Trending News
સ્થાનિક સમાચાર

લોરિયા સીમમાં શિકારી પ્રવૃતિ મુદ્દે વન વિભાગના કર્મચારી પર હુમલો

27 August



રાત્રી પેટ્રોલીંગ દરમ્યાન શંકા જતા પુછપરછ કરી ત્યારે બન્ને આરોપીએ ફરજમાં કરી રૂકાવટ : તમને જોઈ લઈશું તેમ કહી ધમકી પણ આપી : સામે પક્ષે પણ મારામારીની ફરિયાદ


ભુજ - કચ્છઉદય : તાલુકાના લોરિયા ગામની સીમમાં શિકાર મુદ્દે વન કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ છે. સામે પક્ષે પણ ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મુળ દેવભૂમિ દ્વારકાના હાલે ભુજમાં રહેતા અને નોખાણીયા બીટના વનરક્ષક મહિપાલસિંહ ભીખુભા વાઢેરના જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને ઈજા પામનાર વન વિભાગના કર્મચારીઓ હોઈ પેટ્રોલીંગમાં હતા ત્યારે આરોપીઓ વન્ય પ્રાણીનો શિકાર કરતા હોવાનો શક જતા તેમની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી હતી ત્યારે હનુમાનનગર (લોરિયા)માં રહેતા આરોપી ફરીદ હાજી મેર અને ઈબ્રાહીમ અધાભા નાગીયાએ ઉશ્કેરાઈને તમને જોઈ લઈશું તેવી ધમકી આપી ફરિયાદી અને સાહેદો સાથે ઝપાઝપી કરી અજુભા જાડેજાને માર મારી વન વિભાગની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી, જે અંગે માધાપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જયારે સામે પક્ષે ઈબ્રાહીમ અધાભા નાગીયાએ ફરીયાદમાં જણાવ્યું કે, ફરીયાદી અને સાહેદ શિકાર કરવા નિકળ્યા હોવાનું શક વ્હેમ રાખી મહિપાલસિંહે મોઢાના ભાગે ઉંધી કુહાડી મારી હતી. જયારે અજુભા રાવતાજી જાડેજાએ ધોકા વડે માર માર્યો હતો. અન્ય ત્રણ અજાણ્યા ઈસમોએ આવી ફરિયાદી અને સાહેદને માર માર્યો હતો. જે અંગે માધાપર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી શિકાર પ્રવૃતિ વધી રહી છે, જે ચિંતાજનક બાબત છે. આવી ઘટનાઓમાં વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને વન વિભાગ પર હુમલા થાય તે ઘટના પણ નિંદનીય કહી શકાય તેમ છે. આ બનાવમાં માધાપર પોલીસે સામ સામે ફરીયાદ નોધી છે.

.......


 

Comments

COMMENT / REPLY FROM