Trending News
સ્થાનિક સમાચાર

અનોપ-રઘુ-પુનિયા અને દિવાન ની બુટલેગર મંડળી ફરી મેદાનમાંઃ મહેસાણાથી કચ્છ સુધી દારૂનું નવું નેટવર્ક સક્રિય’

24 August

પશ્ચિમ કચ્છમાં દારૂની રેલમછેલની ફરી છૂટઃ કોણે આપી લીલીઝંડી? 



કડી જેલમાં આઠ-દસ મહિના રહેલો પુનિયો ત્યાંથી જ ‘લાઈન’ ગોઠવીને બહાર આવ્યો! હવે તાડપત્રી ઢાંકીને ખુલ્લેઆમ ઘુસાડાવાય છે વિદેશી દારૂનો જથ્થો : ગોડાઉન-સંગ્રહ મહેસાણામાં રખાય છે ત્યાથી પ૦-૧૦૦ પેટીઓ ગાડીઓમાં ભરી ભરીને પશ્ચીમ કચ્છ તરફ લાવી જિલ્લામાં કટીંગ કરી હેરફેર કરવાનો અજમાવાયો છે નવો નુસખો


ગાંધીધામ : પશ્ચિમ કચ્છમાં શાંત પડેલું દારૂનું કાળું નેટવર્ક ફરી એકવાર ધમધમવા લાગ્યું છે. વિદેશી દારૂની રેલમછેલ કરવા માટે ચોક્કસ બુટલેગરોને ફરી છૂટો દોર મળી ગયો હોવાની ચર્ચા સાથે સ્થાનિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચ્યો છે. નાની-નાની ખેપો મંગાવીને પશ્ચિમ કચ્છના ખૂણે-ખૂણે દારૂ પહોંચાડવા માટે અનોપ, રઘુ, પુનિયો અને દિવન નામની સિન્ડિકેટ નવા નુસખા અને પેતરા સાથે મેદાનમાં ઉતરી ચૂકી છે.સૂત્રોના જણાવ્યા મુજબ, બુટલેગર પુનિયો જ્યારે કડી જેલમાં આઠથી દસ મહિના સુધી બંધ હતો, ત્યારે જ તેણે જેલના સળિયા પાછળ બેસીને જ દારૂના સપ્લાયની આખી લાઈન ગોઠવી લીધી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ હવે મહેસાણા ખાતે મકાન અને ગોડાઉન ભાડે રાખીને ૫૦થી ૧૦૦ પેટીઓનો જથ્થો એકઠો કરવાની ગોઠવણ કરી લેવામાં આવી છે. ત્યાંથી તાડપત્રી ઢાંકેલી ગાડીઓમાં ખુલ્લેઆમ કચ્છ તરફ દારૂનો જથ્થો રવાના કરવામાં આવી રહ્યો છે. ખાખીનો કોઈ જ ભય ન હોય તેમ આ ટોળકી બેફામ બની છે.હજુ બે દિવસ પહેલા જ પ્રાગપર પોલીસ મથકની હદમાંથી ભુજ તરફ જઈ રહેલી એક ગાડીમાંથી રૂ. ૧૬ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ છતાં, આ બુટલેગરો થોડી-થોડી પેટીઓ મોકલીને મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે.પશ્ચિમ કચ્છમાં અચાનક જ આ ચારેય બુટલેગરોને દારૂના કારોબાર માટે કોણે મંજૂરી આપી? શું સ્થાનિક લેવલે કોઈ ગોઠવણ થઈ ગઈ છે જેના કારણે 
પોલીસ કાર્યવાહીનો કોઈ ડર જ રહ્યો નથી? પ્રાગપરમાં માલ પકડાયા બાદ પણ બુટલેગરોની ‘જીગર’ વધી રહી છે ત્યારે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ અનોપ-રઘુ-પુનિયા-દિવન મંડળી પર કેવા કડક પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

Comments

COMMENT / REPLY FROM