Trending News
સ્થાનિક સમાચાર

લાલન કોલેજ દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું કરાયું આયોજન

25 August



ભુજ - કચ્છઉદય : અહીંની આર. આર. લાલન કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા “સંસ્કૃત સપ્તાહ મહોત્સવ” અંતર્ગત “સંસ્કૃત ગૌરવ યાત્રા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે વિદ્યાર્થીઓ તથા સમાજમાં ગૌરવની ભાવના જાગૃત થાય અને સંસ્કૃત ભાષાના મહત્ત્વનો પ્રચાર-પ્રસાર થાય તેવા ઉમદા હેતુથી આ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગૌરવ યાત્રામાં મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. સી. એસ. ઝાલા, સંસ્કૃત વિભાગના અધ્યક્ષશ્રી ડો. મેહુલ શાહ સર, સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડો. અત્રિકુમાર રાજગોર, પ્રાધ્યાપક મેહુલ પુરોહિત તથા પ્રાધ્યાપક માધવીબેન ધોળકિયા સહિત મહાવિદ્યાલયના અન્ય પ્રાધ્યાપકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પ્રાધ્યાપકોની ઉપસ્થિતિએ યાત્રાને વિશેષ ગૌરવ અને પ્રેરણાત્મક વાતાવરણ પૂરું પાડ્યું હતું. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં સંસ્કૃત મુખ્ય વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત મહાવિદ્યાલયના અન્ય વિષયોના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જ્ઞાનપરંપરાને ઉજાગર કરતાં વિવિધ સૂત્રો, સંસ્કૃત શ્લોકો અને સંદેશાઓ દ્વારા સંસ્કૃત પ્રત્યેનો પોતાનો પ્રેમ અને ગૌરવ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓમાં રહેલો ઉત્સાહ અને ઉમંગ સમગ્ર યાત્રા દરમિયાન સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
આ યાત્રા દરમિયાન ‘અસ્માકં ભાષા સંસ્કૃત ભાષા’, ‘ગ્રામે ગ્રામે નગરે નગરે સંસ્કૃત ભાષા’ જેવા સંદેશાઓ દ્વારા સંસ્કૃત ભાષાના મહત્ત્વને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંસ્કૃત માત્ર પ્રાચીન ભાષા નથી, પરંતુ ભારતીય જ્ઞાન, દર્શન, સાહિત્ય, વિજ્ઞાન અને સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાની આધારભૂત ભાષા છે, તેવો સંદેશ પણ આ યાત્રા દ્વારા આપવામાં આવ્યો હતો. આ ગૌરવ યાત્રા વિદ્યાર્થીઓ માટે માત્ર એક કાર્યક્રમ ન રહી, પરંતુ સંસ્કૃત ભાષા પ્રત્યે આત્મીયતા, અભિમાન અને જવાબદારીની ભાવના જગાડનારી પ્રેરણાત્મક પ્રવૃત્તિ બની રહી. પ્રાધ્યાપકોના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના ઉત્સાહપૂર્ણ સહભાગિતાથી યાત્રા સફળ અને યાદગાર બની હતી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના સંરક્ષણનો સુંદર સંદેશ સમાજ સુધી પહોંચ્યો હતો. આર. આર. લાલન કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા આયોજિત આ સંસ્કૃત ગૌરવ યાત્રા “સંસ્કૃત સપ્તાહ મહોત્સવ”ની એક ગૌરવપૂર્ણ અને નોંધપાત્ર પ્રવૃત્તિ બની રહી હતી. 
------

Comments

COMMENT / REPLY FROM