સજાગતા એજ સાચી સમજણ : પીએસઆઈ પૂજાબેન જાદવ
સાયબર ગુનાથી બચવા વાડાસરની મહિલાઓ અને બાલિકાઓને અપાયું માર્ગદર્શન
ભુજ - કચ્છઉદય : વાડાસર ગ્રામ પંચાયત અને બાલિકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે તથા સેતુ અભિયાન-કોડકીના સહયોગથી વાડાસર બાલમંદિર ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામની મહિલાઓ અને દીકરીઓને વધતા જતા સાયબર ગુનાઓ અંગે જાગૃત કરવા, ઓનલાઈન છેતરપિંડીથી બચવા જરૂરી સાવચેતી અંગે સમજ આપવા તથા સાયબર સુરક્ષા અંગે જાગૃતિ કેળવવાનો હતો.
કાર્યક્રમમાં ભુજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. જી. ચાવડા તથા પીએસઆઈ પૂજાબેન જાદવ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સેતુ અભિયાન - કોડકીના કલસ્ટર ફિલ્ડ ઇન્ચાર્જ વનિતાબેન દબાસીયા દ્વારા ઉપસ્થિત અધિકારીઓ તથા ગ્રામજનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાડાસર ગ્રામ પંચાયતના સરપંચ પ્રીતિબેન વેકરીયા તથા બાલિકા પંચાયતના સરપંચ ડિમ્પલબેન કેરાઈ દ્વારા બંને અધિકારીઓનું સાલ ઓઢાડી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન માટે સેતુ અભિયાનના ટ્રેનિંગ કો-ઓર્ડીનેટર ખીમજી કાંઠેચા ના સંકલનથી યોજાયેલ આ શિબિરમાં પીઆઈ ડી. જી. ચાવડા તથા પીએસઆઈ પૂજાબેન જાદવ દ્વારા મહિલાઓ અને બાલિકાઓને સરળ ભાષામાં વિવિધ પ્રકારના સાયબર ગુનાઓ અને તેનાથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમમાં મોબાઇલ, કમ્પ્યુટર તથા ઈન્ટરનેટના માધ્યમથી થતી છેતરપિંડી, નાણાકીય ફ્રોડ, વ્યક્તિગત માહિતીની ચોરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
માર્ગદર્શન દરમિયાન લિંક, ફેક કોલ, ઈન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ, ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ ફ્રોડ, સ્ક્રીન શેરિંગ તથા રિમોટ એક્સેસ એપ ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ, અજાણી મોબાઇલ એપ્લિકેશન દ્વારા થતી છેતરપિંડી, એઆઈ દ્વારા અવાજ બદલીને થતો ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ ફ્રોડ અંગે ઉદાહરણો સાથે સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને અજાણી લિંક પર ક્લિક ન કરવું, ઓટીપી, પીન, પાસવર્ડ, બેંક તથા વ્યક્તિગત માહિતી કોઈની સાથે શેર ન કરવી અને અજાણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા અંગે સાવચેતી રાખવા જણાવાયું હતું. ડિજિટલ અરેસ્ટ ફ્રોડ અંગે ખાસ સમજ આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, સાયબર ગુનેગારો પોલીસ, ઈડી, સીબીઆઈ, ટ્રાઈ વગેરે અધિકારી બનીને ફોન કરી ભય પેદા કરતા હોય છે અને નાણાં ટ્રાન્સફર કરાવવાનો પ્રયાસ કરે છે. આવા કિસ્સામાં ગભરાયા વગર પરિવારજનો તથા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને સાયબર ક્રાઇમ હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ કરવી જોઈએ.
કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ઉપયોગ દરમિયાન સાવચેતી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફેક પ્રોફાઇલ, સોશિયલ મીડિયા હેકિંગ, ધમકી, સાયબર બુલિંગ તથા વ્યક્તિગત ફોટા-વિડિયોના દુરુપયોગ જેવી બાબતો અંગે બાલિકાઓને જાગૃત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વાડાસર ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, બાલિકા પંચાયતના સરપંચ તથા સભ્યો સહિત કુલ ૫૩ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહિલાઓ અને બલિકાઓ સાયબર સુરક્ષા અંગે ઉપયોગી માહિતી મેળવી અને ઓનલાઈન દુનિયામાં વધુ સાવચેત રહેવાનો સંદેશ મેળવ્યો હતો. કાર્યક્રમના અંતે સેતુ અભિયાન - કોડકીના ફિલ્ડ ટ્રેનર રાજેશભાઈ દેસાઈ દ્વારા ઉપસ્થિત અધિકારીઓ, ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો, બાલિકા પંચાયતના સરપંચ તથા સભ્યો અને તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
--------

Comments