અધિકારી તથા ગાંધીધામ મામલતદાર સહિતના સ્થાનિક મહેસૂલી સત્તાધિકારીઓને વખતોવખત લેખિત આધાર-પુરાવા સાથે રજૂઆતો કરી હતી. પરંતુ સ્થાનિક સ્તરેથી કોઈ યોગ્ય ઉકેલ કે નક્કર કાર્યવાહી ન થતાં, આખરે અરજદારે અગ્ર સચિવ (મહેસૂલ વિભાગ), કચ્છ કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીને ગાંધીનગર કક્ષાએથી સૂચનાઓ 
અપાવવા માટે પુરાવાઓ સાથે સીધી અરજી મોકલી આપી છે તેમ ખીમજીભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે. આ સંદર્ભે ગાંધીધામ મામલતદારશ્રી સીંધીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અરજી અમારા ધ્યાને નથી, છતા ચોકકસથી ફેરતપાસ કરાવીશુ અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરીશુ જયારે પ્રાંત અધિકારીશ્રી અંજાર શ્રી ચૌધરીએ અરજી મળવા પામી છે, ખરાઈ કરાવી અને ચોકકસથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવો વિશ્વાસ તેઓએ દર્શાવ્ય હતો.

.........


અરજદારની ચાર મુખ્ય માગણીઓ

ગાંધીધામ : જાગૃત નાગરિક ખીમજી પરમારે સ્પષ્ટ કર્યું છે કે આ રજૂઆત કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે વ્યક્તિવિશેષ સામે નથી, પરંતુ ગામના પશુધન અને જાહેર હિતના રક્ષણ માટે છે. તેમણે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની જોગવાઈઓ હેઠળ  પગલાં ભરવાની માંગ કરી છે. 
*રી-વેરિફિકેશન : DILR  ના વર્ષ ૨૦૧૮-૧૯ ના માપણી શીટના આધારે સ્થળ ચકાસણી કરી દબાણ અંગે તાત્કાલિક આખરી નિર્ણય લેવો.
* બેદખલી અને દંડ :  ગેરકાયદે દબાણ સાબિત થાય તો સંબંધિત દબાણકારો સામે કાયદાકીય જોગવાઈ મુજબ બેદખલી કરી દંડાત્મક કાર્યવાહી કરવી.
*જમીનનું રક્ષણ : ગૌચર ખાલી કરાવ્યા બાદ ફરી દબાણ ન થાય તે માટે ફરતે ફેન્સિંગ કે પ્રોટેક્શન વોલ બનાવવી. * સમયમર્યાદામાં અહેવાલ : સમગ્ર તપાસ અને કાયદેસરની કાર્યવાહી અંગેનો લેખિત અહેવાલ નિશ્ચિત સમયમર્યાદામાં અરજદારને આપવો.

.........

Comments

COMMENT / REPLY FROM