વાગડમાં નકલી ખાદ્યતેલનું કૌભાંડ : નિર્દોષ નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં
તંત્રની શંકાસ્પદ ચુપકીદી સામે ઉઠતા સવાલો : જાણીતી બ્રાન્ડના નામે હલકી ગુણવત્તાનું તેલ વેચીને કરોડો રૂપિયા રળતા કાળાબજારીયાઓ સામે કડક કાનૂની કાર્યવાહીની ઉગ્ર માંગ : શું ફૂડ વિભાગ આંખ આડા કાન કરવાનું બંધ કરશે? : જાગૃત વાગડવાસીઓનો વેદક સવાલ
ભચાઉ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં તાજેતરમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થયા બાદ હવે સમગ્ર પંથકમાં નકલી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓના કાળા કારોબારનો મુદ્દો ફરી એકવાર સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાના એરણે ચડ્યો છે. વિશેષ કરીને કચ્છના સીમાવર્તી વાગડ વિસ્તારમાં તેમજ ભચાઉ સહિતના આસપાસના સેન્ટરોમાં નકલી અને ઝેરી ખાદ્યતેલનું બેફામ ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની જાગૃત નાગરિકોમાં વ્યાપક રાવ ઉઠી રહી છે. સ્થાનિક સ્તરે ચાલતી કેટલીક શંકાસ્પદ મિલો અને ગોડાઉનોમાં નામચીન અને જાણીતી કંપનીઓના ખાલી ડબ્બાઓમાં હલકી ગુણવત્તાનું કેમિકલયુક્ત તેલ પેક કરીને તેને અસલી બ્રાન્ડના નામે બજારમાં ઊંચા ભાવે વેચીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ખેલ ખેલાઈ રહ્યો છે. વાગડ વિસ્તારની મુખ્ય બજારોમાં મળતા સીંગતેલ તેમજ કપાસિયા તેલ સહિતના રોજીંદા વપરાશના ખાદ્યતેલોમાં મોટા પાયે ભેળસેળ કરીને તેને અસલીના નામે પધરાવી દેવાનું મોટું નેટવર્ક સક્રિય બન્યું છે.
આ સમગ્ર ગેરકાયદેસર અને ઘાતક કારોબાર કેટલાક સ્થાનિક મોટા આકાઓ અને વગદાર તત્વોની છત્રછાયા હેઠળ કોઈ પણ જાતના ડર વગર બિન્દાસપણે ચાલી રહ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૌથી શરમજનક બાબત તો એ છે કે પ્રજાના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાની જે તંત્રની પ્રાથમિક જવાબદારી છે તે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ આ સમગ્ર મામલે આશ્ચર્યજનક રીતે મૌન ધારણ કરીને બેસી રહ્યું છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચાઓ જાગી છે કે જ્યારે પણ આ બાબતે કોઈ તપાસના નાટક થાય છે ત્યારે ઊંચા સ્તરેથી આવતા રાજકીય કે આર્થિક દબાણોના કારણે તપાસનીશ અધિકારીઓ રીતસરના પાછા પગ ભરી લે છે અથવા સમગ્ર મામલાને રફેદફે કરી દે છે. જે રીતે પોલીસ તંત્ર દ્વારા બાતમીના આધારે નકલી દારૂની ફેક્ટરી પર દરોડો પાડીને ગુનેગારોનો સપાટો બોલાવી દેવાયો, તે જ ત્વરા અને કડકાઈ સાથે જો ખોરાક અને ઔષધ નિયમન વિભાગ વાગડ વિસ્તારની તેલ મિલો, ગોડાઉનો અને વેપારીઓને ત્યાં દરોડા પાડીને તેલના સેમ્પલ લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરે તો એક અત્યંત ચોંકાવનારૂં અને મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. જો તંત્ર કોઈ પણ પ્રકારના બાહ્ય દબાણ વગર નિષ્પક્ષ તપાસ કરશે તો અનેક વગદાર માથાંઓ અને મોટા આકાઓના નકાબ ઉતરી જશે અને તેઓ સીધા જેલના સળિયા પાછળ ધકેલાઈ જશે તેમાં કોઈ બેમત નથી. હવે જોવાનું એ રહે છે કે નિદ્રાધીન તંત્ર ક્યારે જાગે છે અને પ્રજાના જીવ સાથે રમત રમતા આ મિલાવટખોરો સામે ક્યારે લાલ આંખ કરે છે તેવી લાગણી જાગૃત વાગડવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Comments