Trending News
સ્થાનિક સમાચાર

વીજ તંત્રમાં લાખોનું કરોડોનું સેટલમેન્ટ અને ગેરકાયદે કનેક્શનનું કૌભાંડ

26 August


ભુજમાં ૩૦૦થી વધુ મીટર ગાયબ થવા મામલે તંત્રનો મૌન :  વીજ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બોગસ લાઈનો ઊભી કરી કરોડો રૂપિયા ચાઉં કરી જવાનો ખેલ 


ભુજ - કચ્છઉદય : ભુજ અને ગ્રામ્ય વિસ્તારોમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના સંકુલમાં અધિકારીઓ અને ખાનગી કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આચરવામાં આવતા ભારે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. વીજ તંત્રના સ્ટોર અને વંડાઓમાંથી બારોબાર મટીરિયલ અને વીજ થાંભલા ઉપાડી જઈને ગેરકાયદેસર રીતે થ્રી-ફેઝ લાઈનો ઊભી કરવાનું અને કનેક્શનો આપી દેવાનું મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, વીજ ચેકિંગમાં આવતા લાખો રૂપિયાના દંડના બિલોમાં મોટું સેટલમેન્ટ કરીને તોડબાજી કરવામાં આવે છે. દંડથી બચાવવા માટે ગ્રાહકો પાસેથી તંત્રના વચેટિયાઓ મોટી રકમો પડાવીને કાગળ પર સેટલમેન્ટ કરી આપે છે અને બાદમાં રેકોર્ડ પર ચોપડે ચડેલા જૂના વાયરો, મીટર તેમજ મટીરિયલ બારોબાર સગેવગે કરીને કાળી કમાણી કરવામાં આવી રહી છે.
ભુજ અને આસપાસના વિસ્તારોમાં દબાણ વાળી જગ્યા ઉપર નગરપાલિકા દ્વારા એનઓસી ન અપાતી હોવાનો લાભ ઉઠાવીને આશરે ૩૦૦ જેટલા મીટરો બારોબાર ગાયબ કરી દેવાયા હતા. મકાનમાલિકો પાસે ૨૫ થી ૩૦ હજાર રૂપિયા જેવી મોટી રકમો વસૂલીને જૂના કે પીડી રેજિસ્ટરમાંથી ગાયબ કરાયેલા મીટરો ગેરકાયદેસર રીતે લગાડી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડ દાબી દેવા માટે ખેલ ખેલવામાં આવ્યો હતો અને બાદમાં પીડી રજિસ્ટર પણ ગાયબ કરી દેવાયું હતું. આ ગેરરીતિમાં સંકળાયેલા કર્મચારીઓની બદલી થવા છતાં તેમને તંત્ર કે કાર્યવાહીનો કોઈ ભય રહ્યો નથી. નિવૃત્ત થવા આવેલા કે બદલી પામેલા કર્મચારીઓને કાળી કમાણીમાંથી પૈસા મળી ગયા છે.
બીજીતરફ આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ખેતીવાડી અને પ્લોટિંગ વિસ્તાર ધરાવતા માધાપર જેવા વિસ્તારોમાં લાઈન શિફ્ટિંગના નામે કરોડો રૂપિયાની કમાણી કરી લેવામાં આવી છે. અધિકારીઓ અને લાઈન ઈન્સ્પેક્ટરોની આંખ આડા કાન કરવાની નીતિના કારણે કોન્ટ્રાક્ટરો બિન્દાસ્ત ગેરકાયદેસર લાઈનો ઊભી કરી રહ્યા છે. જે સરકારી અધિકારીઓ કડક ચેકિંગ કરીને માલસામાન જપ્ત કરતા હતા તેમની બદલીઓ થઈ જતાં વર્તમાન અધિકારીઓ અન્ય સ્થળે બદલી કરાવીને છટકવાના મુડમાં છે. તંત્રના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક લિખિત કાર્યવાહી કરી તેમના લાયસન્સ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સરકારી મટીરિયલની ચોરી અને ગેરકાયદે વીજ જોડાણોનું કૌભાંડ થંભવાનું નામ નહીં લે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.


