Trending News
સ્થાનિક સમાચાર

મુંદરાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને એઇડ્‌સ જાગૃતિ અને વ્યસનમુક્તિના શપથ લેવડાવાયા

27 August


મુંદરામાં એઇડ્‌સ મુક્ત સમાજ માટે લોકજાગૃતિ અને લોકભાગીદારીના મહાઅભિયાનની શરૂઆત


“મોબિલાઇઝેશન ફોર એઇડ્‌સ સુરક્ષા અને યુવાનોની ભૂમિકા” વિષયક વક્તૃત્વ સ્પર્ધામાં યુવાનોએ રજૂ કર્યા મૌલિક વિચારો


મુંદરા - કચ્છઉદય : મુંદરાની શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેનિયા એન્ડ એન્કરવાલા તથા શ્રીમતી ચંદનબેન હાથીભાઈ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત રાજ્ય એઇડ્‌સ નિયંત્રણ સોસાયટી તથા ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ “ઇન્ટેન્સિફાઇડ આઇ.ઇ.સી. કેમ્પેઇન-૨૦૨૬” અંતર્ગત એઇડ્‌સ જાગૃતિ, વ્યસનમુક્તિ અને આરોગ્ય અંગેનો વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ એઇડ્‌સ અંગેની સાચી માહિતી મેળવી હતી તેમજ સ્વસ્થ અને વ્યસનમુક્ત જીવન જીવવાનો સંકલ્પ કર્યો હતો.
કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના દિશાનિર્દેશ હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી તથા જિલ્લા એઇડ્‌સ - એચઆઈવી નિયંત્રણ અધિકારી ડો. મનોજકુમાર દવેના માર્ગદર્શન અનુસાર સમગ્ર કચ્છ જિલ્લામાં બે મહિના માટે સઘન જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે મુંદરા કોલેજ ખાતે વિવિધ જાગૃતિપ્રેરક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન “મોબિલાઇઝેશન ફોર એઇડ્‌સ સુરક્ષા અને યુવાનોની ભૂમિકા” વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ આરોગ્યલક્ષી વિષયો અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ સુપરવાઈઝર ઝવેરભાઈ નાથાણી દ્વારા “આહારથી આરોગ્ય”ની સંકલ્પના સમજાવી સંતુલિત અને પૌષ્ટિક આહારના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. તાલુકા ટેક્નિકલ સુપરવાઈઝર પૃથ્વીરાજ રાજપૂત દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન જોવા મળતા વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી બચવા માટે જરૂરી સાવચેતી અને પ્રતિબંધાત્મક પગલાં અંગે સમજ આપવામાં આવી હતી.  શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર પ્રકાશભાઈ ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી
કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓએ એઇડ્‌સ સુરક્ષા અને વ્યસનમુક્તિ અંગે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે એઇડ્‌સ સામેની લડાઈ માત્ર આરોગ્ય વિભાગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં સમગ્ર સમાજની સહભાગીતા જરૂરી છે. ખાસ કરીને યુવાનોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, જવાબદારી અને સામાજિક સંવેદનશીલતા વિકસે તે માટે આવા જાગૃતિ કાર્યક્રમો મહત્વપૂર્ણ બની રહે છે. કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વ્યસનમુક્તિ વિષયક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નાટકના માધ્યમથી વ્યસનના વ્યક્તિગત જીવન, પરિવાર અને સમાજ પર પડતા નકારાત્મક પ્રભાવ અંગે અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. 
વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડો. દીપકભાઈ ખરાડીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમના સમગ્ર આયોજન અને સંકલનમાં આઈ.સી.ટી.સી.ના કાઉન્સેલર રૂબીનાબેન કેવર તથા લેબ ટેકનિશિયન નિકીબેન જોશીએ ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી. 
------

Comments

COMMENT / REPLY FROM