કચ્છમાં ‘જળ સંચય’ના નામે કરોડોની ખનીજચોરીનું મોટું કૌભાંડ! તળાવો ઊંડા કરવાના બહાને માટી બારોબાર વેચવાનો ધીંકતો ધંધો
ઝભ્ભાલેંગાવાળાઓની ઓથ વગર ખનીજચોરી થાય જ નહી?
ભુજ તાલુકાના નાના વરનોરા ગામમાં પંચાયતને અંધારામાં રાખી બે તળાવોનું કામ પૂરૂં કરી દેવાયુંઃ સિંચાઈ વિભાગ ચલાવી રહ્યુ છે ઘરની ધોરાજી
સિંચાઈ વિભાગના નામે લોકશાહી અને નિયમોનું નેવે મૂકાતું ચીરહરણઃ અબડાસા-લખપત સહિત કચ્છવ્યાપી રેન્ડમ તપાસ કરવી જોઈએ
ગાંધીધામ : કચ્છ જિલ્લામાં એક તરફ સરકાર જળ સંચય અને જળ સંરક્ષણ માટે તળાવો ઊંડા કરવાની મોટી મોટી વાતો કરે છે, તો બીજી તરફ આ જ યોજનાઓની આડમાં કરોડો રૂપિયાની ખનીજચોરી અને રોયલ્ટી તસ્કરીનું સુઆયોજિત કૌભાંડ ફૂલ્યું-ફાલ્યું હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. કચ્છના નાના વરનોરા ગામે તળાવો ઊંડા કરવાના નામે ગામલોકોને અને પંચાયતને અંધારામાં રાખી માટી બારોબાર ઉસેડીને વેચી મારવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે જાગૃત નાગરિકોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે.
નાના વરનોરા ગામે આવેલા બે તળાવોમાં પંચાયતને કોઈ જ પ્રકારની જાણ કર્યા વગર કે મંજૂરી લીધા વગર કામ પૂર્ણ પણ કરી દેવાયું છે! આ અંગે જ્યારે સ્થાનિક મહેસુલી અધિકારીઓ અને તલાટીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે અજાણતા દર્શાવી હતી કે, “આ કામ કોણ કરાવી રહ્યું છે તેની આપણને ખબર જ નથી! “આ કામ સિંચાઈ વિભાગ હસ્તકનું હોવાથી ગ્રામ પંચાયત કક્ષાએથી મંજૂરી મેળવવાની રહેતી નથી. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે, શું સિંચાઈ વિભાગના નામે ગામના સરપંચ, પંચાયત કે ગ્રામજનોને અંધારામાં રાખીને કરોડોની માટી ખોદીને બારોબાર વેચી મારવાની ખુલ્લી છૂટ મળી જાય છે? ખેર નાના વરનોરામાં તો જે રજુઆત થઈ કરાઈ છે તે બાદ તપાસ થવા પાત્ર શરૂ કરવામા આવી હશે પરંતુ હકીકતમાં આ રીતે તળાવો ઉંડા કરવના નામે કચ્છવ્યાપી સર્વે-ઝૂબેશ તપાસ શરૂ કરવી જોઈએ. અબડાસાથી લઈ અખે લખપત સહિતના છેવાડાનાતાલુકાઓમાં પણ કયાંક ને કયાંક આ રીતે તળાવો ઉંડા કરવાના નામ તળે ખનીજ-માટી ચોરીઓ તો કરવામા નથી આવી રહી ને?જાગૃત નાગરિકો અને ગ્રામજનો હવે એ માંગ કરી રહ્યા છે કે, સમગ્ર કચ્છમાં ચાલતા તળાવોના કામો પર ગાંધીધામ-ભુજ ખનીજ વિભાગ અને કલેક્ટર તંત્ર તાત્કાલિક સરપ્રાઈઝ તવાઈ બોલાવે અને કરોડોની રોયલ્ટી ચોરી કરનાર ભૂમાફિયાઓ તથા તેમને છાવરતા અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરે.
...................
