Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉના રાજણસર ગામની સીમમાં રેેતીચોરીનો પર્દાફાશ : ૫૦ લાખનું હિતાચી મશીન જપ્ત : ખનીજચોરોમાં ફફડાટ

26 August

રાજકીય ઓથ વિના ખનીજચોરી સંભવ છે ખરી?




કલેક્ટર રાણાવાસિયાની સૂચનાથી મામલતદાર અને ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી; નદીમાં થયેલા ખનનની માપણી શરૂ, માફિયાઓ સામે કડક દંડ અને કાયદેસરની કાર્યવાહીની તૈયારી.



ગાંધીધામ : ભચાઉ તાલુકાના રાજણસર ગામની સીમમાંથી પસાર થતી નદીના વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર તંત્રએ લાલ આંખ કરી છે.  ભચાઉ મામલતદાર અને ખાણ-ખનીજ વિભાગ પૂર્વ કચ્છની ટીમે સંયુક્ત રીતે ઓચિંતી રેડ પાડીને બિનઅધિકૃત ખનન ઝડપી પાડ્યું છે.હિતાચી મશીન સીઝ કરી માપણી કામગીરી શરૂ કરવામાં આવી છે જેનાથી ખનીજચોરોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કચ્છ જિલ્લા કલેક્ટર રાણાવાસિયા સરની ખાસ સૂચનાના આધારે ભચાઉ મામલતદાર મોડસિંગ રાજપૂત તેમજ ખાણ-ખનીજ વિભાગના સુપરવાઈઝર ગૌરંગ પરમારની ટીમે રાજણસર ગામની સીમમાં સપ્રમાણ દરોડો પાડ્યો હતો. આ ત્રાટક દરમિયાન નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી રહેલું એક હિતાચી મશીન અંદાજિત કિંમત ૫૦ લાખ સ્થળ પરથી ઝડપાઈ ગયું હતું. મામલતદારે સ્થળ પર જ નદી વિસ્તારમાં કરાયેલા કુલ ખનનની ચોક્કસ માપણી કરવા ખાણ-ખનીજ વિભાગને સૂચના આપી છે. માપણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સરકારી નિયમ મુજબ દંડનો અંદાજિત આંકડો સ્પષ્ટ થશે. ખનન માફિયાઓ સામે સતત ઝુંબેશ ચાલુ રહેશે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પણ તંત્ર દ્વારા દરોડો પાડીને ૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજે ૧૦ થી ૧૫ લાખ સુધીનો દંડ વસૂલવામાં આવ્યો હતો. કલેક્ટરશ્રીની સ્પષ્ટ સૂચના મુજબ, સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓ સામે આ પ્રકારે સતત કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને તમામ ગુનેગારો સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

Comments

COMMENT / REPLY FROM