................

વીજ દંડના નામે તોડબાજી અને મધ્યસ્થીઓનો ખેલ 

ભુજ : વીજ ચેકિંગ દરમિયાન ફટકારાતા લાખો રૂપિયાના દંડના બિલોમાં તોડબાજી આચરવાનું મોટું નેટવર્ક સક્રિય બન્યું છે. તાજેતરમાં સામે આવેલા કિસ્સામાં રૂ. ૪ લાખના દંડના વિવાદમાં મધ્યસ્થીઓ અને કર્મચારીઓની મિલીભગતથી રૂ. ૧.પ૦ લાખની આસપાસની રકમ સેટલમેન્ટના નામે વસૂલવામાં આવી હતી. જોકે, પાછળથી કમ્પ્યુટરાઈઝડ બિલ મોકલી આપીને ગ્રાહક સાથે વિશ્વાસઘાત કરાતાં વિવાદ સર્જાયો હતો. આ મામલે નાણાં પરત મેળવવા માટે ભારે ઘર્ષણ થતાં વીજ વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. આ અહેવાલ અત્રેથી પ્રસિદ્ધ થતા તેના પડઘા રાજકોટ અને અમદાવાદ કચેરી સુધી પહોંચ્યા છે. હાલ વીજ ચોરી કરનારને તોડની રકમ પરત કરી દેવામાં આવી અને તેના બીલ ભરવામાં પણ મદદ કરવામાં આવી હોવાની વાત જોહરમાં ચર્ચાઈ રહી છે. 


.......................

સરકારી સ્ટોકનો બારોબાર વપરાશ અને ગેરકાયદે લાઈનો 

ભુજ : ખાનગી મિલકતો અને દબાણ હેઠળની જમીનોમાં નિયમોને નેવે મૂકીને વીજ જોડાણો આપી દેવાનો ગંભીર ખેલ ચાલી રહ્યો છે. તંત્રના ગોડાઉનોમાંથી સરકારી મટીરિયલ, વાયરો અને વીજ થાંભલા કાગળ પર કોઈ નોંધ દર્શાવ્યા વિના બારોબાર ઉપાડી લેવાય છે. ખાનગી કોન્ટ્રાક્ટરો સાથે મળીને આચરવામાં આવતી આ ગોઠવણમાં કોઈ પણ જાતની મંજૂરી વગર અધરોઅધર થ્રી-ફેઝ લાઈનો ઊભી કરી દેવાય છે. સ્ટોક મેનેજમેન્ટની આ ગંભીર ત્રુટિ સામે તંત્રએ મૌન સેવી લીધું છે.

..............

એનઓસી કૌભાંડ : ૩૦૦થી વધુ મીટરો બારોબાર ગાયબ

ભુજ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા એનઓસી ના મળતી હોય તેવા વિસ્તારોમાં નકલી કનેક્શનો આપવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. નવા બાંધકામો ધરાવતા આસામીઓ પાસેથી રૂ. ૨૫ થી ૩૦ હજાર વસૂલીને આશરે ૩૦૦ જેટલા મીટરો બારોબાર ગોઠવી દેવાયા હતા. આ ગેરરીતિ ચોપડે ન ચડે તે માટે કમ્પ્યુટર સિસ્ટમમાં વિગતો ચડાવવાને બદલે મેન્યુઅલ રજિસ્ટર રાખવામાં આવતું હતું અને બાદમાં પુરાવાનો નાશ કરવા પીડી રજિસ્ટર જ ગાયબ કરી દેવાયું હોવાનો સનસનાટીભર્યો દાવો થયો છે.

....................

