Trending News
સ્થાનિક સમાચાર

ભુજ પીજીવીસીએલમાં બોગસ મીટર કૌભાંડ- વીજચોરીમાં તોડની ગંધ

22 August


જૂના મીટરોના ગેરઉપયોગથી લાખો રૂપિયાની વીજચોરી દબાવાતી હોવાના આક્ષેપો

ભુજ હોસ્પિટલ રોડ નજીક “ચંદન” જેવી ખુશ્બુ અને “દીર્ઘ દ્રષ્ટિ” જેવી નજર રાખતો વીજ તંત્રનો તેના અમુક ભ્રષ્ટ અધિકારી અને કર્મચારી સાથે કોન્ટ્રાકટ બેજના કર્મચારીઓ દ્વારા ચાલતો કારસ્તાન હાલ ચર્ચામાં : જો અહી આવેલા સબંધિત ઠામોના સીસીટીવી કેમેરાઓની ચકાસણી કરવામાં, સીડીઆર ફુટેજ મેળવાય તો આખાય પ્રકરણના મુખ્ય સુત્રધાર સુધી સરળતાથી રેલો લંબાય


અગાઉ પીજીવીસીએલ તંત્રથી રપ૦થી વધુ જેટલા મીટરો ગુમ થયા હતા, તે કયા વાહન રીપેરીંગ કરવાવાળાની દુકાનમાથી કોણે કર્યા હતા બરામદ? મીટર સંદર્ભેનું મહત્વપૂર્ણ લોગ રજિસ્ટર પીજીવીસીએલમાંથી ગુમ થયુ હોવાની છે ચર્ચા? આ રજિસ્ટર કોણે ગુમ કર્યુ? કેવા ઈરાદો આ રજિસ્ટરને ગુમ કરી દેવાયુ? સરકારી આટલુ મહત્વપૂર્ણ રેકર્ડ ગુમ થઈ જાય અને જવાબદાર અધીકારીઓ અંધારામાં હોય કે બેખબર રહે તેવુ બને ખરૂ? રાજકોટ વિજવર્તુળ કચેરીએથી જો આ પ્રકરણોની ઉંડી તપાસ કરવમાા આવશે તો તેરી ભી ચુપ - મેરી ભી ચુપના તાલે ચાલી ગયેલા આખાય કૌભાંડના નેટવર્ક પરથી પડદો ઉચકાશે 



