માંડવી અને મુન્દ્રામાં અંગ્રેજી અને દેશી દારૂનું બેફામ વેચાણ
માંડવી તાલુકાના ગઢશીશા, બિદડા, કોડાય, દુર્ગાપુર તો મુન્દ્રાના કપાયા, ભુજપુર નજીક, વડાલા નજીક દુરર્ગમ વિસ્તારમાં ચાલતા દારૂના હાટડા : અહી થયેલા વિકાસના કારણે આવેલા પરપ્રાંતિયા માટે દેશી દારૂની ભઠ્ઠીઓનો પ્રમાણ વધ્યો : અંગ્રેજી દારૂમાં મિલાવટની આશંકાને પગલે દેશી દારૂની માંગમાં ઉછાળો : પોલીસ જેટલો દારૂ પકડે છે, તેનાથી અનેકગણો વધુ ખુલ્લેઆમ વેચાય છેઃ સ્થાનિકોનો આક્ષેપ
ભુજ : ભાવનગરમાં સર્જાયેલા ગોઝારા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસે દારૂબંધીના કડક અમલનો દેખાડો શરૂ કર્યો છે. પરંતુ, કચ્છના માંડવી અને મુન્દ્રા તાલુકામાં ગ્રાઉન્ડ ઝીરો પર વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અહીં દારૂ પકડવાની ઝુંબેશ માત્ર એક નાટક સમાન બની રહી હોય તેવો ઘાટ સર્જાયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની બોલબાલા ચરમસીમાએ પહોંચી છે. મુન્દ્રા તાલુકામાં પોર્ટ તેમજ અન્ય અનેક મોટી ખાનગી કંપનીઓ આવેલી છે. બીજી તરફ, માંડવી તાલુકાના ગામડાઓમાં ખનીજ (માઇનિંગ) અને પવનચક્કીઓની કામગીરી મોટા પાયે ચાલી રહી છે. આ વિસ્તારોમાં શ્રમિકો અને બહારથી આવતા લોકોની ભારે ભીડ રહે છે, જેનો સીધો ફાયદો બુટલેગરો ઉઠાવી રહ્યા છે. આ બંને તાલુકાઓના ગામડાઓમાં હાલ દેશી દારૂનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં એક નવો ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે. અંગ્રેજી (વિદેશી) દારૂ પીનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને લોકો દેશી દારૂ તરફ વળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રોયલ સ્ટેગ જેવી જાણીતી બ્રાન્ડના અંગ્રેજી દારૂમાં મોટા પાયે મિલાવટ અને ડુપ્લીકેશન થતું હોવાની વ્યાપક ફરિયાદો છે. ભેળસેળવાળા દારૂથી સ્વાસ્થ્યને થતા નુકસાનના ડરથી લોકો હવે ખુલ્લેઆમ મળતા દેશી દારૂને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેના કારણે ગામડાઓમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમવા લાગી છે. લાંબા સમયથી આ બંને તાલુકાઓમાં દારૂનો કારોબાર ચાલી રહ્યો છે, છતાં નક્કર કાર્યવાહીનો અભાવ છે. સ્થાનિક લોકોનો સીધો આક્ષેપ છે કે પોલીસ દારૂ પકડવાનું માત્ર નાટક કરી રહી છે. સમયાંતરે પોલીસ દરોડા પાડીને થોડો ઘણો જથ્થો પકડી પાડે છે અને કામગીરી બતાવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પોલીસ જેટલો દારૂ જપ્ત કરે છે, તેનાથી અનેકગણો વધુ દારૂ રોજિંદા ધોરણે અહીં ખુલ્લેઆમ વેચાઈ જાય છે. આ પરિસ્થિતિ જોતાં સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર કોઈ મોટા લઠ્ઠાકાંડની રાહ જોઈ રહ્યું છે? શું સ્થાનિક પોલીસ કડક કાર્યવાહી કરીને આ દારૂના દૂષણને ડામવામાં સફળ રહેશે તેવો સવાલ ઉભો થયો છે.

Comments