નખત્રાણાના ટોડિયામાં ગામે કુતરાઓએ ૫૦ જેટલા ઘેટાં-બકરાંના બચ્ચાંને મારી નાખતા અરેરાટી
સીમમાં ચરાવવા ગયેલા માલધારી સાંજ પાછા ફરતા વાડીમાં રાખેલા નાના બચ્ચાં લોહીલુહાણ મૃત હાલતમાં મળ્યા ; પીડિત પરિવારે સરકારી સહાયની ગુહાર લગાવી
નખત્રાણા - કચ્છઉદય : તાલુકાના ટોડિયા ગામે એક અત્યંત કરૂણ અને માલધારી પરિવાર માટે આર્થિક રીતે ભાંગી નાખતી ઘટના સામે આવી છે. ગામના પીંજારા મુબારક ઈસાના જણાવ્યા અનુસાર, તેમના કાકાના માલિકીના ઘેટાં-બકરાંના નાના બચ્ચાઓને વાડીમાં વાડ બનાવીને સુરક્ષિત પૂરી રાખવામાં આવ્યા હતા. કાલના રોજ સવારના સમયે પરિવારના સભ્યો મોટા ઘેટાં-બકરાંને ચરાવવા માટે સીમ તરફ ગયા હતા. તે દરમિયાન બપોરના ગાળામાં આ અરેરાટીભરી ઘટના બની હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સાંજના સમયે જ્યારે માલધારી પરિવાર સીમમાંથી પોતાના પશુઓ લઈને ઘરે પરત ફર્યો, ત્યારે વાડીમાં પૂરવામાં આવેલા નાના બચ્ચાઓની હાલત જોઈને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. હિંસક કૂતરાઓએ ઝાડી તૌડી અંદર ઘૂસીને માસૂમ બચ્ચાઓ પર હુમલો કર્યો હતો, જેના કારણે અંદાજે ૪૦ થી ૫૦ જેટલા ઘેટાં-બકરાંના નાના બચ્ચાં લોહીલુહાણ હાલતમાં મૃત્યુ પામ્યા હતા. આ બનાવથી માલધારી પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રોજીરોટીના મુખ્ય સાધન સમાન પશુઓના મોતથી ભાંગી પડેલા પરિવારે આ મામલે તંત્ર અને સરકાર સમક્ષ તાકીદે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી કરુણ અપીલ કરી છે.

Comments