Trending News
સ્થાનિક સમાચાર

ગરીબોની રોજીરોટી પર પાલિકાનું બુલડોઝર, પણ મોટા માથાઓ સામે તંત્ર લાચાર

31 August

ભુજમાં દબાણ હટાવવાના નામે મોટો ખેલ ?



૧૬ ઝોન કાગળ પર જ રહ્યા :  ૧૧ મહિનાના કરારિયા કર્મચારીઓ લારીવાળાઓને લૂંટીને ફોર વ્હીલરમાં ફરતા થઇ ગયા : શહેરમાં ૩૦૦૦ થી ૫૦૦૦ જેટલા લારી-ગલ્લા ધારકો પાસેથી વસુલતા રાજકીય નેતાઓને લેવા જોઈએ સારસામાં


દબાણ હટાવવાની આ આંધળી દોડમાં લગભગ અનેક ગરીબ પરિવારો ભૂખમરાના આરે આવીને ઊભા રહી ગયા : સરકારે સ્વાવલંબન યોજના હેઠળ સ્વનિર્ભર બનવા બેંક લોન અપાવી હતી હવે જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે આ ગરીબો હપ્તા ક્યાંથી ભરશે અને ઘર કેમ ચલાવશે? : સાચા શ્રમજીવીઓનો પાલિકાને વેધક સવાલ 


ભુજ - કચ્છઉદય : ભુજ શહેરમાં અચાનક ઉપડેલી નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ પાછળ શહેરી સુધારણા નહીં પણ નગરપાલિકાનું આડેધડ આયોજન અને મોટું રાજકીય રમતનું ભાંડું ફૂટી ગયું છે. વર્ષ ૨૦૨૪ થી કમિટીની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં કલેક્ટરે નવી કમિટીની રચના કરી નથી, એટલે આખો વહીવટી કારભાર ધણીધોરી વગરનો ચાલી રહ્યો છે. ભૂતકાળમાં નગરપાલિકાએ દાવા કર્યા હતા કે શહેરના ૧૬ અલગ-અલગ વિસ્તારોમાં લારી-ગલ્લાવાળાઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ આ ૧૬ ઝોન માત્ર કાગળ પર જ રહી ગયા. એટલું જ નહીં, રિલાયન્સ મોલ સામે સંસ્થાએ અને નગરપાલિકાએ લાખોના ખર્ચે જે લારી ઝોન ઊભો કર્યો હતો, તેને પાછળથી પોતે જ તોડી પાડીને પ્રજાના ટેક્સના નાણાંનો ધુમાડો કરી નાખ્યો. આજે શહેરમાં ૩૦૦૦ થી ૫૦૦૦ જેટલા લારી-ગલ્લા ધારકો પાસેથી વસુલતા રાજકારણી નેતાઓને સારસામાં લઈ તેના ઉપર પગલા લેવા જોઈએ. એક રેકડીના બદલે ચારથી પાંચ રેકડી રાખી અને બાકી રેકડીના ઉપલી આવક મેળવતા ભ્રષ્ટાચારીઓ ઉપર પણ કડક કાર્યવાહી થવી જોઈએ. દબાણ હટાવવાની આ આંધળી દોડમાં લગભગ અનેક ગરીબ પરિવારો ભૂખમરાના આરે આવીને ઊભા રહી ગયા છે. આ એ જ ગરીબો છે જેમને સરકારે સ્વાવલંબન યોજના હેઠળ સ્વનિર્ભર બનવા બેંક લોન અપાવી હતી અને તેઓ આજે પણ એ લોનના હપ્તા ભરે છે. હવે સામે જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે આ ગરીબો હપ્તા ક્યાંથી ભરશે અને ઘર કેમ ચલાવશે? સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સ્પષ્ટ કહે છે કે વૈકલ્પિક જગ્યા આપ્યા વગર દબાણ હટાવાય નહીં. સુરતમાં ખાઉગલી કે રાજકોટ જેવા શહેરોમાં ખાસ ફૂડ ઝોન બનાવવામાં આવ્યા છે, તેવી જ લાંબા સમયથી જાહેરાત કરતા ભુજ નગરપાલીકા આ જોનનો ક્યારે આરંભ કરશે.  ભુજમાં આવી કોઈ જ વ્યવસ્થા કર્યા વગર માત્ર તાયફા કરીને રોજીરોટી છીનવવામાં આવી રહી છે. બીજી તરફ, અલાહાબાદ બેંક પાસે મોટા આસામીએ રોડ સુધી દીવાલ ચણીને ખુલ્લું દબાણ કર્યું છે, પણ ત્યાં નગરપાલિકા, ભાડા, મામલતદાર કે આર.એન્ડ.બી.માંથી એક પણ સરકારી બાબુ પગ મૂકવા તૈયાર નથી !આ આખી ઝુંબેશ પાછળ બિલ્ડરો અને રાજકીય નેતાઓની મોટી સાંઠગાંઠ હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. શહેરમાં નેતાઓ અને મોટા ગજાના વેપારીઓએ કરોડોનાગરીબોની રોજીરોટીખર્ચે જે શોપિંગ કોમ્પ્લેક્સ બનાવ્યા છે, તેમાં દુકાનો કે ઓફિસો ભાડે જતી નથી. તેથી લારી-ગલ્લાવાળાઓનો ધંધો ચોપટ કરીને તેમને મોંઘી દુકાનો ભાડે લેવા મજબૂર કરવાનો આ હીન પ્રયાસ છે. ભાનુશાલી નગર પાસે સંસ્થાએ પોતાના ખર્ચે પાણી અને શૌચાલય સાથે સુંદર લારી ઝોન બનાવ્યો હતો, જેનું ઉદઘાટન પણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જ કર્યું હતું! પરંતુ બાદમાં પાલિકાએ એ પતરા અને વ્યવસ્થા પણ તોડી પાડી. ભુજ હાટ પાસે ખરીદી કરવા આવતી પબ્લિક માટે નાસ્તાની લારીઓ ચાલતી હતી, તેને હટાવીને છેક શહેર બહાર એન્જિનિયરિંગ કોલેજ પાસે મોકલવાની વાતો કેટલી હાસ્યાસ્પદ છે ? તેવું ભુજના જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે. આ દબાણ હટાવ ખેલમાં સૌથી વધુ મલાઈ વચેટિયાઓ અને પાલિકાના કર્મચારીઓ ખાધિ રહ્યા છે. ભુજ નગરપાલિકાના એક ભૂતપૂર્વ કાઉન્સિલર જેવા મોટા આસામીઓ પાસે ૬૫ થી ૮૫ જેટલી લારીઓ છે, જેને તેઓ નાના ગરીબોને મહિને ૩૦૦૦ થી ૬૦૦૦ ના ભાડે આપીને લાખોની કમાણી કરે છે. આ ઉપરાંત, નગરપાલિકામાં ૧૧ મહિનાના કરાર પર કામ કરતા અને માત્ર ૮૦૦૦ થી ૯૦૦૦ પગાર ધરાવતા કર્મચારીઓ લારીવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવીને મોંઘી કારોમાં ફરી રહ્યા છે પણ રોજના ૨૦૦-૩૦૦ રૂપિયા કમાતા આબરૂદાર ગરીબોને તંત્ર હેરાન કરી રહ્યું છે. જો નગરપાલિકા તાત્કાલિક ચોક્કસ નીતિ બનાવીને વિકલ્પ નહીં આપે, તો આ પ્રશ્ન ભુજ શહેરમાં મોટો જનરોષ ઊભો કરશે.

 

Comments

COMMENT / REPLY FROM