વિકાસના નામે નિયમોનો છેદઃ હોટેલ-રિસોર્ટ માટે બારોબાર લાઈનો 

ભુજ : સંવેદનશીલ અને ટૂરિઝમ ઝોન ધરાવતા વિસ્તારોમાં આકાર પામી રહેલા ખાનગી હોટેલ અને રિસોર્ટ પ્રોજેક્ટ્‌સમાં વીજ તંત્રના કાયદાઓનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. સરકારી વંડાઓ અને લાઈન ઈન્સપેક્ટરોની આંખ આડા કાન કરવાની નીતિના કારણે નિયમબદ્ધ પ્રક્રિયા અનુસર્યા વગર જ લાંબી લાઈનો ખેંચી દેવાય છે. જૂની કે બિનઉપયોગી લાઈનોનો ભંગાર જમા કરાવવાના બદલે બારોબાર અન્યને લાઈનો ગોઠવી સરકારી સુવિધાઓ ખાનગી માલિકોને ચરણોમાં ધરી દેવાય છે.


....................

લાઈન શિફ્ટિંગમાં કરોડોની કાળી કમાણી અને સ્થાવર મિલકતો 


ભુજ : ખેતીવાડી અને નવી વસાહતોમાં જમીનના વપરાશ બદલાતાં લાઈન શિફ્ટિંગ અને એડ્રેસ ફેરફારના નામે મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. નિયમોની બહાર જઈને કરાતા લાઈન શિફ્ટિંગના આ ખેલમાં તંત્રના અમુક કર્મચારીઓએ ટૂંકા ગાળામાં રૂ. ૨ કરોડ જેટલી રકમ ચાઉં કરી લીધી છે. આ કાળી કમાણીમાંથી આલીશાન બંગલા અને મોંઘીદાટ ગાડીઓ વસાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જે તપાસનો વિષય બન્યો છે.


.................

અધિકારીઓની ઉદાસીનતા અને કર્મચારીઓની બિન્દાસ નીતિ

ભુજ : વીજ કંપનીના અધિકારીઓ કડક નીતિ અપનાવવાના બદલે બદલી કરાવીને છટકવાની માનસિકતા ધરાવતા હોવાથી નિચલા સ્તરના કર્મચારીઓ બેફામ બન્યા છે. શિસ્તવિષયક કે શિક્ષાત્મક પગલાંનો કોઈ ભય ન રહ્યો હોય તેમ, બદલી પામેલા કે વિવાદમાં સપડાયેલા કર્મચારીઓ પણ જાહેરમાં દાવો કરી રહ્યા છે કે, અમને અમારો આર્થિક લાભ મળી ગયો છે, તંત્ર વધુમાં વધુ થોડા મહિના સસ્પેન્ડ કરશે, બાદમાં તો પગાર અને નાણાં મળવાના જ છે.

.................

ભુજમાં ડમી મીટર કૌભાંડ :  જુનિયર આસિસ્ટન્ટ સસ્પેન્ડ



પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવા સાથે બે શખસો સામે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કરાતાં વીજ કર્મચારીઓમાં ભારે ફફડાટ


