હુન્નર હોય તો હર સમસ્યા હલ થઈ શકે છે
ભુજ શારદા સ્કીલ હાઉસ ખાતે ૧૨૫ મહિલાઓની ઉપસ્થિતિમાં મડ આર્ટની તાલીમનો શુભારંભ
ભુજ - કચ્છઉદય : ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા દ્વારા એક્સેન્ચરના સહયોગથી મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે માઇક્રો સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ્સ - મડ વર્ક તાલીમ કાર્યક્રમનો શુભ પ્રારંભ ભુજની સંસ્થા શારદા સંસ્કૃતિ ટ્રસ્ટ સંચાલિત શારદા સ્કીલ હાઉસ ખાતે કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં આશરે ૧૨૫ બહેનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. ઉદ્દઘાટન સમારોહ, જીઈટીટી સત્ર તેમજ તાલીમાર્થીઓની ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઈડીઆઈઆઈ સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર હેતલ ખેર અને રંજના વાઘેલા દ્વારા ઉપસ્થિત બહેનોને ઈડીઆઈઆઈ સંસ્થા અને એમએસડીપી અંગે વિસ્તૃત માહિતી અને સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી. તેમણે ઈડીઆઈઆઈની સ્થાપના, સંસ્થાના કાર્યક્ષેત્ર, મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતા વિકાસમાં સંસ્થાની ભૂમિકા, એમએસડીપી કાર્યક્રમનો હેતુ, ૨૬ દિવસની તાલીમની રૂપરેખા, તાલીમ દરમિયાન મળનારી સુવિધાઓ, ઉદ્યોગ શરૂ કરવા માટેની તકો, બજાર સાથે જોડાણ, સરકારી યોજનાઓનો લાભ, સ્વરોજગારની સંભાવનાઓ તેમજ તાલીમ પૂર્ણ થયા બાદ આત્મનિર્ભર બનવાના માર્ગ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. તેમણે તમામ બહેનોને તાલીમમાં નિયમિત હાજરી આપી સંપૂર્ણ સમર્પણ સાથે કૌશલ્ય પ્રાપ્ત કરવા અને તેને આવકના સાધનમાં પરિવર્તિત કરવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કરે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં મહિલાઓને કૌશલ્ય વિકાસ, આત્મવિશ્વાસ અને સ્વરોજગાર દ્વારા સશક્ત બનવાનો સંદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે હુન્નર હોય તો હર સમસ્યા હલ થઈ શકે છે. તાલીમ પ્રોગ્રામના પ્રશિક્ષક ઈલાબેન ગોસ્વામીએ ઈડીઆઈઆઈ દ્વારા મહિલાઓના કૌશલ્ય વિકાસ માટે હાથ ધરવામાં આવેલા આ પ્રયાસની પ્રશંસા કરી અને જણાવ્યું કે આવા કાર્યક્રમો મહિલાઓને આત્મનિર્ભર બનાવી તેમના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
આ તાલીમ દરમિયાન મહિલાઓને મડ વર્કની આધુનિક પદ્ધતિઓ, નવીન ડિઝાઇન, ગુણવત્તા નિયંત્રણ, પેકેજિંગ, બ્રાન્ડિંગ, માર્કેટિંગ તથા ઉદ્યોગસાહસિકતા અંગે વ્યવહારુ તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ પોતાનો સ્વરોજગાર શરૂ કરીને આત્મનિર્ભર બની શકે. ઈડીઆઈઆઈ અને એક્સેન્ચરનો આ સંયુક્ત પ્રયાસ કચ્છની મહિલાઓને કૌશલ્ય, આત્મવિશ્વાસ અને સ્વરોજગારની નવી દિશા તરફ આગળ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
------------------

Comments