કચ્છના ૪ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં વિલંબથી આક્રોશ
લખપત ૭પ મીમી, અંજાર ૯૭ મીમી, અબડાસા ૪૭ મીમી અને માંડવી ૯૧ મી.મી. સહિત ૪ તાલુકામાં ૧રપ મી.મી.થી ઓછો વરસાદ
નલિયા - કચ્છઉદય : કચ્છના ૧રપ મીલીમીટર કરતા ઓછા વરસાદવાળા ૪ તાલુકાઓમાં હાલ આનાવારીના અભાવે અછત જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો હોઈ પશુપાલકો અને ખેડુતોની હાલત કફોડી હોઈ સરકાર દ્વારા પ્રક્રિયાઓનો વિલંબ ટાળી તાત્કાલિક આનાવરી કરાવી અછત જાહેર કરે તેવી લાગણી કચ્છમાં પ્રવર્તી રહી છે.
કચ્છમાં આ વરસે વરસાદની સિઝન દરમ્યાન અમુક તાલુકાઓમાં સારો વરસાદ થયો હતો જ્યારે અમુક તાલુકાઓ હજુ સુધી વરસાદની રાહ જોઈ રહ્યા છે. સમગ્ર કચ્છની વાત કરીએ તો લખપત ૭પ મી.મી, અંજાર ૯૭ મી.મી., અબડાસા ૪૭ મી.મી અને માંડવી ૯૧ મી.મી. સહિત ૪ તાલુકામાં ૧રપ મી.મી.થી ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે રાપર, ભચાઉ, ભુજ, નખત્રાણા, મુંદ્રા અને ગાંધીધામ સહિત ૬ તાલુકામાં ૧રપ મી.મી. કરતા વધુ વરસાદ નોંધાયો હોઈ આ તાલુકા અછતથી બહાર નીકળી ગયા છે.વિવિધ પદાધિકારીઓ અને પાંજરાપોળો દ્વારા કચ્છને હાલની ઘાસ-પાણીની તંગીને ધ્યાને લઈ અછત જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. વાસ્તવિક પરિસ્થિતિ પણ તે મુજબ છે. કલેક્ટર દ્વારા રાહતના પ્રાથમિક પગલા તરીકે ઘાસડેપો શરૂ કરાયા હતા પણ તે પુરતા ન હોઈ અછત રાહતના વ્યાપક પગલા લેવા માટે માંગ થઈ રહી છે.તે વચ્ચે અછત મેન્યુઅલ મુજબ આનાવારી સહિતની પ્રક્રિયાઓ કરવાની બાકી હોઈ કચ્છના વાવણી લાયક વરસાદ ન થયો હોય તેવા ૪ તાલુકામાં આનાવારી સહિતની પ્રકિયાઓ કરવાની બાકી હોઈ હાલ અછત જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આ અંગે અનેક ધારાસભ્યોના અંગત મદદનીશ રહી ચુકેલા કોંગ્રેસના નેતા અને હાલ રાજકારણ અને વ્યવસાયથી નિવૃત્ત થઈ શિક્ષણ સેવા ક્ષેત્રે સક્રિય એવા ભીમજીભાઈ વડોરને પુછતા તેમણે જણાવ્યું હતું કે જ્યારે ઓગષ્ટના અંત સુધી વાવણીલાયક વરસાદ ન પડે તો સરકારશ્રી સપ્ટેમ્બર મહિનામાં આનાવારી કરી શકે છે, જે નજરે આનાવારી કરી શકાય શકે એટલે કે અન્ય કોઈ પ્રકિયા કર્યા શિવાફ ખેતરોને નજરથી જોઈને આનાવારી કરી શકાય છે.જ્યારે ૪ તાલુકામાં વરસાદ જ નથી પડયો ત્યારે ઓક્ટોબર મહિનાની રાહ ન જોવાય. સેટેલાઈટ દ્વારા પણ જોઈને સરકારશ્રી આનાવારી જાહેર કરી શકે છે.રાજ્ય સરકારને વહેલી આનાવારી કરવાની સત્તા છે જે દ્વારા કલેક્ટરશ્રીને આદેશ કરીને આનાવારી કરી શકાય છે જેને નીલ આનાવારી કહેવાય છે.
હાલની પરિસ્થિતિ નજરે પશુધન અને માનવોની હિજરત ટાળવા અને ભુખમરાથી બચાવવા સરકારશ્રી દ્વારા તાત્કાલિક આનાવારી સહિતની પ્રક્રિયાઓનો વિલંબ ટાળી અછત જાહેર કરાય તેવી કચ્છની માંગ પુર્ણ કરાય તેવી લાગણી અછતગ્રસ્ત તાલુકાની જનતામાં છે.

Comments