Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં શ્રાવણી તહેવારોની રજાઓમાં ‘બંધ મકાનો’ પર તસ્કરોની નજર

29 August




સાવચેતી નહીં રખાય તો તહેવારોનો આનંદ શોકમાં ફેરવાઈ શકે : સોશિયલ મીડિયા પર ’લાઈવ સ્ટેટસ’ અને સુમસામ ગલીઓ ચોર ગેંગ માટે મોકળું મેદાન : તહેવારોની મોસમમાં વેકેશન મોડ ઓન કરતા પહેલાં ડિજિટલ અને ભૌતિક સ્તરે રાખવી પડતી સાવચેતી અંગે કચ્છના જાગૃત નાગરિકોની સૂચક ટકોર

ભુજ - કચ્છઉદય : કચ્છના ખૂણેખૂણામાં અત્યારે રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોનો માહોલ પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે. જિલ્લા બહારથી નોકરી કે ધંધા માટે કચ્છમાં વસવાટ કરતા પરપ્રાંતિયા લોકો પરિવાર સાથે વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે તો કચ્છવાસીઓ તહેવારોની લાંબી રજાઓની મજા માણવા માટે વિવિધ પ્રવાસન સ્થળોએ પહોંચી રહ્યા છે. સમગ્ર જિલ્લો જ્યારે તહેવારના રંગે રંગાયેલો છે ત્યારે બંધ મકાનો અને સૂમસામ બનેલી સોસાયટીઓ પર તસ્કરોની ગીધ નજર પણ મંડરાઈ રહી છે. દર વર્ષે તહેવારો પૂર્ણ થયા બાદ સામે આવતા ચોરીના કિસ્સાઓ એ વાતની સાક્ષી પૂરે છે કે નાગરિકોની નાની એવી અસાવચેતી ક્યારેક જીવનભરની કમાણી પર પાણી ફેરવી દે છે.
અત્યારના આધુનિક યુગમાં ગુનાહિત માનસિકતા ધરાવતી ગેંગો પણ હાઈટેક બની ગઈ છે અને ચોરી કરવા માટેની પદ્ધતિઓમાં મોટો ફેરફાર આવ્યો છે. સામાન્ય રીતે લોકો જ્યારે ઘર બંધ કરીને બહારગામ જાય છે ત્યારે સોશિયલ મીડિયા પર પોતાની દરેક ક્ષણની માહિતી અપલોડ કરવાના મોહમાં પડી જતા હોય છે. લાઈવ લોકેશન અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કરવાની આ આદત તસ્કરો માટે સૌથી મોટો સુરાગ બની જાય છે, કારણ કે આ ડિજિટલ માહિતીના આધારે જ ચોર ગેંગ નક્કી કરી લે છે કે કયું ઘર કેટલા દિવસ સુધી માલિક વગરનું રહેવાનું છે. આ સિવાય ઘરના દરવાજે એકઠા થતાં દૂધના પેકેટો, બે-ત્રણ દિવસના અખબારોના ઢગલા અને ઘરની સતત ચાલુ રહેતી કે બંધ રહેતી લાઈટો પણ ગુનેગારોને ઘર બંધ હોવાની સ્પષ્ટ ખાતરી કરાવી આપે છે.તહેવારોનો આ ઓચ્છવ શોકમાં પરિણમે નહીં તે માટે દરેક નાગરિકે સ્વયં સુરક્ષાના નિયમો અપનાવવા અત્યંત આવશ્યક બન્યા છે. ઘર બંધ કરતી વખતે સોના-ચાંદીના કિંમતી દાગીના અને મોટી રકમની રોકડ રકમ ઘરમાં જ કોઈ ગુપ્ત જગ્યાએ સંતાડી રાખવાના બદલે તહેવારો પહેલા જ તેને બેંકના લોકરમાં મૂકી દેવી સૌથી બુદ્ધિપૂર્વકનો નિર્ણય ગણાય છે. તે જ રીતે મુસાફરી દરમિયાનના ફોટોગ્રાફ્સ કે વિગતો ઘરે પરત આવ્યા બાદ જ સોશિયલ મીડિયા પર મૂકવાનો આગ્રહ રાખવો જોઈએ. બહારગામ જતાં પહેલાં અખબાર અને દૂધ જેવી દૈનિક સેવાઓ અટકાવી દેવી જોઈએ તેમજ ઘરના દરવાજે કચરો કે કાગળો એકઠા ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે.
આજના સમયમાં ટેકનોલોજીની સાથે પાડોશી ધર્મ પણ સુરક્ષા માટેનું એક સબળ શસ્ત્ર સાબિત થઈ શકે છે. બહાર જતાં પહેલાં આસપાસના વિશ્વાસસુ પાડોશીને જાણ કરી જવાથી તેઓ ઘર તરફ નજર રાખી શકે છે. ઘરના મુખ્ય કમ્પાઉન્ડમાં નાઈટ વિઝન કેમેરા અને મોશન સેન્સરવાળી લાઈટોનું આયોજન તસ્કરોને દૂર રાખવામાં મદદરૂપ બને છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસતંત્ર તો કાર્યરત રહે જ છે, પરંતુ નાગરિકોની પોતાની જાગૃતિ જ તેમના ઘર અને માલમત્તાની અસલી ઢાલ બની શકે છે.

.........

Comments

COMMENT / REPLY FROM