અબડાસાથી લખપત સુધી તવાઈ બોલાવવી જરૂરીઃ ક્રોસ ચેકિંગ કેમ નહીં?
૧. માટી ક્યાં ગઈ? સરકારની નીતિ શું છે? : તળાવમાંથી ખોદાયેલી હજારો ટન માટી ક્યાં ગઈ? તેની રોયલ્ટી સરકારના ચોપડે જમા થઈ કે ખાનગી ખિસ્સામાં? સરકારની માટી નિકાલ અંગેની નીતિનું પાલન થયું છે કે નહીં તેની ચકાસણી કોણ કરી રહ્યું છે? ૨. કચ્છવ્યાપી રેન્ડમ તપાસની માંગઃ નાના વરનોરા જેવી ઘટના તો માત્ર એક ‘ટ્રેલર’ હોઈ શકે છે! સિંચાઈ વિભાગ દ્વારા સમગ્ર કચ્છમાં અબડાસા, લખપત સહિત વિવિધ તાલુકાઓમાં ચાલી રહેલા તળાવ ઊંડા કરવાના તમામ કામોની ઉચ્ચસ્તરીય ક્રોસ તપાસ કેમ કરવામાં નથી આવતી? ૩. પર્યાવરણ અને સરકારી તિજોરીને મોટું નુકસાન : જો જળ સંચયના પવિત્ર નામે માત્ર માટી જ ઉસેડવામાં આવતી હોય અને ખનીજચોરી ચાલતી હોય, તો આ ઘટના સમગ્ર કચ્છ માટે અત્યંત ગંભીર બાબત છે.
................
કચ્છમાં ખનીજચોરોની ‘નવી ફેશન’ઃ સંસ્થાના આગેવાન બનો,દાદાગીરી કરો અને અધિકારીઓ પાસે હપ્તા મુક્ત રોફ જમાવો !
ભુજઃકચ્છના પેટાળમાં કુદરતે ખનીજનો અખૂટ ખજાનો ધરબી રાખ્યો છે, પરંતુ આ ખજાના પર ડોળો નાખી બેઠેલા ખનીજચોરો પણ હવે સમયાંતરે અપડેટ થઈ રહ્યા છે! કચ્છમાં ખનીજચોરી કરવા માટે હવે કોઈ રોયલ્ટી ચોરી કરવાની કે રાતના અંધારામાં છુપાવાની જરૂર નથી; ખનીજ માફિયાઓએ હવે એક આધુનિક અને ‘વટ પડે’ તેવો નવો નુસખો શોધી કાઢ્યો છે.અંદરના જાણકારોના જણાવ્યા મુજબ, પ્રદેશમાં હવે ખનીજચોરી માટેની એક નવી જ ફેશન શરૂ થઈ છે. કોઈપણ સામાજિક, સ્થાનિક કે કાગળ પર ચાલતી સંસ્થાના આગેવાન બની જાઓ!બસ, એકવાર હોદ્દો મળ્યો એટલે પત્યું! ત્યારબાદ સંબંધિત અધિકારીઓ કે તંત્રની ‘દુખતી નસ’ દબાવી દેવાની, જેથી અધિકારીઓને હપ્તા, વહીવટ કે સેક્શન પેટે એક રૂપિયો પણ આપવો ન પડે અને સામેથી દાદાગીરી પણ બેરોકટોક ચલાવી શકાય! ભૂતકાળમાં જ્યાં ખનીજચોરોએ અધિકારીઓ સામે લાઈન-ક્લિયરન્સ માટે ખિસ્સા ખાલી કરવા પડતા હતા, ત્યાં હવે ‘નેતાગીરી’ અને સંસ્થાના લેટરપેડનો આડશ લઈને વગર ખર્ચે રોફ જમાવવાનો કીમિયો સુપરહિટ સાબિત થઈ રહ્યો છે. તંત્ર પણ આવા તથાકથિત આગેવાનો સામે કારવાઈ કરવાના બદલે મૌન સેવી લેતું હોવાથી ખનીજચોરોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.

Comments