રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને વેસ્ટર્ન રેલવે વચ્ચે ઇન્ટરેક્ટિવ મીટિંગનું આયોજન
રાજકોટ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે વેસ્ટર્ન રેલવેના સિનિયર અધિકારીઓ અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકો વચ્ચે એક મહત્વપૂર્ણ ઇન્ટરેક્ટિવ મીટિંગ યોજાઈ હતી. મીટિંગ દરમિયાન રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલવે વિભાગ પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવી રહ્યું છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ગુડ્સ શેડ, ફ્રેઇટ કોરિડોર તેમજ માલ-સામાન અને પાર્સલ પરિવહન માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાઓનો ઉપયોગ કરવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ઘટાડો, સમયની બચત, લોજિસ્ટિક કાર્યક્ષમતામાં વધારો અને ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા મજબૂત બનશે. આથી વેપારીઓ અને ઉદ્યોગકારોને રેલવેની માલ પરિવહન સુવિધાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો હતો. સાથોસાથ ઉપસ્થિત ઉદ્યોગ પ્રતિનિધિઓ દ્વારા વધારાના શહેરો માટે રેલવે લાઇન લંબાવવા તથા ઇન્ડસ્ટ્રીઝમાંથી સીધું પાર્સલ કલેક્શન શરૂ કરવા જેવી રજૂઆતો કરવામાં આવી હતી, જેના પર રેલવે અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં પશ્ચિમ રેલવે મુંબઈના પ્રિન્સિપલ ચીફ કમર્શિયલ મેનેજર તરુણ જૈન, રાજકોટના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલકુમાર મીના તથા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી. પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા અને માનદ મંત્રી નૌતમભાઈ બારસીયા સહિત વિવિધ સેક્ટરના એસોસિએશન પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
-------------

Comments