મુંદરાના ખારવા પાંચાડા વિસ્તારમાં રાત્રીના તસ્કરોના પડાવથી ઉચ્ચાટ
રાત્રીના જાગૃત યુવાનો પાછળ દોડયા પરંતુ ચીભડચોરો ભાગી જવામાં સફળ રહ્યા : બંદરીય શહેરમાં ચોરીની વધતી ઘટનાઓ વચ્ચે પોલીસની નિષ્ક્રિયતાથી લોકોમાં ભય
મુંદરા - કચ્છઉદય : બંદરીય શહેર મુંદરામાં ઔદ્યોગીકરણના કારણે પરપ્રાંતિય વસ્તી વધી ગઈ છે. ગુનાઓમાં વધારો નોંધાયો છે પરંતુ ખાખીની જોઈએ તેવી પક્કડ જોવા મળતી નથી. જેના પરીણામે ચીભડચોરો બેફામ બનતા લોકોને સજાગ રહેવાની નોબત આવી છે. શહેરના ખારવા પાંચાડા વિસ્તારમાં રાતના સમયે તસ્કરોએ પડાવ નાખતા જાગૃત યુવાનો પાછળ દોડયા હતા. પરંતુ ચીભડચોરો ભાગી જવામાં સફળ રહ્યા હતા. સ્થાનીકો જાગૃત છે પરંતુ ખાખીના પોલીસ પેટ્રોલીંગના દાવા કાગળ પરના વાઘ સાબિત થયા છે.
આ અંગે સ્થાનીકોના જણાવ્યા પ્રમાણે, મુન્દ્રા શહેરના ખારવા પાંચાડા વિસ્તારમાં સવાલી શેરીમાં ૧૫ થી ૨૦ વર્ષના કેટલાક ઈસમો પ્રવેશ્યા હતા અને એક મકાન પરથી બીજા મકાન પર કૂદી બાજુના બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને મકાનના કબાટ તેમજ અન્ય સામાનને વેરવિખેર કરી નાખ્યા હતા પણ કોઈ કિંમતી વસ્તુ હાથ આવી ન હતી. આ વિસ્તારના જાગ્રુત યુવાનો અને મહિલાઓએ હોળી ચકલા વિસ્તાર સુધી એ બે ઈસમોનો પીછો કર્યો હતો પણ તેઓ ભાગી ગયા હતા. જોકે આ સમગ્ર બનાવની મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ નથી. આ પ્રમાણે ચોરીના બનાવથી સ્થાનીકોમાં ઉચ્ચાટ ફેલાયો હતો.
ખાસ કરીને કોટ અંદરના વિસ્તારમાં ચોરીની ઘટનાને પગલે સ્થાનીક રહેવાસીઓએ ખારવા પાંચાડા, હોળી ચકલા, જુની બીએડ કોલેજ સહિતના વિસ્તારમાં રાત્રી દરમ્યાન પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
.........

Comments