ભુજ - કચ્છઉદય : પીજીવીસીએલમાં બોગસ મીટર લગાવી વીજચોરીના મોટા કેસો દબાવી દેવા તેમજ વીજચોરી કરનારાઓ પાસેથી કથિત રીતે લાખો રૂપિયાના તોડ કરવામાં આવતા હોવાની ચર્ચાથી વીજ વિભાગના વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે. જોકે આ તમામ બાબતો હાલ આક્ષેપો અને આધારભૂત વર્તુળોમાં થતી ચર્ચાના આધારે સામે આવી રહી છે અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તથા સત્તાવાર તપાસ થાય તે જરૂરી બન્યું છે.
ચર્ચાતી વિગતો મુજબ વીજબીલના રીડિંગ અને બિલિંગ કામગીરી માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી હંગામી કર્મચારીઓ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન વીજચોરીના મોટા કેસો તથા અસામાન્ય રીતે વધેલા વીજબીલની માહિતી મળ્યા બાદ કેટલાક લોકો દ્વારા જૂનું મીટર ગેરકાયદેસર રીતે બદલીને ઓછું રીડિંગ આપતું મીટર લગાવી દેવામાં આવતું હોવાની ચર્ચા છે. ત્યારબાદ વીજચોરીના કેસમાં મોટી રકમ ભરવાની સ્થિતિમાં આવેલા ગ્રાહકો પાસેથી કથિત રીતે મોટી રકમનો તોડ કરી સમગ્ર મામલો દબાવી દેવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો ચર્ચામાં આવ્યા છે.
“ભુજ હોસ્પિટલ રોડ નજીક “ચંદન” જેવી ખુશ્બુ અને “દીર્ઘ દ્રષ્ટિ” જેવી નજર રાખતો વીજ તંત્રનો તેના અમુક ભ્રષ્ટ અધિકારી અને કર્મચારી સાથે કોન્ટ્રાકટ બેજના કર્મચારીઓ દ્વારા ચાલતો કારસ્તાન હાલ ચર્ચામાં આવી ગયો છે. ભુજના હોસ્પિટલ રોડની આસપાસના વિસ્તારમાં પણ આ પ્રકારની કામગીરી થઈ હોવાની ચર્ચા છે. આધારભૂત વર્તુળોમાં થતી ચર્ચા મુજબ વીજ ચોરીમાં આશરે ચાર લાખ રૂપિયાની દંડ અપાયા બાદ તેના સાથે એકથી દોઢ લાખની માડવાણી કરી દેવામાં આવી હોવાની ચર્ચાએ ગરમી પકડી છે. વીજ તંત્રમાં અને શહેરમાં ચર્ચાતી વિગતો મુજબ વીજબીલ બાકી હોવાનું જાણવા મળ્યા બાદ વીજચોરીના કેસને દબાવવા માટે એક લાખથી વધુ રકમનો કથિત તોડ કરવામાં આવ્યો હતો અને જૂનું મીટર બદલીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ થયાની વાત સામે આવી રહી છે. 
આ સમગ્ર પ્રકરણમાં વિભાગ સાથે સંકળાયેલા કેટલાક લોકોની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. કથિત રીતે બોગસ મીટર લગાવવાની કામગીરી સાથે સંકળાયેલા લોકો વચ્ચે નાણાંની લેવડદેવડ અંગેની ચર્ચાઓ પણ બહાર આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે જાહેર માર્ગો પર થયેલી કથિત નાણાંકીય લેવડદેવડ અને મુલાકાતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાની વિગતો પણ ચર્ચામાં છે. જો આ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની સત્તાવાર તપાસ કરવામાં આવે તો સમગ્ર કૌભાંડ અને ભ્રષ્ટાચાર અંગેની મહત્વની વિગતો બહાર આવી શકે છે. 
ચર્ચાતી માહિતી મુજબ સ્માર્ટ મીટર લગાવતી વખતે ઉતારી લેવામાં આવેલા જૂના મીટરોમાંથી મોટી સંખ્યામાં મીટરોનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હોવાની પણ આશંકા છે. તાજેતરમાં આવા આશરે ૩૦૦ જેટલા જૂના મીટરો શહેરના વાહન રેપેરીંગ કરવા વાળા પાસેથી મળી આવ્યા હોવાની વાત પણ સામે આવી છે. સામાન્ય રીતે કયું જૂનું મીટર ઉતારવામાં આવ્યું અને તેની જગ્યાએ કયું નવું મીટર લગાવવામાં આવ્યું તેની નોંધ પીજીવીસીએલના રેકોર્ડમાં હોવી જોઈએ. પરંતુ આ અંગેનું ‘પી.ડી. રજીસ્ટર’ ગુમ થયેલું હોવાની ચર્ચાએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. જો આ રજીસ્ટર, મીટરોના સીરિયલ નંબર, સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીના રેકોર્ડ, ગ્રાહકોના વીજચોરીના કેસો તથા સંબંધિત સીસીટીવી ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી આવા કેટલા કેસોમાં સમાધાનના નામે કથિત તોડ કરવામાં આવ્યો હતો તેની વિગતો બહાર આવી શકે છે. 
સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો સવાલ એ છે કે જો વીજચોરીના કેસો કાયદેસરની પ્રક્રિયા મુજબ નોંધાતા હોય તો જૂના મીટરો ક્યાંથી અને કેવી રીતે બદલાતા હતા? મીટર બદલવાની સત્તાવાર નોંધ ક્યાં છે? ગુમ થયેલા રજીસ્ટરમાં શું વિગતો હતી? આશરે ૩૦૦ જૂના મીટરોનો ઉપયોગ શા માટે અને કોના દ્વારા કરવામાં આવ્યો? તેમજ સીસીટીવી ફૂટેજ અને કથિત નાણાંકીય લેવડદેવડની તપાસ કરવામાં આવી છે કે નહીં? આ તમામ સવાલોના જવાબ માટે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ જરૂરી બની છે.
આક્ષેપો સાચા હોય તો માત્ર એકાદ કર્મચારી સામે કાર્યવાહી કરવાથી નહીં, પરંતુ સમગ્ર કથિત નેટવર્કની તપાસ કરી છેલ્લા કેટલાક વર્ષોના વીજચોરીના કેસો, મીટર બદલવાની નોંધો, વસૂલાતની વિગતો, જૂના મીટરોનો સ્ટોક, સીસીટીવી ફૂટેજ તથા સંબંધિત અધિકારીઓ અને ખાનગી માણસોની ભૂમિકા તપાસવી જરૂરી છે. આ મામલે પીજીવીસીએલ દ્વારા પારદર્શક તપાસ હાથ ધરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.


......................

પીજીવીસીએલ ગેરકાયદેસર નાણા લઈને વીજળીની લાઈનો ફેરવવાનો કૌભાંડ

ભુજ :  પીજીવીસીએલની કચેરીના ચોપડામાં જરૂરી અરજી કે સત્તાવાર નોંધ કર્યા વિના જ નાણાં લઈને વીજળીની લાઈનો ફેરવવા કે હટાવવાની કામગીરી કરવામાં આવતી હોવાની પણ ચર્ચા છે. ભુજોડીના પુલ નજીક બહારગામની એક મોટી પાર્ટીના નવા બાંધકામ માટે વીજળીની લાઈન તાત્કાલિક હટાવવાની જરૂરિયાત ઊભી થતાં કોઈ સત્તાવાર નોંધ કે અરજી વિના આશરે પાંચ લાખ રૂપિયાના કથિત તોડથી લાઈન હટાવવામાં આવી હોવાની વાત પણ જાણકાર વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. જો આ બાબત સાચી હોય તો તેમાં સંકળાયેલા સરકારી તથા ખાનગી વ્યક્તિઓની ભૂમિકા તપાસનો વિષય બને છે.વિભાગીય ચોપડાઓ, જૂના નકશા અને વર્તમાન સ્થળ પરની વીજ લાઈનોની તુલનાત્મક તપાસ કરવામાં આવે તો આવી અન્ય અનેક ગેરરીતિઓ બહાર આવવાની શક્યતા હોવાની ચર્ચા છે. કેટલાક જાણકાર વર્તુળો દ્વારા નાણાંની ભાગબટાઈ અંગેની કથિત વાતચીતનું રેકોર્ડિંગ પણ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આ રેકોર્ડિંગની સત્યતા અને તેમાં રહેલા અવાજની ઓળખ સહિતની બાબતોની પણ નિષ્ણાતો દ્વારા તપાસ જરૂરી છે.


 

Comments

COMMENT / REPLY FROM