Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના પ્રાણ પ્રશ્નોના ઉકેલવામાં ભાજપ સરકાર નિષ્ફળ 

25 August


ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ : સંગઠન મજબૂત કરવા અને શિસ્ત જાળવવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું આહવાન : ભાજપ અને આપના ૧૦૦થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા : ખેડૂતો, અછત, નર્મદાના પાણી અને શિક્ષણના મુદ્દે સરકાર સામે ચાર મહત્વના ઠરાવો પસાર કરાયા

ભુજ - કચ્છઉદય : ભુજ સ્થિત ટાઉન હોલ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની અગત્યની કારોબારી બેઠક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. વંદે માતરમ ગીતના ગાન સાથે શરૂ થયેલી આ બેઠકમાં પ્રદેશના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી, જિલ્લા પ્રભારી યાસીન ગજ્જણ અને સહ પ્રવક્તા હિરેન બેંકર સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન જ ભાજપ અને આમ આદમી પાર્ટીના ૧૦૦થી વધુ આગેવાનો તથા કાર્યકરોએ પ્રદેશ પ્રમુખના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને પક્ષમાં પ્રવેશ કર્યો હતો. સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે જણાવ્યું હતું કે કચ્છમાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો, બેરોજગારી, નર્મદાનું પાણી, માલધારી, શિક્ષણ અને આરોગ્ય જેવા અનેક કનડતા પ્રશ્નો અંગે કોંગ્રેસ સતત આંદોલનો કરી રહી છે, પરંતુ ભાજપ સરકાર નિષ્ફળ રહી છે.
બેઠકને સંબોધતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કચ્છમાં વરસાદ ખેંચાતાં સર્જાયેલી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે માંગ કરી હતી કે સરકાર તાયફા છોડીને કચ્છને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરે. રાપર અને લોડાઈ વિસ્તારમાં વીજ પોલ સામે ખેડૂતોના ચાલી રહેલા આંદોલન મુદ્દે સરકાર મૌન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે કચ્છમાંથી કરોડો રૂપિયાની રોયલ્ટી અને વર્ષે રૂ. ૮ હજાર કરોડથી વધુ જીએસટી મેળવતી સરકાર કચ્છને પાયાની સુવિધાઓ આપવા બાબતે વંચિત રાખી રહી છે. આગામી ૨૦૨૭ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને પાયાના સ્તરે સંગઠન મજબૂત કરવા અને પ્રજા સુધી પહોંચવા તેમણે આહવાન કર્યું હતું. મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ અંતરિયાળ કચ્છમાં શિક્ષકો-આચાર્યોની અછત અને જર્જરિત શાળાઓને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ કારોબારી બેઠકમાં સર્વાનુમતે ચાર મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. પ્રથમ ઠરાવમાં વરસાદ ખેંચાવાથી પશુધનને બચાવવા ઘાસચારાની તાકીદે વ્યવસ્થા કરવા અને કચ્છને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરાઈ હતી. બીજા ઠરાવમાં ભાવનગરના લઠ્ઠાકાંડની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. ત્રીજા ઠરાવમાં વારંવાર તૂટતી નર્મદાની કેનાલોની ખામીઓ સુધારી ખેડૂતોના પાક માટે તાત્કાલિક પાણી છોડવા તેમજ ખેડૂતોના દેવાં માફ કરવાની માંગ કરાઈ હતી. જ્યારે ચોથા ઠરાવમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવામાં નિષ્ફળ ગયેલા કચ્છના શિક્ષણ મંત્રી, ધારાસભ્યો અને સાંસદના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. આ બેઠકમાં આદમભાઈ ચાકી, પૂર્વ ધારાસભ્ય વાલજી દનીચા, ઇબ્રાહીમ મંધરા, નીતેશ લાલણ, કલ્પનાબેન જોશી સહિત જિલ્લાના અનેક અગ્રણીઓ, તાલુકા-શહેર પ્રમુખો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીનું સંચાલન જિલ્લા ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજાએ અને આભારવિધિ શહેર પ્રમુખ કિશોરદાન ગઢવીએ કરી હતી.
---------- 

Comments

COMMENT / REPLY FROM