કચ્છી લેવા પટેલ સમાજનાં ખેલાડી કેયુર આશાણીની ૧૧મી એશિયન યુથ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ભારતીય ટીમમાં પસંદગી
ભુજ - કચ્છઉદય : માંડવી તાલુકાના ભારાપર (દુર્ગાપુર) ગામના વતની અને ઉભરતા આશાસ્પદ હેન્ડબોલ ખેલાડી આશાણી કેયુર હરજીભાઈની ૧૧મી એશિયન યુથ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થઈ છે. રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની આ સિદ્ધિથી કચ્છ જિલ્લાનું અને સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ દેશ-વિદેશમાં વધ્યું છે. કેયુર આશાણીએ પોતાનો પ્રાથમિક તથા માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધોરણ ૮ થી ૧૧ સુધીનો અભ્યાસ માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય ભુજ ખાતે કર્યો હતો. અભ્યાસની સાથોસાથ ધોરણ ૮ થી ૧૧ દરમ્યાન તેણે કચ્છી લેવા પટેલ સમાજ કુમાર વિદ્યાધામમાં રહીને ૪ વર્ષ સુધી હેન્ડબોલ કોચ જેતાભાઇ રબારી પાસે રમતની સઘન અને શિસ્તબદ્ધ તાલીમ મેળવી હતી.
પોતાની મહેનત અને સમર્પણના બળે તે ૪ વર્ષ સુધી કચ્છ જિલ્લાની હેન્ડબોલ ટીમ તરફથી રમી ચૂક્યો છે અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ૨ વખત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પણ પોતાના શ્રેષ્ઠ કૌશલ્યનો પરિચય આપ્યો છે. તેની રમત પ્રત્યેની લગન અને શાનદાર પ્રદર્શનને ધ્યાને રાખીને વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મહેસાણા સ્થિત સ્ટેટ હેન્ડબોલ એકેડેમીમાં તેની પસંદગી કરવામાં આવી હતી, જ્યાં તે છેલ્લા ૧ વર્ષથી વધુ ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવી રહ્યો છે. હેન્ડબોલ એસોસિએશન ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ સત્તાવાર પત્ર અનુસાર, કેયુર આશાણી ૨૦ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ દરમ્યાન અમ્માન (જોર્ડન) ખાતે યોજાનાર ૧૧મી એશિયન મેન્સ યુથ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ વતી મેદાનમાં ઉતરી પોતાની રમતનું કૌશલ્ય દાખવશે. આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં દેશ વતી રમવા જતાં પહેલાં, તેણે ૨૫ જુલાઈથી ૧૮ ઓગસ્ટ સુધી લખનૌ (ઉત્તર પ્રદેશ) ખાતે આયોજિત ભારતીય ટીમના વિશેષ રેસિડેન્શિયલ તાલીમ અને પ્રિપેરેશન કેમ્પમાં સક્રિયપણે ભાગ લઈને સઘન તૈયારીઓ કરી હતી.
એશિયન યુથ હેન્ડબોલ ચેમ્પિયનશિપ જેવા વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ કચ્છના રમતગમત ક્ષેત્ર માટે ખૂબ જ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે. કેયુરની આ અભૂતપૂર્વ સફળતા બદલ કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડીકલ ટ્રસ્ટ ભુજના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, કચ્છી લેવા પટેલ યુવકસંઘ ભુજની ત્રણેય પાંખના સૌ ટ્રસ્ટીઓ, સંસ્થાના રમતગમતના સંચાલક ટ્રસ્ટી રામજીભાઈ સેંઘાણી, માતૃશ્રી આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયના સંચાલક ટ્રસ્ટી વિનોદભાઈ પિંડોરિયા તથા પ્રિન્સિપાલ કોમલબેન ઠક્કર, કુમાર વિદ્યાધામના વ્યવસ્થાપક ભરતભાઈ જોશી, શાળાના વ્યાયામ શિક્ષક સચિનભાઈ વાગડિયા સહિત સમગ્ર લેવા પટેલ સમાજ, શાળા પરિવાર અને ખેલપ્રેમીઓ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે તેમજ જોર્ડન ખાતે રમાનાર ચેમ્પિયનશિપમાં તે ભારતીય ટીમ માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરે તેવી ઉષ્માભરી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
-----

Comments