ભુજ - કચ્છઉદય : ભુજમાં રૂ. ૩.૯૦ લાખની વીજચોરીમાં પકડાયેલા એક ગ્રાહકને ત્યાં ડમી મીટર લગાવી દેવાનું નવતર કૌભાંડ સામે આવતાં પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જ્યારે બે શખસો સામે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કરાતાં વીજ કર્મચારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. પીજીવીસીએલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત ૬ ઓગસ્ટના રોજ ભુજ શહેરમાં હાથ ધરાયેલી વીજ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન સીટી-૨ સબ ડિવિઝન હેઠળ આવતા જી.કે. જનરલ હોસ્પિટલ વિસ્તારની એક દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન વીજચોરી પકડાતાં વેપારીને રૂ. ૩.૯૦ લાખનું બિલ ફટકારવામાં આવ્યું હતું અને તેનું વીજ કનેક્શન કાપી નંખાયું હતું. તે પછી ૨૦ દિવસ સુધી વેપારી દ્વારા વીજચોરીની રકમ ભરપાઈ કરવામાં આવી ન હતી. દરમિયાન ભુજ શહેરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં જ્યાં ચોરી પકડાઈ હતી ત્યાં કનેક્શન ફરીથી સક્રિય થઈ ગયેલું માલૂમ પડ્યું હતું. આથી વેપારીની સઘન પૂછપરછ કરવામાં આવતાં સમગ્ર ઘટનાનો ભાંડાફોડ થયો હતો. વેપારીએ કબ્બુલાત કરી હતી કે ભુજના કોન્ટ્રાક્ટર કમ વચેટિયા સાથે વાતચીત કરીને વીજ કચેરીમાં ફરજ બજાવતા જુનિયર આસિસ્ટન્ટ ઓસમાણ સરકી સાથે રૂ. ૯૦ હજારમાં સેટલમેન્ટ કર્યું હતું. આ સેટલમેન્ટ મુજબ કાપી નાખવામાં આવેલા મીટરની જગ્યાએ બીજું ડમી મીટર લગાવીને પાવર સપ્લાય ફરી ચાલુ કરી દેવાયો હતો. આ કૌભાંડની જાણ વડી કચેરી સુધી પહોંચતાં પીજીવીસીએલના નવ નિયુક્ત મેનેજિંગ ડિરેક્ટર મહિપાલસિંહ ચુડાસમાએ તાબડતોબ કાર્યવાહી કરીને જુનિયર આસિસ્ટન્ટ ઓસમાણ સરકીને સસ્પેન્ડ કરી નલિયા બદલી કરી નાખી છે. આ ઉપરાંત કર્મચારી અને કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરવાના આદેશ અપાતાં પોલીસમાં અરજી આપી દેવામાં આવી છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ એકાદ-બે દિવસમાં આ મામલે વિધિવત પોલીસ ફરિયાદ દાખલ થશે અને જુનિયર આસિસ્ટન્ટની ધરપકડ થવાની પણ શક્યતા છે. 


............

શ્રાવણમાં મોંઘા મોબાઈલની ભેટ ધરી કડક કાર્યવાહીથી બચવા પ્રયાસ?


ભુજ : પીજીવીસીએલમાં એક પછી એક મટીરિયલ્સ અને ડમી મીટર કૌભાંડો બહાર આવતાં તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નવનિયુક્ત મેનેજિંગ ડિરેક્ટર દ્વારા ચાર્જ સંભાળતાં જ દોષિત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાતાં કૌભાંડી વીજ કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોતાના પર પણ શિસ્તભંગની તલવાર અદ્ધર લટકતી જોઈને આ કૌભાંડીઓ હવે પોતાનો બચાવ કરવા માટે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વીજ વર્તુળોમાં વહેતી થયેલી રસપ્રદ અને ચોંકાવનારી ચર્ચા મુજબ, કચેરીના અમુક કર્મીઓ પર કોઈ કડક પગલાં ન લેવાય, તપાસનું રોલર તેમના સુધી ન પહોંચે અને તેમને કાર્યવાહીમાં મોટી રાહત મળી જાય તે માટે ભારે ગોઠવણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને શ્રાવણ માસના પવિત્ર દિવસોનો લાભ લઈને મોંઘાદાટ અને લેટેસ્ટ મોડેલના સ્માર્ટ મોબાઈલ ફોનની નજરાણા તરીકે ભેટ ધરીને કડક સપાટાથી બચવાના અને આખી બાબત પર પડદો પાડવાના અણઘડ પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું વીજ વિભાગના આંતરિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રાવણી તહેવારોની આડમાં કરાયેલી આ મોબાઈલ ડિપ્લોમસી કેટલી સફળ રહેશે કે કેમ, તેના પર હવે આખા વીજ વિભાગની નજર મંડાયેલી છે.



 

Comments

COMMENT / REPLY FROM