અંજારનું રતનાલ ગામ ગત ૪૮ કલાકથી અંધારપટ્ટની અવસ્થામાં
છે ને દિવા તળે અંધારું!
ગત રોજ બપોરથી વીજળી ગુલ થઈ છે, હજુ સુધી આજે બપોર સુધી આવી ન હોવાથી રહેવાસીઓ અકળાયા : નાના બાળકો, બીમાર તથા વૃદ્ધ લોકોની હાલત થઈ કફોડી : વીજતંત્ર આટઆટલા કલાકો બાદ પણ રતનાલમાં વીજળી પૂર્વવત ન કરી શકે? તેના પાછળનું રહસ્ય શું? ગ્રામજનોની વહારે કેમ કોઈ જ આગેવાનો નથી આવતા?
અંજારઃ તાલુકાનું વિકાસશીલ ગણાતું રતનાલ ગામ ગત ૪૮ કલાકથી ઘોર અંધારપટ્ટમાં ગરકાવ થઈ જતાં ગ્રામજનોમાં ભારે રોષ અને અકળાટ વ્યાપી ગયો છે. ગત રોજ બપોરના સમયે ગુલ થયેલી વીજળી આજે બીજા દિવસે પણ બપોર સુધી
પૂર્વવત ન થતાં સ્થાનિકોનું જીવવું દુષ્કર બની ગયું છે.ચોમાસા અને અસહ્ય બફારાની ઋતુમાં સતત બે દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ જતાં નાનાં બાળકો, વૃદ્ધો અને હોસ્પિટલમાં કે ઘરે સારવાર લઈ રહેલા બીમાર દર્દીઓની હાલત અત્યંત કફોડી બની જવા પામી છે. પીવાના
પાણીથી માંડીને રોજિંદા ગૃહકાર્યો પણ અટકી પડતાં સમગ્ર ગામમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાધુનિક ટેકનોલોજી અને ત્વરિત કામગીરીના દાવાઓ કરતી વીજ કંપની આટઆટલા કલાકો વિતી ગયા હોવા છતાં રતનાલમાં વીજળી પૂર્વવત કેમ કરી શકી નથી? તે બાબત સ્થાનિકોમાં મોટા સવાલો ઊભા કરી રહી છે. આટલી ગંભીર બેદરકારી પાછળનું રહસ્ય શું છે તે અંગે પણ જાતજાતની ચર્ચાઓ વહેતી થઈ છે. બીજી તરફ, સમગ્ર ગામ જ્યારે અંધારામાં કષ્ટ ભોગવી રહ્યું છે ત્યારે ગ્રામજનોની વહારે કોઈ લોકપ્રતિનિધિ કે સ્થાનિક આગેવાનો આગળ ન આવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વીજતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરીને વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવે તેવી રતનાલના ગ્રામજનો ઉગ્ર માંગ કરી રહ્યા છે.
........

Comments