રાપરના વિજય કાપડી હત્યા કેસમાં આરોપી પુના ભરવાડની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી
ભચાઉની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે અરજી નકારી; સરકારી વકીલ ડી. એસ. જાડેજાની અસરકારક દલીલો, કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોવાનું અદાલતનું અવલોકન
ભચાઉ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નવાપરા વાસના પુના ભાણા ભરવાડ સામે આડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચાસ્પદ હત્યાના ગુનામાં ભચાઉની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી છે. આરોપી પુના ભાણા ભરવાડ અને તેના અન્ય સહ-આરોપીઓએ મળીને ગુનાહિત ષડયંત્ર રચી આડેસરના વિજય નામના યુવકને વેપાર-ધંધાના હિસાબ બાબતે રાજસ્થાન બોલાવીને પાલી ટોલ નાકા નજીક તેના વાહનને આંતરીને અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને સફેદ રંગની ફોર્ચ્યુનર કારમાં બળજબરીપૂર્વક બેસાડી એક અવાવરૂ જગ્યાએ લઈ જઈ લોખંડના પાઈપ તેમજ લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા વિજયનું સારવાર દરમિયાન મોત નીપજતાં આડેસર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ધરપકડથી બચવા માટે આરોપી પુના ભાણા ભરવાડે પોતાના એડવોકેટ મારફતે ભચાઉ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. બંને પક્ષોની દલીલો અને પોલીસ તપાસના કાગળો ધ્યાને લીધા બાદ બીજા એડિશનલ સેશન્સ જજ બી. એલ. ચોઈથાણીએ નોંધ્યું હતું કે પીએમ રિપોર્ટ અને તબીબી પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે મૃતક પર સખત અને બુઠ્ઠા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે કોઈ અકસ્માત હોવાની શક્યતાને નકારે છે. આ ઉપરાંત કેસની ગંભીરતા અને આરોપીની પ્રત્યક્ષ સંડોવણીને જોતાં નિષ્પક્ષ અને અસરકારક તપાસ માટે આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ અત્યંત જરૂરી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભચાઉ અદાલતે આરોપી પુના ભાણા ભરવાડની આગોતરા જામીન અરજી આખરે નાંજૂર કરવાનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં સરકારી વકીલ ડી. એસ. જાડેજાએ દલીલો રજૂ કરી હતી.
........

Comments