મુન્દ્રાથી લખનૌ મોકલેલી બેટરીઓમાંથી ૪૧ બારોબાર ગાયબ : કચ્છી ટ્રાન્સપોર્ટર અને બ્રોકર શંકાના દાયરામાં
યુપી જતી ટ્રકમાંથી બિજનોર પહોંચતા ૪૧ બેટરીની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ : મુન્દ્રાના ડેપો ઈન્ચાર્જ સામે પણ આંગળી ચીંધાઈ
ભુજ - કચ્છઉદય : કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા મુન્દ્રાથી ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે મોકલવામાં આવેલો લાખોની કિંમતનો બેટરીનો જથ્થો રસ્તામાંથી જ ગાયબ થઈ જતાં ચકચાર મચી ગઈ છે. મુન્દ્રાથી ટ્રકમાં ભરાયેલી કુલ ૪૩૬ બેટરીઓમાંથી ૪૧ બેટરીઓ રસ્તામાં જ સગેવગે કરી દેવામાં આવી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થતાં આંગળી ગાંધીધામના ટ્રાન્સપોર્ટર અને બ્રોકર તરફ ચીંધાઈ છે. આ મામલે કંપનીના અધિકૃત પ્રતિનિધિ દ્વારા
યુપીના બિજનોર પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવતા કચ્છી ટ્રાન્સપોર્ટ આલમમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સીજે ડોર્સલ લોજિસ્ટિક્સ લિમિટેડના પ્રતિનિધિ શિવશંકર જયસ્વાલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, કંપનીએ મુન્દ્રા સ્થિત ઈસ્ટમેન ઓટો એન્ડ પાવર લિમિટેડના પ્લાન્ટમાંથી લખનૌ માલ મોકલવા માટે કચ્છના ગાંધીધામ ખાતે રહેતા ટ્રાન્સપોર્ટર કે.કે. ચૌધરીનો સંપર્ક કર્યો હતો. ટ્રાન્સપોર્ટર અને બ્રોકરે મુન્દ્રાથી માલ ઉપાડવા માટે રાજસ્થાન પાસિંગની ટ્રક ફાળવી હતી. ગત ૭ ઓગસ્ટના રોજ મુન્દ્રા પ્લાન્ટના ડેપો ઈન્ચાર્જ અને ચાલકની હાજરીમાં વિધિવત રીતે ૪૩૬ બેટરીઓ ટ્રકમાં લોડ કરીને લખનૌના સરોજીનીનગર ખાતે મોકલવામાં આવી હતી. મુન્દ્રાથી નીકળેલી આ ટ્રક ૧૩ ઓગસ્ટના રોજ નિયત સ્થળે પહોંચી ત્યારે માલનું ચેકિંગ કરતા કંપનીના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. ટ્રકમાંથી ૪૧ બેટરીઓ ઓછી મળી આવતા તુરંત ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી. કંપનીના પ્રતિનિધિએ આક્ષેપ કર્યો છે કે કચ્છથી માલ રવાના થયા બાદ રસ્તામાં જ ટ્રક ચાલક મોટા રામ, માલિક રાણા રામ અને ગાંધીધામના બ્રોકર કે.કે. ચૌધરીએ મુન્દ્રાના ડેપો ઈન્ચાર્જ રવીન્દ્ર કુમાર સાથે મિલિભગત કરીને આ કિંમતી બેટરીઓનું ગબન કર્યું છે. હાલ તો યુપી પોલીસે કચ્છી ટ્રાન્સપોર્ટર સહિતના શંકાસ્પદો સામે ગુનો નોંધીને મુન્દ્રાથી લખનૌ વચ્ચેના રૂટ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Comments