સહજાનંદ ગુરુકુળ - માનકુવાની દોકરીઓએ એમએલએ, એસપી અને એસપીપી સાથે અનોખી રીતે ઉજવ્યો રક્ષાબંધન પવં
ભુુજ - કચ્છઉદય : રક્ષાબંધન એટલે માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર જ નહીં, પરંતુ પ્રેમ, લાગણી, વિશ્વાસ અને રક્ષણના સંકલ્પનો પર્વ. આ ભાવનાને જીવંત રાખતાં સહજાનંદ ગુરુકુળ - માનકુવાની કેજી વિભાગની દિકરીઓએ રક્ષાબંધન પર્વની અનોખી અને યાદગાર ઉજવણી કરી હતી.
ગુરુકુળની આશરે ૪૦ જેટલી દીકરીઓએ વિવિધ મહાનુભાવોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે દીકરીઓએ એસપી વિંકાસ સુંડા ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામી સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
ગુરુકુળની દીકરીઓએ એસપીના નિવાસસ્થાને પહોંચી તેમને પ્રેમ અને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી. નાની નાની દીકરીઓ દ્વારા રાખડી બાંધવામાં આવતાં સમગ્ર વાતાવરણમાં લાગણીસભર અને આનંદમય માહોલ સર્જાયો હતો. એસપીએ દીકરીઓનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું અને પોતાના પરિવાર સાથે તેમને બંગલાની મુલાકાત કરાવી હતી. આ મુલાકાત દરમિયાન દીકરીઓને પ્રાકૃતિક ખેતી વિશે પણ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવામાં આવે છે અને તેના શું ફાયદા છે તે અંગે દિકરીઓને માહિતગાર કરવામાં આવી હતી. એસપીએે ગુરુકુળની તમામ દીકરીઓને ભેટ આપી તેમનો આનંદ વધાર્યો હતો.
આ ઉપરાંત ગુરુકુળની દિકરીઓએ ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલને પણ રાખડી બાંધી હતી. દિકરીઓએ ધારાસભ્યને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. કેશુભાઈ પટેલે પણ દીકરીઓ સાથે આત્મીયતાપૂર્વક સમય વિતાવ્યો હતો અને તમામ દીકરીઓને આઇસ્ક્રીમ ખવડાવી રાજી કરી હતી.
સહજાનંદ ગુરુકુળ - માનકુવા દ્વારા શિક્ષણની સાથે બાળકોમાં સંસ્કાર, શિસ્ત, સામાજિક જવાબદારી અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની ભાવના કેળવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. રક્ષાબંધન પર્વની આ ઉજવણી પણ તેનું સુંદર ઉદાહરણ બની હતી. આ સમગ્ર કાર્યક્રમથી દીકરીઓમાં પ્રેમ, સ્નેહ, આદર, આત્મવિશ્વાસ અને સામાજિક જોડાણની ભાવના વધુ મજબૂત બની હતી.
--------

Comments